જસદણ પાસે એક જગ્યાએ અકસ્માતના બે અલગ-અલગ બનાવ : પાંચને ગંભીર ઇજા

25 January 2021 12:28 PM
Jasdan
  • જસદણ પાસે એક જગ્યાએ અકસ્માતના બે અલગ-અલગ બનાવ : પાંચને ગંભીર ઇજા

રાજકોટના મહેતા પરિવારની મહિલા અને ડ્રાઇવરને ઇજા

(નરેશ ચોહલીયા)
જસદણ, તા. 25
જસદણ પાસે એકજ દિવસમાં એકજ જગ્યાએ અકસ્માતના બે બનાવ, કુલ પાંચને ઈજા થઇ હતી.જસદણ તાલુકાના આટકોટ-ખારચીયા રોડ પર સવારે મોટાદડવા તરફ આવતી કારને પાછળથી આવતી અન્ય કારના ચાલકે ઠોકર મારતા આગળ જતી કાર ફૂટબોલની માફક રોડ પર ફંગોળાઈ ગઈ હતી. આ બનાવમાં કારમાં સવાર બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ગોંડલની હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માત સર્જનાર કાર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. જ્યારે બપોર બાદ એજ જગ્યાએ અટીકા અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.


પ્રથમ અકસ્માતમાં ભત્રીજાના કંકુ પગલા કરવા માટે ફૈબા મોટાદડવા ગામે કારમાં જતા હતા ત્યારે અકસ્માત નડ્યો.રાજકોટમાં નીલકંઠ ટોકીઝની બાજુમાં રહેતા શારદાબેન કિશોરભાઈ મહેતા અને તેમના ડ્રાઈવર મહેન્દ્રભાઈ પોતાની સ્વીફ્ટ કાર લઈને રવિવારે સવારે રાજકોટથી મોટાદડવા ગામે વિનુભાઈ વેગડાના દિકરા ઓમકારને ત્યાં કંકુ પગલાનો પ્રસંગ હોવાથી આવતા હતા. ત્યારે જસદણના આટકોટ-ખારચીયા રોડ પર આવેલ અવધ જીનીંગ પાસે પહોંચતા પાછળથી પુરપાટ આવતી કારના ચાલકે આગળ જતી કારને ઠોકર મારતા કાર રોડ પર ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતના બનાવમાં કારમાં બેઠેલા શારદાબેનને અને કારના ચાલક મહેન્દ્રભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ બનાવમાં અકસ્માત સર્જનાર કાર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતના પગલે સેવાભાવી લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત બન્ને વ્યક્તિને તાત્કાલિક ગોંડલની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ બન્નેને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


બપોર બાદ આજ જગ્યાએ ફરી અટીકા અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. જે જગ્યાએ સવારે અકસ્માત સર્જાયો હતો તેજ જગ્યાએ બપોરબાદ ગોંડલ તરફથી આટકોટ સાઈડ આવતી અટીકા અને ઈકો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કારમાં સવાર જીજ્ઞાબેન અગ્રાવત, રાજુભાઈ અગ્રાવત અને રમેશભાઈ બાવળીયાને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 ની મદદથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


Loading...
Advertisement