ટિકીટ મેળવવા અને અપાવવા ભાજપના કાર્યકરો ઉમટ્યાં

25 January 2021 03:16 PM
Jamnagar
  • ટિકીટ મેળવવા અને અપાવવા ભાજપના કાર્યકરો ઉમટ્યાં
  • ટિકીટ મેળવવા અને અપાવવા ભાજપના કાર્યકરો ઉમટ્યાં
  • ટિકીટ મેળવવા અને અપાવવા ભાજપના કાર્યકરો ઉમટ્યાં
  • ટિકીટ મેળવવા અને અપાવવા ભાજપના કાર્યકરો ઉમટ્યાં
  • ટિકીટ મેળવવા અને અપાવવા ભાજપના કાર્યકરો ઉમટ્યાં
  • ટિકીટ મેળવવા અને અપાવવા ભાજપના કાર્યકરો ઉમટ્યાં
  • ટિકીટ મેળવવા અને અપાવવા ભાજપના કાર્યકરો ઉમટ્યાં
  • ટિકીટ મેળવવા અને અપાવવા ભાજપના કાર્યકરો ઉમટ્યાં

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ટિકીટ મેળવવા 500 જેટલા દાવેદારો તેમજ તે સંભર્દે સેન્સ આપવા ભાજપના સક્રિય કાર્યકરો કુલ ત્રણ સ્થળોએ ગઇકાલે ઉમટી પડ્યાં હતાં. પૂર્વ હોદ્દેદારો અને કોર્પોરેટરો ઉપરાંત અસંખ્યા નવા ચહેરાઓએ ટિકીટ માંગી હતી. :જામનગરમાં ભાજપના કોર્પોરેટર બનવા દરેક વોર્ડમાં લાઇન લાગી:ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાના મંડાણ: પ્રથમ તબક્કાની કામગીરીરૂપે પ્રદેશ ભાજપ દ્વારા નિમાયેલા નવ નિરિક્ષકોએ ત્રણ સ્થળોએ ટિકિટવાંચ્છુઓની દાવેદારી સાંભળી: વોર્ડની બોડીના હોદ્દેદારોએ પણ સુચિત ઉમેદવારો અંગે સેન્સ આપી: શહેર ભાજપ કાર્યાલય, જિલ્લા ભાજપ કાર્યાલય અને કુંવરબાઇ ધર્મશાળા ખાતે સેન્સની પ્રક્રિયા સંદર્ભે ટોળા ઉમટ્યાં: પૂર્વ અને માજી હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો અને સંગઠ્ઠનના હોદ્દેદારો સહિત 500 લોકોએ દાવેદારી ફોર્મ સાથે નિરિક્ષકો સમક્ષ કરી ઓળખ પરેડ: અનામત બેઠકોના બદલાયેલા રોટેશન, નવા ઉમેરાયેલા મતદારોની સંખ્યાને કારણે કેટલાંક વોર્ડમાં ઉમેદવારની પસંદગી માટે માપદંડો બદલાયા તો અમુક વોર્ડમાં ભાજપને લોટરી લાગે તેવી સ્થિતિ ઉભી થઇ: કુલ 64 બેઠકો માટે 500 દાવેદારોમાંથી સૌથી વધુ દાવેદારો ભાજપના ગઢ ગણાતા વોર્ડ નં.8માં નોંધાયા-61 ફોર્મ ઉપડ્યા બાદ ચાર પૂર્વ કોર્પોરેટર અને ભાજપના મહામંત્રી સહિત 50 થી વધુ લોકોએ ટિકીટ માટે કર્યો દાવો: કોંગ્રેસના સાથી રહેલાં વોર્ડ નં.1 અને 12માં પણ ભાજપને 8 થી 12 માંગણીદારો મળ્યાં

