દેશ આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે અને દિલ્હીમાં મુખ્ય સમારોહમાં રાજપથ ખાતે ભારતીય સૈન્ય શકિત, સંસ્કૃતિ અને સજજતાનું પ્રતિક જેવી ભવ્ય પરેડ યોજાઇ હતી. પ્રથમ વખત પ્રજાસત્તાકની પરેડમાં ભારતીય હવાઇ દળમાં સામેલ થયેલા રાફેલ વિમાનોએ ઉડ્ડયન ભરી હતી તથા ભારતીય સૈન્યની વિવિધ બટાલીયનો દ્વારા માર્ચપાસ્ટ કરવામાં આવી હતી અને સૈન્યની ક્ષમતાનું પ્રદર્શન કરાયું હતું. તો બીજી તરફ આજે અનેક રાજયોની સાંસ્કૃતિક ઝાંખીઓ પણ એક બાદ એક જોવા મળી હતી. કોરોના સંક્રમણ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમો જાળવીને આજની પરેડ યોજાઇ હતી. જોકે હાલની સ્થિતિના કારણે પ્રથમ વખત પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઇ વિદેશી મહાનુભાવો હાજર ન હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ રાષ્ટ્ર ધ્વજની સલામી લીધી હતી અને સંપૂર્ણ પરેડને નિહાળી હતી. દિલ્હીમાં આજે એક તરફ ખેડુતોની જબરી ટ્રેકટર રેલી યોજાઇ રહી છે તે સમયે પરેડમાં કોઇ વિધ્ન ન પહોંચે તે માટે જબરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.