પંટર બન્યા ‘સ્માર્ટ’, બુકીઓ પર ‘ઘાત’: સૌરાષ્ટ્રમાં ક્રિકેટસટ્ટાની અનેક દુકાનો બંધ થવાની તૈયારી

23 January 2021 01:03 PM
Crime Saurashtra
  • પંટર બન્યા ‘સ્માર્ટ’, બુકીઓ પર ‘ઘાત’: સૌરાષ્ટ્રમાં ક્રિકેટસટ્ટાની અનેક દુકાનો બંધ થવાની તૈયારી

જે ગોરખધંધો પોલીસ બંધ ન કરાવી શકી તે ‘કલરફૂલ’ મેચોએ કરી બતાવ્યો: અનેક મોટા બુકી ‘ઉઠી’ ગયા, અનેક કતારમાં: ઈંઙક, ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી બાદ હવે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ‘બીગબેશ’માં મોટાભાગના મેચ ‘પંટરતરફી’ રમાતાં બુકીઓની માઠી:‘પેટાબુકી’ તરીકે અનેક બુકીઓની દાંડી ડૂલ થતાં મેદાન છોડ્યું: આઈપીએલ-14માં ગણ્યાગાંઠ્યા સટોડિયા જ નસીબ અજમાવે તેવી શક્યતા

રાજકોટ, તા.23
રાજકોટમાં ક્રિકેટ મેચ ઉપર દરરોજ હજારોની સંખ્યામાં સટોડિયા નસીબ અજમાવી રહ્યા છે. અત્યારે ડિઝિટલ ક્રાંતિનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ક્રિકેટ સટ્ટાના નેટવર્કનું પણ ‘ડિઝિટલાઈઝેશન’ થઈ ગયું હોવાથી લગભગ દરેક પંટરો ‘સ્માર્ટ’ બની ગયા છે જેના કારણે બુકીઓ પર ‘ઘાત’ આવી પડી હોય તેવી રીતે તેમનું બેફામ ધોવાણ થઈ રહ્યું છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ટૂંક સમયમાં રાજકોટની અંદર ક્રિકેટ સટ્ટાની મોટાભાગની દુકાનો બંધ થવાની તૈયારીમાં છે. એકંદરે જે ગોરખધંધો પોલીસ બંધ ન કરાવી શકી તેને ‘કલરફૂલ’ મેચોએ બંધ કરાવી દીધો છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. ઈન્ડિયન પ્રિમીયર લીગના મોટાભાગના મેચ ‘પંટરતરફી’ રહ્યા બાદ ભારત-ઓસ્ટ્રેલિયાની શ્રેણીમાં પણ પંટરોએ પેટ ભરીને કમાણી કરી હતી. આટલું ઓછું હોય તેમ હાલ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ‘બીગબેશ’ ટૂર્નામેન્ટ જાણે કે ‘જેકપોટ’ બનીને આવી હોય તેવી રીતે પંટરો કમાણી કરી રહ્યા છે.


બુકીઓના જણાવ્યા પ્રમાણે આઈપીએલ અને ખાસ કરીને અત્યારે રમાઈ રહેલી બીગબેશ લીગના મોટાભાગના મેચ ‘કલરફૂલ’ એટલે કે ભારે ઉતાર-ચડાવભર્યા રહે છે જેનો ફાયદો હંમેશા પંટરોને જ થાય છે. ઉદાહરણ તરીકે કોઈ પંટર બુકીબજારમાં ‘ફેવરિટ’ રહેલી ટીમ હારશે તેમ કહીને તેના ઉપર સોદો લગાવે અને જો એ ટીમ જીતી જાય તો પંટરે પૈસા ઓછા ચૂકવવાના હોય છે પરંતુ જો તે ટીમ સાચે જ હારી જાય તો પંટરોને સોદાની પૂરી રકમ મળે છે. જો પંટરે 20 પૈસાના ભાવ પર 10 હજાર રૂપિયાનો સોદો કર્યો હોય અને જો તે સોદો ઉંધો પડે તો તેણે 2000 રૂપિયા ચૂકવવાના થાય છે અને જો તેનો સોદો સાચો પડે તો તેને 10 હજાર રૂપિયાની રકમ મળે છે.


જો કે બન્ને ટૂર્નામેન્ટ અને તેમાં પણ ખાસ કરીને ‘બીગબેશ’માં મોટાભાગના મેચ એવા રમાઈ રહ્યા છે જેમાં ‘ફેવરિટ’ રહેલી ટીમ પર હારનો સોદો કર્યાની થોડી જ મિનિટોમાં હરિફ ટીમ મતલબ કે જે ટીમ ‘નોન ફેવરિટ’ છે તે ફેવરિટ બની જાય છે ! એટલે એ પંટર જેણે ‘ફેવરિટ’ રહેલી ટીમ હારશે તેમ કહીને સોદો કર્યો હતો તે હરિફ ટીમ ‘ફેવરિટ’ બને એટલે તેની હાર ઉપર પણ સોદો કરી લ્યે છે. આ સોદો થયા બાદ ગમે તે ટીમ જીતે કે હારે પંટરને કશો ફેર પડતો નથી અને તેને પૈસા મળે, મળે’ને મળે જ છે !


