દાહોદ, તા. 26
ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે આજે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી દાહોદ ખાતે કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અહીં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને સલામી ઝીલી હતી. ચાલુ વર્ષે કોરોના સંક્રમણના કારણે સરકાર દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મર્યાદા રાખવામાં આવી છે. રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા પોલીસ વડા આશીષ ભાટીયા સહિતના ટોચના મહાનુભાવોએ દાહોદની નવજીવન કોલેજના મેદાનમાં સવારે 9 વાગ્યે પ્રજાસત્તાક દિનની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો અને રાષ્ટ્રધ્વજની સલામી ઝીલી હતી. બાદમાં મુખ્યમંત્રી તથા રાજયપાલે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું અને પોલીસ જવાનોને મેડલ પણ આપ્યા હતા. આજે સવારથી દાહોદમાં જબરો ઉજવણીનો માહોલ હતો.
અહીંના આદિવાસી સહિતના ગ્રુપોએ નૃત્ય તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. ગઇકાલે સાંજે જ મુખ્યમંત્રી અહીં પહોંચી ગયા હતા તથા દાહોદમાં અનેક વિકાસ કામોને પણ લીલીઝંડી આપી હતી. સમગ્ર જિલ્લામાં રાજય સરકાર દ્વારા ખાસ ગ્રાન્ટથી વિકાસ કામોને આગળ ધપાવવામાં આવી રહ્યા છે. સમગ્ર દાહોદને ગઇકાલે સાંજે રોશનીથી શણગારવામાં આવ્યું હતું તથા સવારે સ્કુલના બાળકોની એક પ્રભાતફેરી પણ નીકળી હતી.
ગુજરાતમાં અગાઉ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા તે સમયે પ્રજાસત્તાક તથા સ્વતંત્રતા દિનની ઉજવણી ગાંધીનગર બહાર લઇ જવાની પરંપરા શરૂ કરી હતી અને પ્રજાસત્તાક દિન તથા સ્વતંત્રતા દિન રાજયના અલગ અલગ જિલ્લા મથકોએ યોજવામાં આવી રહ્યા છે. જેમાં આ વર્ષે પ્રજાસતાક દિનની ઉજવણી દાહોદ જિલ્લામાં કરવામાં આવી હતી. અને છેલ્લા એક માસથી અહીં વિવિધ વિકાસ યોજનાઓ પણ શરૂ થઇ ગઇ હતી જેમાં દાહોદ જિલ્લાને ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે પણ આ પ્રકારની અનેકવિધ યોજનાઓને ખુલ્લી મુકી હતી. જોકે આ વર્ષે કોરોના સંક્રમણના કારણે એટહોમ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા નથી.
આરએસએસના વડા મોહન ભાગવતે અમદાવાદમાં સંઘ કાર્યાલય ખાતે ધ્વજવંદન કર્યુ
હાલ ગુજરાતની મુલાકાતે રહેલા આરએસએસના વડા મોહન ભાગવતે આજે સવારે અમદાવાદમાં આરએસએસ મુખ્ય કાર્યાલય ખાતે ધ્વજવંદન કર્યુ હતું અને તવ શુભ નામે જાગેની વિચારધારાને સમગ્ર દેશમાં ફેલાવવાનું આહવાન કર્યુ હતું. ભાગવતે કહ્યું હતું કે આપણે જ્યારે જન મન ગણ ગાઇએ છીએ ત્યારે સમગ્ર દેશ આપણી આંખો સમક્ષ આવી જાય છે. આ આપણો ગણતંત્ર દિન છે અને આ દેશ ચલાવનારા પણ આપણે છીએ સંવિધાનના આધારે સમગ્ર દેશ ચાલે તે મહત્વનું છે.