રાજકોટ તા.26
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ પણ તીવ્ર ઠંડીનું મોજુ યથાવત રહેવા પામ્યું હતું. પોરબંદર, નલીયા ઉપરાંત રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર સહિતનાં સ્થળોએ તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. આજરોજ પણ રાજયનું સૌથી ઠંડુ શહેર નલીયા રહેવા પામ્યુ હતું. આજે સવારે નલીયા ખાતે રેકોર્ડ બ્રેક લઘુતમ તાપમાન 2.8 ડિગ્રી નોંધાવા પામ્યુ હતું.અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છનાં નલીયા ખાતે આજે ચાલુ સીઝનની સૌથી હાઇએસ્ટ ઠંડી 2.8 ડિગ્રી નોંધાતા નલીયાવાસીઓ રીતસરથીજી ગયા હતા. આ ઉપરાંત 9.8 ડિગ્રી સાથે ભૂજ પણ ટાઢુ બોળ રહેવા પામ્યુ હતું. તથા કંડલામાં 10.5ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
કચ્છ ઉપરાંત રાજયમાં આજે સવારે કુલ 8 સેન્ટરોમાં સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાતા આજનું પ્રજાસત્તાક પર્વ રાજયમાં ઠંડુબોળ સાબિત થયુ હતું. ખાસ કરીને સમગ્ર કચ્છ આજે જયારે બે દાયકા પૂર્વેના ગોઝારા ધરતીકંપની 20મી વરસીના શોકમગ્ન માહોલમાં છે ત્યારે ઠંડી પણ જાણે કચ્છીઓના દુ:ખમાં સાંત્વના આપવા બેબાકળી બની હોય તેમ સમગ્ર જિલ્લામાં આજે હાડથીજાવતી ઠંડીએ હાજરી પૂરાવી છે. કચ્છના સરહદી તાલુકાનું મુખ્ય મથક નલિયા 2.8 ડિગ્રી સે.ન્યુનતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક બનવા પામ્યું છે. સમયાંતરે ફૂંકાતા ઠંડા પવનોએ સમગ્ર જિલ્લાને જાણે ડીપફ્રિજરમાં પરિવર્તિત કરી દીધું છે.જિલ્લાના મુખ્ય મથક ભુજમાં પણ 9.8 ડિગ્રી સે.ન્યુનતમ તાપમાન સાથે ઠંડીએ અડિંગો જમાવ્યો છે.મહાબંદર કંડલા ખાતે પણ 10.5 ડિગ્રી સે.લઘુતમ તાપમાન નોંધાયું છે.દેશના 72માં પ્રજાસતાક દિનના દિવસે જ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ અને જળસીમા આસપાસના ગામોમાં આજે ચાલુ શિયાળાનો સૌથી ઠંડો દિવસ અનુભવાઈ રહ્યો છે.
સતત ત્રણ સપ્તાહથી પડી રહેલી એકધારી ઠંડીને કારણે જિલ્લામાં શરદી-ઉધરસના કિસ્સાઓમાં મોટો ઉછાળો આવ્યો છે.કોરોના હાઉને કારણે શરદી ઉધરસ જેવાં લક્ષણો જણાતાં લોકોમાં ફફડાટ ફેલાય છે અને સંખ્યાબંધ દર્દીઓ કોરોના તો નથીને તેવા ભય સાથે તબીબો પાસે પહોંચી રહ્યા છે. આવી પરિસ્થિતિનો ગેરલાભ લઈને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાંક ઉઘાડપગાં તબીબો કોરોના વાઇરસના સંક્રમણનો હાઉ બતાવીને પ્રજા પાસેથી નાણાં પડાવી રહ્યા હોવાની ફરિયાદ બહાર આવી રહી છે. અધૂરામાં પૂરું હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી દસ દિવસ સુધી ગાત્રો થીજાવી દેતી આખા રાજ્યમાં ઠંડીની હાજરી રહેશે.
આજરોજ નલીયા ઉપરાંત ભૂજ-રાજકોટ, કેશોદ, ડીસા, પોરબંદર, અમરેલી અને ગાંધીનગર ખાતે સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાતા લોકો તીવ્ર ઠંડીમાં થરથરી ગયા હતા. ડીસામાં આજે સવારે 9.1, રાજકોટમાં 9.2, કેશોદમાં 8.6, પોરબંદરમાં 8.6, ભૂજમાં 9.8, અમરેલીમાં 9.2 અને પાટનગર ગાંધીનગર ખાતે 7.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.જયારે આજે અમદાવાદમાં 10, વડોદરામાં 11.4, વેરાવળમાં 13.5, દ્વારકા 13.6, ઓખામાં 17.7, સુરેન્દ્રનગરમાં 10.5, કંડલામાં 10.5, મહુવામાં 10.9, દિવમાં 11.5, વલસાડમાં 10.5 અને વલ્લભ વિદ્યાનગર ખાતે 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.