બેંકના લોકરમાં રાખેલા રૂ.2.20 લાખ ઉધઈએ કોતરી નાખ્યા : હોબાળો

23 January 2021 11:05 AM
Vadodara Crime Top News
  • બેંકના લોકરમાં રાખેલા રૂ.2.20 લાખ ઉધઈએ કોતરી નાખ્યા : હોબાળો

વડોદરાનો અજીબો ગરીબ કિસ્સો:બેંકના મહિલા ખાતેદારે વળતરની માંગ કરી, બ્રાન્ચ મેનેજરે તપાસ શરૂ કરાવી

રાજકોટ, તા.23
બેંક લોકરની સલામતીને લઈ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે મુજબ એક મહિલાએ પોતાના બેંક લોકરમાં રાખેલી રૂ.2.20 લાખની ચલણી નોટો ઉધઈએ કોતરી ખાતા હોબાળો મચી ગયો છે. વિગત મુજબ વડોદરાના પ્રતાપનગરની બેંક ઓફ બરોડાની બ્રાંચના લોકરમાં મહિલા ખાતેદારે રૂ.2.20 લાખ મુક્યા હતા. જે ઉધઈએ ખાઈ જતા વળતરની માંગ કરાઈ છે. આ અંગે બેંક દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ વડોદરાના પ્રતાપનગર ખાતે અપ્સરા સ્કાઈલાઈન કોમર્શીયલ કોમ્પલેક્ષમાં બેંક ઓફ બરોડાની બ્રાંચ આવેલી છે. આ બેંકના મહિલા ખાતેદાર રેહાનાબેન ડેસરવાલાએ તેમના લોકરમાં રૂ2.20 લાખની જુદા-જુદા દરની ચલણી નોટો મૂકી હતી. જેમાં રૂ.5, રૂ.10,રૂ. 100 અને રૂ.500ની ચલણી નોટો સામેલ હતી. મહિલા ખાતેદારને રૂપિયાની જરૂર પડતા તેઓ બેંકએ પહોંચ્યા હતા અને રકમ કાઢવા માટે લોકર ખોલાવવાની પ્રોસેસ કરી હતી. લોકર ખોલતાંની સાથે જ રેહાનાબેનના હોંશ ઊડી ગયા હતા. કેમ કે, લોકરમાં મૂકેલી રૂ.2.20 લાખની ચલણી નોટો કોતરાયેલી હાલતમાં હતી. નોટોની હાલત એવી થઈ ગઈ હતી કે એ રૂપિયા હવે કોઈ કામમાં ન આવે. પ્રાથમિક રીતે આ નોટો ઉધઈ કોતરી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહિલા ખાતેદારે તુરંત બેંકના કર્મચારીઓને ફરિયાદ કરી હતી. તેમજ મેનેજરને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. તેમણે રકમની આ હાલત થતા વળતર માંગ્યું છે. આ ઘટના બાદ બેંક ઓફ બરોડાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થઇ રહ્યા છે.


લોકરમાં રોકડ રકમ ન મુકી શકાય
લોકરમાં ચલણી નોટો ઉધઈ કોતરી ગઈ હોવાની ફરિયાદ સાથે વળતરની માંગ થઈ છે. જેના પર બેંકના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ’લોકરનું ખાતુ ખોલાવતી વખતે તેમાં લખ્યું હોય છે કે લોકરમાં રોકડ રકમ મુકવી નહી. જ્યારે આ મહિલાએ લોકરમાં રકમ મુકતા ઉધઈ તેને ખાઈ ગઈ છે.’ જોકે આ ઘટના બાદ બેંકના મેનેજરે તપાસ શરૂ કરાવી છે.


Related News

Loading...
Advertisement