નવી દિલ્હી તા.26
પ્રદૂષણ ઓકતા જૂના વાહનો પર ગ્રીન ટેકસ ઝીંકવાની દરખાસ્તને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મંજુરી આપવામાં આવી છે. હવે આ દરખાસ્ત રાજયોને મોકલવામાં આવશે. રાજયો તરફથી લીલીઝંડી મળ્યા બાદ વિધિવત અમલ શરુ કરવામાં આવશે.
માર્ગ પરિવહન મંત્રાલયના કથન મુજબ 8 વર્ષ જુના ટ્રાન્સપોર્ટ વાહનો પર ફીટનેસ સર્ટીફીકેટ રીન્યુ કરતી વખતે 10થી25 ટકાના દરે ગ્રીનટેકસ લાગુ પડશે. સરકારી તથા જાહેરક્ષેત્રની માલીકીના 15 વર્ષ જુના વાહનોની સ્ક્રેપીંગ નીતિને પણ મંજુરી આપવામાં આવી હતી. નવા નિયમોનો અમલ એક એપ્રિલ 2022થી લાગુ થશે.
કેન્દ્રીય મંત્રાલયના કહેવા પ્રમાણે કુલ વાહનોમાં ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા માત્ર 5 ટકા છે. છતાં કુલ પ્રદૂષણમાં 65થી70 ટકા હિસ્સો છે. વર્ષ 2000 પુર્વે ઉત્પાદીત વાહનો માત્ર એક ટકા હોવા છતાં પ્રદૂષણમાં 15 ટકા હિસ્સો છે.
ખાનગી વાહનો 15 વર્ષ જુના થાય ત્યારે ફીટનેસ સર્ટીફીકેટ વખતે તેના પર ગ્રીન ટેકસ લાગશે. સીટી બસ સેવા જાહેર પરિવહનના વાહનો પર ઓછો ટેકસ લાગુ પડશે. અત્યધિક પ્રદૂષિત શહેરોમાં રજીસ્ટેડ વાહનો પર 50 ટકાના ધોરણે ગ્રીન ટેકસ લાગુ પડશે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતીન ગડકરીએ ગત સપ્તહે જ નિર્દેશ કર્યો હતો કે 15 વર્ષ જુના વાહનોને ભંગારમાં ધકેલવાની નવી નીતિને તુર્તમાં મંજુરી આપી દેવામાં આવશે. નવી દરખાસ્ત અંતર્ગત હાઈબ્રીડ, સીએનજી, પીએનજીથી ચાલતા વાહનો પર ગ્રીન ટેકસનો બોજ નહીં લાગે.