જામનગર તા.25
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે ગઇકાલે દાવેદારોને સાંભળવાની સંગઠ્ઠનના કાર્યકરોની (અપેક્ષિત), સેન્સ લેવાની કામગીરી હાથ ધરાઇ હતી. 64 બેઠકો માટે 530 જેટલા દાવેદારી ફોર્મ ઉપડ્યા બાદ ગઇકાલે 500 જેટલા લોકોએ દાવેદારી કરી હતી. ત્રણ સ્થળે કરાયેલી આ કામગીરી દરમિયાન ટિકિટવાચ્છુ તથા કાર્યકરોના ટોળા ઉમટ્યા હતાં. આગામી ત્રણેક દિવસમાં પ્રદેશ નિરીક્ષકો, પ્રદેશના હોદ્દેદારો, જામનગર ભાજપના પ્રમુખ-મહામંત્રીઓ, સાંસદ તેમજ શહેરના બન્ને ધારાસભ્ય (મંત્રી) ની બેઠકમાં દાવેદારોની સમિક્ષા થશે અને સ્ક્રુટીની માટેની બેઠક મળશે.


જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 મી ફેબ્રુઆરીએ યોજાનાર છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે પ્રથમ તબક્કાની કામગીરી ગઇકાલે હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિમાયેલા કુલ 9 નિરિક્ષકો દ્વારા જુદા-જુદા ત્રણ સ્થળોએ ત્રણ-ત્રણની ટીમમાં સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની કુલ 64 બેઠકો માટે 530 જેટલા ફોર્મ ટિકિટવાચ્છુઓ દ્વારા મેળવવામાં આવ્યા હતાં. આ પૈકી આશરે 500 જેટલા લોકોએ ભાજપની ટિકિટ માટે ફોર્મ ભરીને નિરિક્ષકો સમક્ષ રૂબરૂ આવી દાવો કર્યો હતો.જામનગર શહેર ભાજપ કાર્યાલય (પંચેશ્વર ટાવસ પાસે), જિલ્લા ભાજપ કાર્યાલય (અટલ ભવન, ઇન્દિરા માર્ગ) અને કુંવરબાઇ ધર્મશાળા (જેલ પાસે) ખાતે ગઇકાલે ભાજપના ટિકિટ માટેના દાવેદારોને સાંભળવાની કામગીરી સવારે 10:00 વાગ્યે શરૂ કરવામાં આવી હતી.


જામનગર શહેર કાર્યાલય ખાતે વોર્ડ નં.1 થી 6 માટેના દાવેદારોની સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અહીં પ્રદેશ ભાજપના નિરીક્ષક તરીકે ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્ય), ગૌતમભાઇ ગેડિયા અને આરતીબેન જોષીએ હાજર રહી સેન્સ લીધી હતી. દરેક વોર્ડ માટે એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો. જો કે વોર્ડ નં.1 ની કામગીરી માત્ર 30 મિનિટમાં સંપન્ન થઇ ગઇ હતી. વોર્ડ નં.2, 3 અને 5 માટેની કામગીરી એક કલાકથી થોડી મિનિટો વધુ ચાલી હતી. વોર્ડ નં.1 કે જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે ત્યાં ચાર બેઠક માટે માત્ર એક ડઝન જેટલા જ દાવેદારો આવ્યા હતાં. જો કે આ વોર્ડની ગણતરી ભાજપ માટે બહુ મહત્વની રહેતી નથી. આમ છતાં બેઠક કરતાં વધુ દાવેદારો ભાજપની ટિકીટ માંગવા આવ્યા તે એક સારી નિશાની છે.

