આરોગ્ય હડતાલ યથાવત : રાજકોટના એક ડઝન સંગઠન હોદ્દેદારોને નોટીસ

22 January 2021 03:52 PM
Rajkot
  • આરોગ્ય હડતાલ યથાવત : રાજકોટના એક ડઝન સંગઠન હોદ્દેદારોને નોટીસ

કર્મચારી મંડળો લાલઘૂમ : વધુ આક્રમક બનવા તૈયારી

રાજકોટ, તા.22
રાજકોટ જિલ્લામાં આરોગ્ય સેવાઓમાં ફરજ બજાવતા જુદા જુદા સંવર્ગના કર્મચારીઓ જુદા જુદા પ્રશનોને લઇ છેલ્લા એકાદ સપ્તાહ કરતા વધુ સમયથી હડતાલ ઉપર ઉતર્યા છે અને હજુ ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે રાજકોટના એક ડઝન જેટલા સંગઠન હોદેદારોને નોટીસો ફટકારતા કર્મચારી મંડળો લાલઘુમ થઇ ગયા છે અને આંદોલન વધુ આક્રમક બનાવવા તૈયારીઓ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સંગઠન હોદેદારોને અપાયેલી નોટીસમાં જણાવાયુ છે કે હાલમાં કોરોનાનાં સમયગાળા દરમ્યાન આરોગ્યલક્ષી કામગીરી સુચારૂ રીતે કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. તેના બદલે આરોગ્ય કર્મચારી મહાસંઘનાં આદેશ અન્વયે આરોગ્ય કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાલ ઉપર ગયા છે. તેઓને ગત તા. 18નાં રોજ એક પત્રથી તાત્કાલીક મુળ ફરજનાં સ્થળે હાજર થવા સુચના નોટીસ પણ આપેલ હતી.

છતાં મોટા ભાગનાં આરોગ્ય કર્મચારીઓ હજુ ફરજમાં હાજર થયા નથી. આથી રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના હોદેદાર દરજજે તમારી સામે ધ એપેડેમીક ડીસીઝ એકટ 1897ની જોગવાઇ મુજબની કાર્યવાહી કરવા માટે કલેકટર રાજકોટને દરખાસ્ત કરવા માટેના પુરતા કારણો મળે છે. તો આવી કાર્યવાહી કેમ ન કરવી ? નોટીસનાં અંતમાં હોદેદારોને દિવસ ત્રણમાં ખુલાસો રજુ કરવા પણ જણાવાયું છે.


Related News

Loading...
Advertisement