બુકીઓએ ઉમેર્યું કે આટલું ઓછું હોય તેવી રીતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના પ્રથમ બે વન-ડે બુકીતરફી રહ્યા હતા જ્યારે ત્રીજો વન-ડે ઓસ્ટ્રેલિયા જીતતાં જીતતાં રહી જતાં ભારે નુકસાન વેઠવું પડ્યું હતું કેમ કે એ મેચમાં પંટરો ભારતની જીત તરફે જ બેઠા હતા. આ પછીની ટી-20 શ્રેણીમાં પણ ઓસ્ટ્રેલિયા ફેવરિટ રહ્યું હતું પરંતુ ભારતે જીત મેળવતાં પંટરો માલામાલ થયા હતા. ત્યારપછી ટેસ્ટ શ્રેણી અને તેમાં ખાસ કરીને ચોથો ટેસ્ટ મેચ જે રીતે રમાયો તેનાથી બુકીઓને મરણતોલ ફટકો પડ્યો છે.આ શ્રેણીની સાથે સાથે જ બિગબેશ ટી-20 ટૂર્નામેન્ટ રમાઈ રહી હોવાથી પંટરોને બન્ને બાજુથી નફો મળી રહ્યો છે અને બુકીઓનો ચારે બાજુથી મરો થઈ રહ્યો છે.

સટ્ટાની રજેરજની માહિતી આપતી અનેક એપ્લીકેશન પ્લેસ્ટોર ઉપર ઉપલબ્ધ
કોઈ વ્યક્તિ સટ્ટો રમવાનું શરૂ કરે એટલે તેણે કેવી રીતે રમવું, કેવી રીતે ન રમવું તેની રજેરજની માહિતી આપતી અનેક એપ્લીકેશન પ્લેસ્ટોર ઉપર અત્યારે સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. પહેલાંના સમયમાં સટ્ટો લગાવવા માટે કોઈ પંટર બુકીને ફોન કરે એટલે પાછલી ઓવરોમાં શું થયું હતું તેની જાણકારી મળી શકતી નહોતી પરંતુ આ એપ્લીકેશનોમાં ઓવર ટુ ઓવરની માહિતી આપવામાં આવે છે. આટલું ઓછું હોય તેવી રીતે કયા ગ્રાઉન્ડ ઉપર કેટલા રન બની શકે છે અને કયા ગ્રાઉન્ડ ઉપર કેટલા રન ચેઈઝ થઈ શકે છે તે સહિતની વિગતો પણ એપ્લીકેશનમાં આપવામાં આવતી હોવાથી 100 ટકા તો નહીં પરંતુ 60 ટકા સુધી પંટરો માટે તે ફાયદાકારક સાબિત થાય છે.

સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં 90 ટકા બુકીઓ એક જ ‘આઈડી’ પર રમે-રમાડે છે જુગાર
રાજકોટના લગભગ 90 ટકા બુકીઓ ક્રિકેટ સટ્ટા માટે એક જ ‘આઈડી’ પર જુગાર રમે છે અને રમાડે છે. જો કે અત્યારે જે પ્રમાણે મેચ રમાઈ રહ્યા છે તેના કારણે બુકીઓ ‘આઈડી’માં કપાત કરી શકતાં નથી કેમ કે ઘડીના છઠ્ઠા ભાગમાં મેચ આમ-તેમ થઈ જાય છે એટલા માટે મને-કમને તેમણે પંટરે કરેલો સોદો પોતાની પાસે જ રાખવો પડે છે અને જો તેમાં પંટરનો સોદો સાચો પડે એટલે ખિસ્સાના દેવા પડે છે.

અનેક બુકીઓ વ્યાજના ચક્કરમાં ફસાયા
રાજકોટના અનેક બુકીઓ એવા છે જેઓ પંટરોને પૈસા ચૂકવવા માટે વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા છે. એકંદરે માલામાલ થઈ જવાના ઓરતાં સાથે મેદાનમાં ઉતરેલા બુકીઓનો દાવ ઉલટો પડતાં અત્યારે ખુદ તેઓ કંગાળ થઈ ગયા છે અને પંટરોની ‘ઉઘરાણી’થી થાકી-હારીને કાં તો ફોન બંધ કરી દીધા છે કાં તો ચૂકવણું કરવા માટે તોતિંગ વ્યાજ પર નાણાં શોધવા નીકળી પડ્યા છે. જો કે હજુ સુધી એક પણ પંટરને પૈસા માટે કડક ઉઘરાણી કરવી પડી નહીં હોવાનું બુકીઓ જણાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement