ગુજરાતની સ્કુલોમાં ઉનાળુ વેકેશન માત્ર એક સપ્તાહનું રહેશે

26 January 2021 12:18 PM
Gujarat
  • ગુજરાતની સ્કુલોમાં ઉનાળુ વેકેશન માત્ર એક સપ્તાહનું રહેશે

નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણકાર્ય નોર્મલ કરવા રાજય સરકારનો મહત્વનો નિર્ણય છતાં સંબંધીત વર્ગો સાથે પરામર્શ બાદ આખરી ફેંસલો

અમદાવાદ તા.26
કોરોનાને કારણે શાળા-કોલેજો બંધ જ રહી છે. હવે કોરોનાનો કહેર કાબુમાં આવવા સાથે શિક્ષણ સંસ્થાઓ ખુલ્લી મુકવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે રાજયના શિક્ષણ વિભાગે દિવાળી વેકેશન ટુંકાવવાનો નિર્ણય લીધો છે. કોરોનાને કારણે બગડેલા શિક્ષણને સરભર કરવાનો વ્યુહ છે.


રાજયના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે 2020-21ના શૈક્ષણિક વર્ષનું ઉનાળુ વેકેશન ટુંકાવાશે. દર વર્ષે 35 દિવસનું વેકેશન હોય છે તે આ વર્ષે ટુકુ રહેશે. માત્ર એકાદ સપ્તાહનું જ વેકેશન આપવામાં આવશે. તમામ શિક્ષણ બોર્ડને આ નિયમ લાગુ પડશે.


તેઓએ એવી ચોખવટ કરી હતી કે ઉનાળુ વેકેશન સહિતના શૈક્ષણિક ક્ષેત્રના આખરી નિર્ણય સંબંધીત વર્ગો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ જ લેવામાં આવશે. ઉનાળુ વેકેશન ટુંકાવવા પાછળનો આશય નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણકાર્ય સરળતાથી અને નોર્મલ રીતે ચાલુ રાખવાનો છે.


કોરોના મહામારીને કારણે સર્જાયેલી અસાધારણ પરિસ્થિતિથી સ્કુલ-કોલેજો દસ મહિના સુધી બંધ જ રાખવામાં આવી હતી. ધો.10 તથા 12ની પરીક્ષા સામાન્ય રીતે માર્ચ મહિનામાં લેવામાં આવતી હોય છે તે પણ મે મહિનામાં યોજવાનું નકકી કરવામાં આવ્યું છે. ધો.1થી9 તથા ધો.11ના નવા શૈક્ષણિક વર્ષના કલાસ બોર્ડ પરીક્ષા પછી શરુ કરવામાં આવશે.


ઉનાળુ વેકેશન ટુકાવાના રાજય સરકારના નિર્ણયથી તમામ સ્કુલ સંચાલકો પણ રાજી છે. સ્કુલ સંચાલકોએ પણ ઉનાળુ વેકેશન ટુંકાવવાની તરફેણ જ કરી હતી. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ મોટાભાગે આખુ વર્ષ ઘેર રહ્યા હતા ત્યારે હવે લાંબા ઉનાળુ વેકેશનની જરૂરત રહેતી નથી. 2021-22નુ નવું શૈક્ષણિક વર્ષ સમયસર શરુ કરી દેવાનું જરૂરી છે.


વાલીમંડળના અમુક સભ્યોએ જો કે, એમ કહ્યું કે કોરોનાને કારણે પ્રવાસ વગેરે અટકી ગયા હતા. હવે કોરોનાનો કહેર નબળો પડવા લાગ્યો છે. જયારે ઉનાળુ વેકેશનને લક્ષ્યમાં રાખીને પ્રયાસના આયોજનો ગોઠવવાનું શરુ કરવામાં આવ્યું હતું. સરકારે નવુ શૈક્ષણિક કેલેન્ડર વ્હેલી તકે જાહેર કરી દેવું જોઈએ જેથી પ્રવાસના આયોજનો ગોઠવવામાં સરળતા રહે. ભલે કરવા કે પ્રવાસ પુર્વે બાળકોના શિક્ષણને જ પ્રાયોરીટી ગણવામાં આવશે છતાં વ્હેલીતકે નિર્ણય થાય તો સરળતાથી આયોજન થઈ શકે.


અત્રે ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ રહી છે. ગત પખવાડીયામાં ધો.10 તથા 12 ઉપરાંત કોલેજોમાં છેલ્લા વર્ષના વર્ગો શરુ કરવાને મંજુરી આપવામાં આવી છે. પખવાડીયા જેવો સમય થઈ ગયો હોવા છતાં કોરોના સંક્રમણ ફેલાવા કે અન્ય કોઈ ગંભીર ઘટનાક્રમો સર્જાયા નથી ઉપરાંત રાજયમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જ રહ્યો છે. આ પરિસ્થિતિમાં હવે ધો.9 અને 11ના વર્ગો શરુ કરવાની પણ વિચારણા શરુ કરવામાં આવી છે. રાજય મંત્રીમંડળની બેઠકમાં એકાદ દિવસમાં જ નિર્ણય થઈ શકે છે. પ્રાથમીક વર્ગો શરુ થવાની શકયતા ઓછી છે.


Related News

Loading...
Advertisement