ચૂંટણી ટાણે વેપારી સંગઠનોએ ‘દાણો દબાવ્યો’ : મુખ્યમંત્રીએ બોલ ‘ડક’ કરી દીધો : દર 4 મહિને બેઠક યોજવા બાંહેધરી

22 January 2021 03:55 PM
Rajkot
  • ચૂંટણી ટાણે વેપારી સંગઠનોએ ‘દાણો દબાવ્યો’ : મુખ્યમંત્રીએ બોલ ‘ડક’ કરી દીધો : દર 4 મહિને બેઠક યોજવા બાંહેધરી

રાજકોટ ખાતે ગુજરાતભરના ચેમ્બર પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં પ્રોફેશ્નલ ટેકસ નાબૂદી, જીઆઇડીસીમાં રાહત, નાના ઉદ્યોગો સહિત ર0 પ્રશ્ર્નો રજુ કરાયા

રાજકોટ તા.22
રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે ગુજરાત ચેમ્બર, ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ચુંટણી ટાણે જ વેપારી સંગઠનોએ દાણો દબાવ્યો હતો પરંતુ મુખ્યમંત્રીએ બોલ ‘ડક’ કરી દર 4મહીને બેઠક યોજવા બાંહેધરી આપી હતી. સાથે ચેમ્બર પ્રતિનીધીઓએ રજુ કરેલા 20 પ્રશ્નો સાંભળ્યા હતા. બેઠકમાં રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ વેપાર-ઉધોગને લગતા પ્રશ્નોનું યોગ્ય અને સચોટ અને નીરાકરણ આવે તેવી આશા વ્યકત કરેલ હતી.

રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ પ્રાસંગીક ઉદબોધન કરતા જણાવેલ કે વેપાર-ઉધોગને વિકાસને લગતા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા માટે તેનું યોગ્ય નીરાકરણ આવે તે ચેમ્બરોની ફરજ છે. અને રાજયના વિકાસમાં હંમેશા તમામ ચેમ્બરોએ સિંહફાળો આપ્યો છે. વધુ વિગતો આપતા પ્રમુખ એ જણાવેલ કે વેપાર-ઉધોગને લગતા ઘણા પ્રશ્નો અને સમસ્યાઓ મુખ્યમંત્રીના ધ્યાન ઉપર મુકેલ જેમાં ખાસ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસીમાં નાના મોટા ફેરયાર કરવા જરુરી છે. સોલાર પોલીસીમાં જમીન એનએ કરવાને બદલે બીન ખેતીનો આકાર લઇ પ્રક્રિયા સરળ બનાવવી, એરોસ્પેસ એન્ડ ડીફેન્સ પોલીસીમાં ફેરફારો કરવા, ઇન્ડસ્ટ્રીયલ સુચીત સોસાયટીઓને ધારાધોરણની ફી લઇ રેગ્યુલાઇઝ કરવી, પાપડમાં જીએસટીમાં 0% ને બદલે 18% ટેક્ષ વસુલાય છે તો તેમાં ઘટતું કરવું, ઇમીટેશન એસેસરીઝમાં 3% ને બદલે 18% વસુલાય છે

