મમતા બેનરજી ભાજપમાં ગયેલા શુભેન્દુને એક લાખ મતે નહીં હરાવે તો હું મારું કાંડું કાપી નાખીશ !

25 January 2021 11:44 AM
India Politics Top News
  • મમતા બેનરજી ભાજપમાં ગયેલા શુભેન્દુને એક લાખ મતે નહીં હરાવે તો હું મારું કાંડું કાપી નાખીશ !

તૃણમુલના નેતા મદન મિત્રાએ કહ્યું, ‘ભાજપ દુધ માંગશે તો ખીર આપશું, બંગાળ માંગશે તો ચીરી નાખશું’: સત્તા માટે હલ્કી કક્ષાના નિવેદનો શરૂ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની લડાઈ હિંસા અને બેફામ ભાષણબાજી ઉપર શરૂ થઈ ચૂકી છે. પથ્થરમારો, તોડફોડ, આગજની, મારામારી અને હુમલા સાથે જીભ લપસવાનો તબક્કો પણ ચાલું થયો છે. તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મદન મિત્રાએ કહ્યું કે જો કોઈ દૂધ માંગશે તો અમે ખીર આપશું પરંતુ બંગાળ માંગશે તો અમે (તૃણમુલ કોંગ્રેસવાળા) ચીરી નાખશું !આ નિવેદન તેમણે તાજેતરમાં જ હાવડામાં આયોજિત એક કાર્યક્રમમાં આપ્યું હતું. તેમણે એમ કહ્યું હતું કે ‘સુન લો બીજેપીવાલો...દૂધ માંગોગે તો ખીર દેગે, અગર બંગાલ માંગોગે તો ચીર દેંગે.’ જો કે ભાજપ તરફથી પણ હલકી કક્ષાનું નિવેદન આપવાની હદ પાર કરી દેવાઈ છે.

એક રેલીમાં ભાજપના કાર્યકરો ‘ગોલી મારો’ના નારા લગાવતાં કેમેરામાં કેદ થઈ ગયા હતા. જો કે બાદમાં આ મામલાને લઈને ત્રણ લોકોની ધરપકડ પણ કરી લેવાઈ હતી.આ અંગે મિત્રાએ કહ્યું કે ‘ગોલી મારો’નો નારો કોણે લગાવ્યો ? જો મને કોઈ ગોળી મારશે તો શું હું રસગુલ્લા આપીશ ? આત્મરક્ષા કરવાનો મારો અધિકાર છે પરંતુ અમે ગોળી ચાલે તેવું નથી ઈચ્છતા...અમે ગોળી નહીં થપ્પડ જરૂર મારશું. એટલું જ નહીં મિત્રાએ એવું એલાન પણ કર્યું કે જો મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપમાં ગયેલા શુભેન્દુ અધિકારીને એક લાખ મતના અંતરથી નહીં હરાવે તો તો પોતાનું કાંડું કાપી નાખશે ! તેમનું આ નિવેદન શુભેન્દુ અધિકારીની ટીપ્પણી પરથી આવ્યું હતું જેમાં અધિકારીએ કહ્યું હતું કે જો તેઓ મમતા બેનરજીને 50 હજાર મતથી નહીં હરાવે તો રાજકારણને અલવિદા કહી દેશે.


Related News

Loading...
Advertisement