મુંબઈ, તા.23
મુંબઈમાં સંબંધોનું ધનોત-પનોત કાઢી નાખતી એક ઘટના પ્રકાશમાં આવે છે અને આ ઘટના એક ટીવી કલાકાર સાથે જોડાયેલી છે. ટીવી એક્ટરે રૂપિયા અને સંપત્તિ માટે પોતાની સાવકી માતા પર બળાત્કાર કર્યો છે. મુંબઈના ઓશીવારા પોલીસ સ્ટેશમાં 58 વર્ષીય પીડિત મહિલાએ આ અંગે સાવકા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મહિલાએ સાવકા પુત્ર પર આરોપ લગાવ્યો છે કે પહેલાં તો આરોપીએ ઘરમાં રહેલા ઘરેણા અને રોકડ લૂંટ્યા હતા અને ત્યારપછી તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ મહિલા સાવકા પુત્રના પિતાની ત્રીજી પત્ની છે. આરોપીના પિતાની ઉંમર 78 વર્ષ છે જે પોતાના જમાનામાં નામાંકિત ડાયરેક્ટર રહી ચૂક્યા છે. આરોપીએ કુલ ત્રણ લગ્ન કર્યા છે અને તેની પત્નીએ પણ તેની સામે ફરિયાદ નોંધાવેલી છે. અંધેરી વેસ્ટમાં પીડિતા પોતાના પતિ સાથે રહે છે. જ્યારે આરોપી પુત્ર ક્યાંક અલગ રહે છે. પુત્ર ઘણી વખત માતા-પિતા પર રૂપિયા અને સંપત્તિ માટે દબાણ લાવતો હતો. જ્યારે રકમ આપવાનો માતા-પિતા દ્વારા ઈનકાર કરવામાં આવતો ત્યારે ત્યારે તે ધમકી આપતો અને હવે તો તેણે હેવાનિયતની તમામ હદ પાર કરી નાખી છે. પોલીસે ટીવી અભિનેતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જો કે હજુ તે હાથમાં આવ્યો નથી. ઓશીવારા પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના પારિવારિક સંપત્તિ સાથે જોડાયેલી હોઈ શકે છે જેની સઘનતાથી તપાસ થઈ રહી છે. ફરિયાદની ખરાઈ થયા બાદ આરોપી પુત્રની ધરપકડ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.