વોર્ડ નં.2 માં 20 થી વધુ દાવેદારો જોવા મળ્યાં હતાં. તો વોર્ડ નં.3 માટે પણ બે ડઝનથી વધુ દાવેદારો આવ્યા હતાં. વોર્ડ નં. 4 માટે દોઢ ડઝન જેટલા દાવેદારો નોંધાયા હતાં. વોર્ડ નં.5 અને 6 માટે થઇને 50 થી વધુ દાવેદારો ટિકિટ માંગવા આવ્યા હતાં.ખાસ કરીને વોર્ડ નં.2, 3 અને 5 ભાજપની વોટબેન્ક માનવામાં આવતા હોવાથી અને તેમાં પણ ખાસ કરીને વોર્ડ નં.3 માંથી હંમેશા માટે ભાજપની પેનલ જીતતી હોવાથી અહીં ટિકિટ મેળવવાનું કામ જેટલું અઘરૂં છે તેટલું ચૂંટણી જીતવાનું સહેલું છે. જેમ કે મધપુડો હોય ત્યાં માખીઓ હોય તે સ્વાભાવિક છે. આ વોર્ડમાંથી કરાયેલી ટિકીટ માટેની દાવેદારીમાં પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, માજી મેયર દિનેશભાઇ પટેલ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર અલ્કાબા જાડેજા અને અનેક સક્રિય કાર્યકર્તાઓ સામેલ છે. આ વોર્ડમાં આગામી ચૂંટણીમાં પણ બ્રાહ્મણ, કડવા પટેલ, ક્ષત્રિય અને લોહાણા જ્ઞાતિના ઉમેદવારની પેનલ બનાવવામાં આવી તેવી શક્યતા ઘણી વધુ છે. કેમ કે આ વોર્ડમાં સૌથી વધુ મત આ જ્ઞાતિના છે.


વોર્ડ નં.5 પણ ભાજપની પેનલની જીત માટે આ વખતે પણ આસાન ગણાય છે. પરિણામે વોર્ડ નં.5માં પણ દાવેદારોની રાફડો ફાટ્યો છે. આ વોર્ડમાં એક બેઠક ઓબીસી માટેની અનામત છે અને આ બેઠક માટે પૂર્વ ડે.મેયર અને જામનગર આહીર સમાજના પ્રમુખ કરશનભાઇ કરમુર કે જે પાંચ ટર્મથી કોર્પોરેટર છે તે ફરી રિપીટ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત આ વોર્ડના પૂર્વ કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા, બિનાબેન કોઠારી અને ડિમ્પલબેન રાવલે પણ દાવો કર્યો છે. વધુમાં આ વોર્ડમાંથી અગાઉ કોર્પોરેટર રહી ચુકેલા નિલેશભાઇ કગથરા, માજી મેયર રાજુભાઇ શેઠના પુત્ર, એડવોકેટ રાજેશ અનડકટ, બ્રહ્મ સમાજના શહેરના પ્રમુખ આશીષ જોષી, પૂર્વ પ્રમુખ નયનભાઇ વ્યાસ, આર્કીટેક હિમાંશુ જાની વિગેરેએ પણ ભાજપની ટિકીટ માટે દાવેદારી કરી છે.


જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય (અટલ ભવન) ખાતે ભાજપના નિરીક્ષક રાજેશભાઇ ચુડાસમા (સાંસદ), જયેશભાઇ વ્યાસ અને જશુમતીબેન કોરાટ (માજી મંત્રી) દ્વારા સેન્સ લેવામાં આવી હતી. સવારે 10:00 વાગ્યે વોર્ડ નં.7 થી સેન્સની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અહીં વોર્ડ નં.7 થી વોર્ડ નં.11 સુધીના દાવેદારોને ક્રમ અનુસાર સાંભળવામાં આવ્યા હતાં. આ ઝોનમાં તેમજ સમગ્ર મહાનગરપાલિકામાં સૌથી વધુ દાવેદાર વોર્ડ નં.8માં જોવા મળ્યા હતાં. કેમ કે વોર્ડ નં.3 ની માફક વોર્ડ નં.8 પણ હંમેશા માટે ભાજપની પેનલને જીતાડતો આવ્યો છે. આથી અહીં ટિકિટ માટે ભારે ગીરદી જોવા મળી હતી. વોર્ડ નં.7માં ટિકિટ માંગનારાઓમાં પૂર્વ કોર્પોરેટર મેરામણભાઇ ભાટુ, અરવિંદભાઇ સભાયા, 2017માં એસ.વી.પી.પી. માંથી ભાજપમાં જોડાયેલા મિતલબેન ફળદુએ પણ ટિકિટ માંગી હતી. સૌથી વધુ ફોર્મ વોર્ડ નં.8માં ઉપડ્યા હતાં.

કુલ 61 લોકોએ ભાજપની ટિકીટ માટેનું દાવેદારી ફોર્મ ઉપાડ્યા બાદ 50 જેટલા કાર્યકરો ટિકીટ માંગવા આવ્યા હતાં. આ વોર્ડમાંથી ટિકીટની માંગણી કરનાર દાવેદારોમાં શાસકપક્ષના પૂર્વ નેતા દિવ્યેશભાઇ અકબરી, પૂર્વ કોર્પોરેટર યોગેશભાઇ કણજારિયા, યોગેશભાઇ કણજારિયાના પત્ની, પ્રફુલાબેન જાની અને મેઘનાબેન હરિયા, માજી કોર્પોરેટર ગીતાબેન સાવલા, ભાજપના મહામંત્રી અને માજી ડે.મેયર ગોપાલ સોરઠિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિત્તિના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન વનરાજસિંહ જાડેજા, રણજીતનગર બ્રહ્મ સમાજના પ્રમુખ સુનિલ ખેતિયા વિગેરેનો સમાવેશ થાય છે.


વોર્ડ નં.9 માં પણ ભાજપમાં ટિકિટ માટે લાઇન લાગી હતી. માજી ડે. મેયર ભરતભાઇ મહેતા, પ્રવિણભાઇ માડમ, પૂર્વ કોર્પોરેટર કુસુમબેન પંડ્યા, વોર્ડના મહામંત્રી હિતેન્દ્ર ચોટાઇ (ચીનાભાઇ), માજી મેયર રાજુભાઇ શેઠ, માજી કોર્પોરેટર સરીતાબેન ઠાકર વિગેરેએ ભાજપની ટિકીટ માંગી છે. જ્યારે વોર્ડ નં.10માં પૂર્વ મેયર હસમુખ જેઠવા, પૂર્વ કોર્પોરેટર ક્રિષ્નાબેન સોઢા, નટુભાઇ રાઠોડ, હંસાબેન પીપળિયા, માજી કોર્પોરેટર નવિનભાઇ લાખાણી, અરવિંદભાઇ ચૌહાણ વિગેરેએ ટિકીટ માંગી છે. વોર્ડ નં.11 માંથી પૂર્વ કોર્પોરેટર જશરાજ પરમાર, પ્રફુલ્લાબા જાડેજા વિગેરેનો સમાવેશ થાય છે.


કુંવરબાઇ જૈન ધર્મશાળા (જિલ્લા જેલ) ખાતે ભાજપના નિરીક્ષક તરીકે બાબુભાઇ જેબલિયા, સુરેશભાઇ ધાધલિયા અને જ્યોતિબેન વાછાણીએ વોર્ડ નં.12 થી 16 સુધીના દાવેદારોની સેન્સ લીધી હતી. વોર્ડ નં.1 ની માફક વોર્ડ નં.12 પણ કોંગ્રેસની પક્કડવાળો વોર્ડ હોવાથી અહીં પણ ચાર બેઠક માટે માંડ દશેક દાવેદારો નોંધાયા હતાં. આ વોર્ડમાં પૂર્વ ચારેય કોર્પોરેટર કોંગ્રેસના હતાં. આથી ભાજપ માટે અહીં ઉમેદવારની પસંદગી સાવ સરળ રહેશે. વોર્ડ નં.13માં પણ ભાજપની ટિકીટ માટે સારી એવી સંખ્યા જોવા મળી હતી. સ્ટેન્ડીંગ કમિટીના માજી ચેરમેન મનીષ કનખરા, પૂર્વ કોર્પોરેટર કેતન નાંખવા, જયશ્રીબેન નંદાણી તથા રેખાબેન ચૌહાણે પણ ટિકીટ માંગી છે.

