સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાઢ ધૂમ્મસનું આવરણ

23 January 2021 12:46 PM
Saurashtra
  • સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાઢ ધૂમ્મસનું આવરણ

હાઇ-વે ઉપર વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી : ભચાઉ નજીક નાના-મોટા અકસ્માતો સર્જાયા : ટ્રાફીક જામ થયો : ઠંડી સાવ સામાન્ય થઇ ગઇ

રાજકોટ તા. 23 : રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે પણ સતત બીજા દીવસે ગાઢ ધુમ્મસ છવાયુ હતુ. ખાસ કરીને હાઇવે ઉપર ધુમ્મસનાં કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. કચ્છનાં ભચાઉ આસપાસ ધુમ્મસનાં કારણે નાના મોટા અકસ્માતો સર્જાવા પામ્યા હતા.ભચાઉ આસપાસ વહેલી સવારથી જ ધુમ્મસની છત્ર છાયા છવાઇ હતી. નાના નાના અકસ્માત પણ થયા હતા. બે કીલોમીટર જેટલો ટ્રાફીક જામ થઇ ગયો હતો. અકસ્માતમાં કોઇ જાનહાની નથી એક પછી એક વાહનો ભટકાતા ગયા ભચાઉ શહેર વચ્ચે આવેલ નેશનલ હાઇવે બ્રીજ ઉપર ટ્રાફીકના કારણે સર્વીસ રોડ પર વાહનો પસાર થવા શરુ કર્યુ હતુ. છેલ્લા ત્રણ ચાર કલાક સુધી વહીવટી તંત્ર પહોંચ્યુ ન હતુ. ભચાઉ આસપાસ વહેલી સવારથી ધુમ્મસનું અંધારુ થઇ ગયુ હતુ. વાહન વ્યવહારને મુશ્કેલી પડી હતી. ત્યારે વાહન ચાલકોએ ઇમરજન્સી સુવીધાઓ મદદ માટેની માંગણી કરી હતી.


દરમ્યાન આજરોજ રાજકોટ-સુરેન્દ્રનગર-ભુજ-કેશોદ-ભાવનગર-પોરબંદર-વેરાવળ-દ્વારકા-ઓખા-કંડલા-ગાંધીનગર-દીવ-વલસાડ-વલ્લભ વિધાનગર ખાતે સવારે 90 થી 100 ટકા વચ્ચે ભેજ રહેતા આ દરેક સ્થળોએ ગાઢ ધુમ્મસ છવાયુ હતુ. અને ઠંડી સાવ સામાન્ય થઇ ગઇ હતી.રાજકોટ સહીત મોટાભાગનાં સ્થળોએ ડબલ ડીઝીટમાં લઘુતમ તાપમાન નોંધાયુ હતુ.આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન 14.3 ડીગ્રી નોંધાયુ હતુ. અને ભેજ 94 ટકા રહયો હતો. તેમજ પવન શાંત રહેતા ઝાકળ જમીન ઉપર ઉતરી આવતા આહલાદક વાતાવરણ છવાયુ હતુ. આ ઉપરાંત અમદાવાદમાં આજે સવારે 13.5, ડીસામાં 13, વડોદરામાં 14.8, સુરતમાં 15.6, કેશોદમાં 1ર, ભાવનગરમાં 16.6, પોરબંદરમાં 17, વેરાવળમાં 17.3, દ્વારકામાં 19.4, ઓખામાં 19.6, ભુજમાં 18.ર, નલીયામાં 13.3, સુરેન્દ્રનગરમાં 16.પ, કંડલામાં 15.6, અમરેલીમાં 16.6, ગાંધીનગરમાં 11.8, મહુવામાં 15.3, દીવમાં 13.5, વલસાડમાં 10.5, અને વલ્લભ વિધાનગર ખાતે 14.7 ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ હતુ.આમ આજે રાજયમાં મોટાભાગનાં સ્થળોએ ઠંડી નહીવત થઇ ગઇ હતી. અને સવારે ધુમ્મસ છવાયુ હતુ.

 


Related News

Loading...
Advertisement