જસદણનાં ખડવાવડી ગામે દીપડાએ 16 બકરાનું મારણ કર્યુ

25 January 2021 12:29 PM
Jasdan
  • જસદણનાં ખડવાવડી ગામે દીપડાએ 16 બકરાનું મારણ કર્યુ

વાડાની છ ફુટ ઉંચી દિવાલ કુદી દીપડાએ બકરાને મોતને ઘાટ ઉતાર્યા : વન વિભાગની ટીમો દોડી આવી

(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા. 25
જસદણ તાલુકાના ખડવાવડી ગામે ગઈકાલે વહેલી સવારે દીપડાએ મારણ કરતા માલધારીના 16 બકરા મોત નિપજતા ચકચાર જાગી છે.આ અંગેની વિગતો મુજબ જસદણ તાલુકાના ખડવાવડી ગામે રોકડીયા હનુમાન મંદિર ના રસ્તે વગડીયો તરીકે ઓળખાતી જગ્યા નજીક આવેલી માલધારી મુન્નાભાઈ સવાભાઈ લેલા ની વાડીએ આજે વહેલી સવારે દીપડો આવ્યો હતો અને વાડીએ રહેલા 16 જેટલા બકરા ઉપર હુમલો કર્યો હતો. દીપડો એક બકરાને સંપૂર્ણ ખાઈ ગયો હતો જ્યારે અન્ય પંદર બકરા ઉપર હુમલો કરતા તેના પણ મોત નિપજ્યા હતા તેમજ એક બકરી ઈજાગ્રસ્ત થતાં તેની સારવાર ચાલી રહી છે. કુલ સોળ જેટલા બકરાના કમકમાટીભર્યા મોત નિપજતા ભાડલા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.


ખડવાવડી અને આસપાસના ગામોમાં ખેતી કામ અર્થે વાડીએ જતા લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. જસદણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ. આર. માલમની સુચના મુજબ ભાડલા વિસ્તારના ફોરેસ્ટર બી. બી. મકવાણા, ફોરેસ્ટ ગાર્ડ આર. વી. કુકડીયા સહિતના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જરૂરી પંચ રોજકામ કરીને દીપડાના સગડ મેળવવા શોધખોળ શરૂ કરી હતી. મુન્નાભાઈ લેલાએ જણાવ્યું હતું કે ગઈકાલે સવારે તેમના પિતા સવાભાઈ રાજાભાઈ લેલા તેમજ તેમના માતા તેમના વાડી ખેતરે ઘઉંમાં પાણી પાવાનું કામ કરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે તમામ બકરાનો એક સાથે અવાજ આવતા તેમના પિતા સવાભાઈ બકરા રાખેલા હતા તે જગ્યાએ દોડી ગયા હતા જોકે સવાભાઈ બકારના વાડામાં પહોંચ્યા ત્યાં દીપડાએ બકરાનું મારણ કરી લીધું હતું અને દીપડાને ભાગતા સવાભાઈએ નજરે જોયો હતો. બકરા જે જગ્યાએ રાખેલા હતા ત્યાં અંદાજે છ ફૂટ જેટલી ઊંચાઈ વાળી દિવાલ કરેલી છે આમ દીપડો છ ફૂટ જેટલી ઊંચી દીવાલ કૂદીને બકરાનું મારણ કરવા આવ્યો હતો. જસદણ તાલુકાના ખડવાવડી, રામળીયા, ભંડારીયા, રાજવડલા, કનેસરા અને આસપાસનો વિસ્તાર જંગલ જેવો વિસ્તાર હોય ભૂતકાળમાં પણ અનેક વખત આ વિસ્તારમાં દિપડા આટોફેરો કરી ચૂક્યા છે.


Loading...
Advertisement