આ ઉપરાંત એડવોકેટ મિહીર નંદા, મોહિત મંગી વિગેરેએ પણ ટિકીટ માંગી છે. વોર્ડ નં.14માં બે બેઠક અનામત જાહેર થઇ છે આથી અહીં પૂર્વ ચાર કોર્પોરેટરમાંથી કોને ટિકીટ આપવી અને કોની ટિકીટ કાપવી તે ભાજપ માટે માથાના દુ:ખાવા સમાન પ્રશ્ર્ન બનશે. માજી ચેરમેન દિનેશ ગજરા, શહેર યુવા ભાજપ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર મનિષ કટારિયા, માજી મેયર પ્રતિભાબેન કનખરા અને લીલાબેન ભદ્રા ફરી દાવેદાર બન્યા છે. વોર્ડ નં.15 માં ગત્ ટર્મમાં ચારેય કોર્પોરેટર કોંગ્રેસના હતાં. આમ છતાં વોર્ડ નં.15ની ટિકીટ માટે અહીં પણ લાઇન થઇ છે. કેમ કે આ વોર્ડમાં 5000 થી વધુ મત પાટીદાર સમાજના ઉમેરાયા છે

અને આ સમીકરણને કારણે ભાજપના મહામંત્રી અને માજી કોર્પોરેટર ગોપાલ સોરઠિયાએ વોર્ડ નં.7 અને 8 ઉપરાંત આ વોર્ડમાંથી પણ ટિકીટ માંગી છે. વોર્ડ નં.16માં પણ આવી જ સ્થિતિ છે. આ વોર્ડમાં પણ ગત્ ટર્મમાં ચારેય કોર્પોરેટર કોંગ્રેસના હતાં. 2017માં અતુલ ભંડેરી કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ્યા હતાં અને થોડા મહિનાઓ પહેલાં કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ વતી ખંડણી ઉઘરાવવાના કેસમાં અને છેલ્લે ગુજસીટોકના ગુન્હાનમાં જેલમાં પ્રેવશ્યા હતાં. આ વોર્ડમાં પણ 3000થી વધુ પાટીદારોના મત ઉમેરાયા છે. પરિણામે આ વોર્ડમાં પણ ટિકીટ મેળવવા માટે ભાજપને ઘણા દાવેદારો મળ્યાં છે.
આમ ઉપરોક્ત ત્રણ સ્થળોએ ભાજપે ગઇકાલે સેન્સ લીધી હતી. 530 ફોર્મ ઉપડ્યા બાદ ગઇકાલે 500 જેટલા લોકો ફોર્મ ભરીને નિરીક્ષકો સમક્ષ દાવો કરવા આવ્યા હતાં. આ ઉપરાંત ભાજપના વોર્ડની બોડીના હોદ્દેદારો તથા સક્રિય સભ્યો સેન્સ દેવા પહોંચ્યા હતાં. પરિણામે ત્રણેય સ્થળોએ નાના મેળા જેવા દ્રષ્યો સર્જાયા હતાં.

સેન્સની પ્રક્રિયા પુરી: દાવેદારોનો દડો પ્રદેશની કોર્ટમાં...

