પ્રજાસતાક પર્વની ઉજવણીમાં કોઇ રાજકીય ભાષણ ન થાય તેની તકેદારી રાખજો

25 January 2021 03:14 PM
Ahmedabad Gujarat
  • પ્રજાસતાક પર્વની ઉજવણીમાં કોઇ રાજકીય ભાષણ ન થાય તેની તકેદારી રાખજો

ચૂંટણી પંચનો તમામ જીલ્લા ચૂંટણી અધિકારીઓને આદેશ

ગાંધીનગર, તા.25
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની સાથે-સાથે આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે ત્યારે આવતીકાલે પ્રજાસત્તાક પર્વ 26 મી જાન્યુઆરી ની ઉજવણી દરમ્યાન કોઇપણ રાજકીય પક્ષ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ કરે નહીં તે માટે રાજય ચૂંટણી આયોગે તમામ જિલ્લા કલેકટરો અને શહેર જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર અને સ્પષ્ટ સૂચના આપી છે. આવતીકાલે 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની પણ ઉજવણી થવાની છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા અલગ અલગ જિલ્લા કક્ષાએ ધ્વજવંદન કાર્યક્રમ સહિત ઉજવણી સંદર્ભે અનેક વિધ કાર્યક્રમો યોજાશે પરંતુ આ કાર્યક્રમમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી ચૂંટણી આયોગે સ્પષ્ટ નિર્દેશ કર્યા છે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને ધ્વજવંદન બાદ મુખ્યમંત્રી ઉપરાંત અન્ય મંત્રીઓના ભાષણ દરમિયાન સરકારની કામગીરી પક્ષની કામગીરી અને તેની ઉપલબ્ધિઓ કે સિદ્ધિઓ નો સમાવેશ વક્તવ્યમાં થવો જોઈએ નહીં ગણતંત્ર દિવસના આ પર્વમાં માત્ર ઈતિહાસીક મહત્વ અને દેશભક્તિ તેમજ રાષ્ટ્રીય એકતા ના વિષય પૂરતું જ સીમિત રાખવાની સૂચના ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે આ તબક્કે આયોગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મુખ્યમંત્રી તેમજ અલગ અલગ વિભાગો ના મંત્રી ઓ એ પોતાના વક્તવ્યમાં સરકારી કાર્યક્રમો અને તેની સિદ્ધિઓ અંગે કોઇપણ જાતનો ઉલ્લેખ કરવો નહીં આ ઉપરાંત ભવિષ્ય માટેના આયોજનો કે વચનોનો વક્તવ્ય માં સમાવેશ ન થાય તે જોવા માટે સ્પષ્ટ નિર્દેશ કર્યા છે. ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોઇપણ રાજકીય પક્ષના પ્રતીક ઉપરાંત પદાધિકારીઓના ફોટોગ્રાફ ઉચ્ચારણો સૂત્રો કે બેનર્સ નો ઉપયોગ ન થાય તેની કાળજી લેવા માટે રાજ્ય ચૂંટણી આયોગ એ નિર્દેશ કર્યા છે આ ઉપરાંત તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને સૂચના આપી છે કે 26મી જાન્યુઆરી ના સમગ્ર કાર્યક્રમનું ચૂંટણી અધિકારીએ હાજર રહી તેની વિડીયોગ્રાફી કરાવવાની રહેશે આ ઉપરાંત રાજ્ય ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશી એ તમામ કલેકટરો અને ચૂંટણી અધિકારીઓને લેખિત સૂચના આપી છે કે ગણતંત્ર દિવસના કાર્યક્રમો દરમિયાન ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ ની સાથે સાથે મતદારો પ્રભાવિત થાય તે પ્રકારની કોઇપણ બાબત ન બને તે જોવાની સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની રહેશે અને ચૂંટણી આયોગ દ્વારા નિર્દિષ કરેલા તમામ નિયમો અને શરતોનું ચુસ્ત પાલન થાય ઉપરાંત સત્તા પક્ષ ની સાથે સાથે તમામ રાજકીય પક્ષો કે ઉમેદવારો પાસે વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓનું પાલન કરાવવા માટે સ્પષ્ટ નિર્દેશ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement