રાજકોટના તરવૈયા મંત્ર હરખાણીનું જલેબી-ફાફડા ખાવાનું આમંત્રણ સ્વીકારતાં વડાપ્રધાન

25 January 2021 03:58 PM
Rajkot India
  • રાજકોટના તરવૈયા મંત્ર હરખાણીનું જલેબી-ફાફડા ખાવાનું આમંત્રણ સ્વીકારતાં વડાપ્રધાન

દેશના 32 ‘બાળ શક્તિ પુરસ્કાર’ વિજેતા બાળકો પૈકીના એક એવા મંત્ર હરખાણી સાથે મોદીની નિખાલસ વાતચીત: રાજકોટમાં રહેતાં અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનો ડંકો વગાડનાર ‘પેરા સ્વીમર’ મંત્ર સાથે 2 મિનિટ સુધી વાતચીત કરી

રાજકોટ, તા.25
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ અલગ રમતોમાં મેડલ હાંસલ કરીને દેશનું નામ રોશન કરનાર 32 રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે મુક્તમને વાતચીત કરી હતી. દરમિયાન 2019માં દુબઈના અબુધાબી ખાતે યોજાયેલી ‘સ્પેશિયલ ઓલિમ્પિક’માં ગોલ્ડ મેડલ મેળવનાર રાજકોટના 17 વર્ષીય તરવૈયા મંત્ર હરખાણી સાથે 2 મિનિટ સુધી ‘વર્ચ્યુઅલી’ વાતચીત કરીને તેને શાનદાર રમત બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ વખતે મંત્રએ વડાપ્રધાનને જલેબી-ફાંફડા ખાવાનું આમંત્રણ આપ્યું હતું જેનો મોદીએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.

વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું તમારા લોકોની જેમ હું તમને મળવાની રાહ જોઈ રહ્યો હતો પરંતુ કોરોનાને કારણે આપણી વર્ચ્યુઅલ મુલાકાત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 63 વર્ષમાં પહેલી વખત એવું બનશે જ્યારે બહાદુર બાળકો ગણતંત્ર દિવસ પરેડનો હિસ્સો બની શકશે નહીં. 1957થી આ સિલસિલો સતત ચાલ્યો આવતો હતો પરંતુ કોરોનાને કારણે આ વર્ષે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનારા બાળકો રાજપથ ઉપર જોવા નહીં મળે. વડાપ્રધાન મોદીએ મંત્ર જીતેનભાઈ હરખાણી સાથે વાતચીત કરતાં પૂછયું હતું કે ‘તમે શું બનવા માંગો છો’, આ સવાલનો જવાબ આપતાં મંત્રએ કહ્યું હતું કે ‘હું વર્લ્ડક્લાસ તરવૈયો બનીને દેશનું નામ રોશન કરવા માંગું છું.’

આ પછી મોદીએ મંત્રને ગુજરાતીમાં પૂછયું હતું કે હું ગુજરાત આવું ત્યારે મને મળવા આવીશ ? આ સવાલનો જવાબ આપતાં મંત્રએ કહ્યું કે તમને મળવાનું મારું સ્વપ્ન છે અને જ્યારે હું તમને મળવા આવીશ ત્યારે જલેબી-ફાંફડા પણ લાવીશ ! આ સાંભળી મોદી હસી પડ્યા હતા. તેમણે મંત્ર સાથે જલેબી-ફાંફડા ખાવાની વાત ગુજરાતીમાં કહી હતી. આ વેળાએ મંત્રના માતા બીજલબેન અને પિતા જીતેન્દ્રભાઈ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ‘બોર્ન ડાઉન સિન્ડ્રોમ’નો સામનો કરી રહેલો 17 વર્ષીય મંત્ર 10 વર્ષની ઉંમરથી અદ્ભુત રીતે સ્વિમિંગ કરે છે. 2016માં તે નેશનલ ઓલિમ્પિક્માં પસંદ થયો હતો અને જેમાં તેને 2 બોલ્ડ બેડલ મળ્યા હતા. આ ઉપરાંત નેશનલ કેમ્પ ચાલું થયા તેમાં તેણે ગોવા, તેલંગણા, રાજસ્થાનમાં પણ પસંદગી પામ્યો હતો.

આ પછી દુબઈના અબુધાબીમાં યોજાયેલી સ્પેશ્યલ ઓલિમ્પિકમાં 15 મીટર બેક સ્ટ્રોક એક અને 15 મીટર ફ્રી સ્ટાઈલમાં એક ગોલ્ડ મળી કુલ બે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. આજે વડાપ્રધાને દેશના 32 બાળકો સાથે વાતચીત કરી હતી જેમાં મંત્ર પણ સામેલ છે. મોદીએ બાળકો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે દેશના બાળકો, દેશની ભાવિ પેઢીએ આ મહામારી સામે લડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સાબુથી 20 સેકન્ડ સુધી હાથ ધોવા હોય તો આ વાત બાળકો પાસેથી શીખવી જોઈએ. બાળકોએ જે કામ કર્યું છે, તમને જે પુરસ્કાર મળ્યા છે એ એટલા માટે ખાસ છે કેમ કે તમે આ બધું કોરોનાકાળ દરમિયાન કર્યું છે. આટલી ઓછી ઉંમરે આ બધું કરવું આશ્ચર્ય જન્માવનારું છે.


Related News

Loading...
Advertisement