જામનગરમાં ભાજપના નવ નિરિક્ષકોએ જુદા-જુદા ત્રણ સ્થળોએ મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે ટિકીટ મેળવવા ઇચ્છુક ભાજપના કાર્યકરો અને બિનકાર્યકરોને સાંભળ્યા હતાં. આ ઉપરાંત મુખ્ય દાવેદારો સંદર્ભે તમામ વોર્ડની સ્થાનિક સંગઠ્ઠન પાંખની સેન્સ પણ લીધી હતી. 530 જેટલા દાવેદારી માટેના ફોર્મ બે દિવસ દરમિયાન શહેર ભાજપ કાર્યાલયેથી ઉપડ્યા બાદ ગઇકાલે 500 જેટલા લોકોએ દાવેદારી રજૂ કરી હતી. સેન્સની પ્રક્રિયા મોડી સાંજે પુરી થઇ હતી. આ પછી ફીડબેકના સાહિત્ય સાથે નિરિક્ષકો રવાના થયા હતાં.ભાજપના સુત્રોમાંથી મળેલી માહિતી અનુસાર આગામી ત્રણેક દિવસ બાદ ગાંધીનગર ખાતે દાવેદારો અંગે પરામર્શ કરવા ભાજપની સંકલન સમિત્તિની મિટીંગ મળશે. આ મિટીંગમાં તમામ નવ નિરિક્ષકો ઉપરાંત સૌરાષ્ટ્રના પ્રભારી એવા પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા તથા પ્રદેશના અન્ય અપેક્ષિત ત્રણેક આગેવાનો, જામનગર શહેરના ભાજપના અધ્યક્ષ ડો.વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, જામનગરના બન્ને ધારાસભ્ય આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેેન માડમ વિગેરે અપેક્ષિત છે. આ બેઠકમાં રવિવારે આવેલા દાવેદારીના ફોર્મ અંગે પરામર્શ કરી સ્ક્રુટીની કરવામાં આવશે અને લાંબા લચ લિસ્ટ ઉપર કાતર ફેરવવામાં આવશે. આશરે 175 જેટલા નામોને અલગ તારવીને તેના ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવશે અને તૈયાર કરાયેલી યાદી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં રજૂ કરવામાં આવશે અને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ નિર્ણય લેશે તે દાવેદાર ઉમેદવાર બનશે. જો કે એકલ-દોકલ અપવાદરૂપ કિસ્સામાં આ સમગ્ર પ્રક્રિયા સાઇડમાં રહી જતી હોય છે અને આ વખતે પણ કદાચ તેવું બને તો નવાઇ નહીં.

કઇ જગ્યાએ ક્યા વોર્ડ માટે કોણે સેન્સ લીધી?

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર વોર્ડ નં.1 થી 16 સુધીના સંભવિત ઉમેદવારોને પ્રદેશ નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતાં. આ અંતર્ગત ત્રણ સ્થળો પર ગઇકાલે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ ન 1 નો સમય સવારે 10 થી 11, વોર્ડ નં.2 માટે 11 થી 12, વોર્ડ નં.3-3 થી 4, વોર્ડ ન.4 માટે 4:30 થી 5:30, વોર્ડ ન.5 માટે 6 થી 7 અને વોર્ડ ન.6 માટે સાંજે 7:30 થી 8:30 દરમિયાન પ્રદેશ ભાજપના નિરિક્ષક તરીકે ગોવિંદભાઇ પટેલ, ગૌતમભાઈ ગેડિયા અને આરતીબેન જોશી હાજર રહ્યાં હતાં.
અટલ ભવન ખાતે વોર્ડ નં.7 નો સમય સવારે 10 થી 11, વોર્ડ નં.8 માટે 11 થી 12, વોર્ડ નં.9-3 થી 4, વોર્ડ નં.10 માટે 4:30 થી 5:30, વોર્ડ ન.11 માટે 6 થી 7 દરમિયાન નિરિક્ષક તરીકે રાજેશભાઈ ચુડાસમા, જયેશભાઇ વ્યાસ અને જશુમતીબેન કોરાટ હાજર રહ્યાં હતાં.કુંવરબાઇ ધર્મશાળા વોર્ડ નં.12 નો સમય સવારે 10 થી 11, વોર્ડ ન. 13 માટે 11 થી 12, વોર્ડ ન. 14 - 3 થી 4, વોર્ડ ન. 15 માટે 4:30 થી 5:30, વોર્ડ ન. 16 માટે 6 થી 7 માં પ્રદેશ ભાજપના નિરિક્ષક તરીકે બાબુભાઇ જેબલિયા, સુરેશભાઈ ઘાધલિયા, જ્યોતિબેન વાછાની હાજર રહ્યાં હતાં.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને જામનગર જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ હાથ ધરી

જામનગર જિલ્લામાં ચુંટણી ભયમુકત વાતાવરણમાં થાય તે માટે તંત્ર એલર્ટ: જિલ્લામાં 770 મતદાન મથકો ઉભા કરાશે