તો તેમાં રજીઓનલ ચેમ્બરોને સાથે રાખી જીએસટી સંકલન સમીતીની રચના કરી સમયાંતરે મિટીંગો બોલાવવી, રાજકોટ ચેમ્બર તથા ગુજરાત ચેમ્બરને પોતાનો વ્યાપ વધારવા ટોકનદરે જમીન ફાળવી અને ગ્રાન્ટ આપવી, રાજકોટ-અમદાવાદ હાઇ-વે 6 લેન માટે કુવાડવા જીઆઇડીસીના જમીન ધારકોને કપાત અંગે વળતર આપવુ, ખીરસરા જીઆઇડીસીમાં જમીન લેવલ કરવા બાબત, જીઆઇડીસીના સોલીડ વેસ્ટના નીકાલ માટે જમીન ફાળવવી, એમએસએમઇનો વ્યાપ વધારે હોય નવી જીઆઇડીસી ફાળવી 3000 મીટરને બદલે 5000 મીટર જમીન ફાળવવી, પ્રોફેશનલ ટેક્ષ સદંતર નાબુદ કરવો, રાજકોટ ખાતે આજી રીવરફ્રન્ટની કામગીરી ઝડપી બનાવવી, રીજીઓનલ ચેમ્બરો સાથે દર બે મહીને મીટીંગ કરી વેપાર-ઉધોગોના પ્રશ્નનો નીકાલ લાવવો, ઉપરાંત કોરોનાની રસી આપવાની શરુઆત થઇ ચુકી છે અને કોરોનાનું સંક્રમણ ઘટયું છે 4 શહેરોમાં રાત્રી કર્ફયુ નાબુદ કરવો જેવા વીવીધ પ્રશ્નો મુખ્યમંત્રી ને લેખીતમાં ધયાન ઉપર મુકવામાં આવ્યા હતા.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે ગુજરાત વેપાર-ઉધોગને લગતા પ્રશ્નોની ચર્ચા-વીચારણા કરી તેનો સત્વરે નીરાકરણ લાવવા મુખ્યમંત્રીને વીનંતી કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજય સરકાર દ્વારા વેપાર-ઉધોગને પ્રથમ પ્રાધાન્ય આપી તેની ગતીવીધીઓને વધુ વેગવંતી કરવા માટે ઘણી નવી પોલીસીઓ, રાહત પેકેજો ફાળવવામાં આવ્યા છે અને તેને કારણે રોજગારી પણ વધી છે. એમએસએમઇ ને વધુ મજબુત બનાવવા પ્રયાસો કરી રહયા છીએ. રાજય સરકાર ઇમાનદારી, પારદર્શકતા, નીર્ણાયકતા અને સંવેદનશીલતા આ ચાર પાયા ઉપર કામ કરી રહી છે. ત્યારે આ ચાર પાયાને લક્ષમાં લઇ રાજયના વિકાસને અમો આગળ ધપાવી રહયા છીએ અને નવુ ભારત તથા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવુ છે.

રાજય સરકાર હજુ વધુ નવી જીઆઇડીસી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં બહુમાળી બનાવી ઉધોગકારોનું કોસ્ટીંગ નીચુ લાવવુ અને જે રોકાણ કરે છે તેનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ ઓછુ થાય. વ્યાજનું ભારણ ઘટે એ સરકાર પ્રયત્નશીલ છે. જીઆઇડીસીના અનેક પ્રશ્નો હતા તે રાજય સરકારે આત્મનિર્ભર ગુજરાતમાં રૂા.4પ0 કરોડ ફાળવી પ્રશ્ર્નોને હલ કરી દીધા છે. રાજય સરકારે ગુજરાતના વેપાર-ઉધોગ માટે એમએસએમઇ, સોલાર, ટુરીઝમ જેવી અનેક પોલીસીઓ અને રાહત પેકેજો આપી વેપાર ધંધાની ગતીવીધીઓ વધારવા પ્રયાસ કર્યા છે. ગુજરાત સરકારે સોલાર પોલીસી અપનાવી વિજળી સર પ્લસ કરી ઉધોગોને વિજકરમાં રાહત આપવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

સાથો સાથ વેપાર-ઉધોગને લગતા કોઇપણ પ્રશ્નો હોય તો આવનારા સમયમાં રીજીઓનલ ચેમ્બરની સંકલન સમિતિની રચના કરી દર બે મહિને નાણાપ્રધાન નિતીનભાઇ પટેલ સાથે અને દર ત્રણ મહિને મુખ્યમંત્રી સાથે મીટીંગનું આયોજન કરી ઉધોગોને લગતા જે કાંઇ પ્રશ્નો હશે તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપેલ હતી. આ કાર્યક્રમમાં તમામ ચેમ્બરો, વિવિધ એસો.ના પ્રતિનિધીઓ, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી વિગેરે ઉપસ્થિત રહયા હતા.
અંતે રાજકોટ ચેમ્બરના માનદમંત્રી નૌતમભાઇ બારસીયાએ આભાર વિધી કરી હતી.


Related News

Loading...
Advertisement