જામનગર તા.25:
રાજયના ચૂંટણી પંચ દ્વારા શનિવારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે જામનગરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભયમુકત માહોલમાં અને સુચારૂં વ્યવસ્થા સાથે ચૂંટણીને અનુલક્ષીને તૈયારી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 23 ફેબ્રુઆરી અને પંચાયતની 2 માર્ચના થશે.જામનગર શહેર-જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષો દ્વારા તડામામ તૈયારી શરૂ કરાઇ છે. બીજી બાજુ તંત્ર પણ ચૂંટણીની વ્યવસ્થામાં પડયું છે. શહેરમાં 523 અને ગ્રામ્યમાં 761 મતદાન મથકો છે.આગામી 6 ફેબ્રુઆરીના મહાનગરપાલિકા અને 13 ફેબ્રુઆરીના જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થશે.

જયારે 9 ફેબ્રુઆરીના મનપા અને 16 ફેબ્રુઆરી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. 21 ફેબ્રુઆરીના મનપા અને 28 ફેબ્રુઆરીના જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે મતદાન થશે. 23 ફેબ્રુઆરીના મનપાની તો 2 માર્ચના જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની મતગણતરી થશે. ચૂંટણી ભયમુકત માહોલમાં યોજાઇ તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે.જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી માટે થઇને વહીવટી તંત્ર દ્વારા વિધાનસભાની બેઠક મુજબ મતદાન મથકો જાહેર કર્યા છે. જેમાં કાલાવડમાં 233, જામનગર ગ્રામ્યમાં 176, જામનગર ઉત્તર 94, જામનગર દક્ષિણ 79 જયારે જામજોધપુર 198 મતદાન મથકો જાહેર કરાયા છે.જામનગર મહાનગરપાલિકાના કુલ 16 વોર્ડ માટે ચુંટણી યોજાવાની છે ત્યારે જેમ કુલ 64 બેઠકો છે. તેમા અનામત બેઠકો 37 તેમજ સ્ત્રી બેઠકો 32 અને સામાન્ય બેઠક 27 છે.જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લામાં નવા સીમાકંન બાદ જામનગર જિલ્લના છ તાલુકા પંચાયતની બેઠકની વાત કરીએ તો જામનગર તાલુકા પંચાયતમાં કુલ 26 બેઠકોમાં અનુસુચિત જાતિ સ્ત્રી 1, સામાન્ય 2, સામાન્ય સ્ત્રી માટે 10, બીન અનામત 9 બેઠક, શૈક્ષણિક પછાત સ્ત્રી 1 બેઠક છે.


ધ્રોલ તાલુકા પંચાયતની વાત કરીએ તો ધ્રોલ તાલુકા પંચાયતમાં બિન અનામત 6 બેઠકો, સામાન્ય સ્ત્રી 6 બેઠક છે. જયારે લાલપુર તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી સામાન્ય સ્ત્રી 7, બિન અનામત 6, અનામત સ્ત્રી બેઠેક 2 છે. જોડિયા તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી સામાન્ય સ્ત્રી 6 અને બિનઅનામત 6 બેઠક છે. કાલાવડ તાલુકા પંચાયતની 18 બેઠક માંથી સામાન્ય સ્ત્રી 7, જયારે બીન અનામત 6 બેઠકો, જયારે જામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી સ્ત્રી 6 અને બીન અનામત 7 બેઠકો છે.જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે સામાન્ય સ્ત્રી 9, બિન અનામત 10, અનુસુચિત જાતિ સ્ત્રી 1, અનુસુચિત જાતિ સામાન્ય એક, અનુસુચિત આદિ જાતિ સ્ત્રી 1, શૈક્ષણીક પછાત સ્ત્રી એક, શૈક્ષણીક પાછાત સામાન્ય એક બેઠકનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લા પંચાયતમાં કુલ મતદારો 11,58,291 છે. જેમાં પુરૂષ મતદારો 5,61,490 છે. જયારે મહિલા મતદારો કુલ 5,96,787 છે.


Loading...
Advertisement