શેરબજાર મંદીમાં સપડાયું : 700 પોઇન્ટનો કડાકો

22 January 2021 03:49 PM
Business
  • શેરબજાર મંદીમાં સપડાયું : 700 પોઇન્ટનો કડાકો

બેંક શેરોમાં બેફામ વેચવાલીથી બેંક નિફટીમાં 1000 પોઇન્ટનું ગાબડુ : ઓટો સિવાયના તમામ શેરો તુટયા : સોના-ચાંદીમાં પણ નરમાઇ

રાજકોટ, તા.22
મુંબઇ શેરબજારે ગુરૂવારે 50,000ની સપાટી ક્રોસ કરી લીધા બાદ હવે કરેકશનના દૌરમાં આવ્યુ હોય તેમ આજે તમામ ક્ષેત્રોના શેરોમાં આક્રમણકારી વેચવાલીના દબાણ હેઠળ મંદીનું મોજુ ફરી વળ્યું હતું અને સેન્સેકસમાં 700 પોઇન્ટથી અધિકનું ગાબડુ પડયુ હતું. સેન્સેકસ 49000 નીચે સરકી ગયો હતો. શેરબજારમાં આજે માનસ નબળુ પડયુ હતું. વિશ્ર્વ બજારોની મંદીએ ભાગ ભજવ્યો હતો. વિદેશી નાણા સંસ્થાઓએ જંગી ખરીદી ચાલુ રાખી હોવા છતાં ઉંચા ભાવે ઇન્વેસ્ટર વર્ગ સાવચેત બની ગયો હોવાના કારણે નવી લેવાલી અટકી હતી.

સામે નફારૂપી વેચવાલીનું દબાણ સર્જાતા મોટા ભાગના શેરો મંદીમાં નીચે ઉતરવા લાગ્યા હતા. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે આગામી 1લી ફેબ્રુઆરીને નવા નાણાકીય વર્ષનું બજેટ રજુ થવાનું છે. કોરોના કાળ પછીનું આ પ્રથમ બજેટ અનેક રીતે મહત્વપૂર્ણ છે. આવકમાં ગાબડુ પડયુ હોવાથી સરકાર નવી આવક ઉભી કરવા માટે શું કરશે તેમ મહત્વનું છે. તે ઉપરાંત કોરોનાના કારણે અર્થતંત્રના સ્લોડાઉનને અટકાવી અર્થતંત્રને ધમધમતું કરવા માટે કેવા પગલા લેશે તે પણ મહત્વનું બનશે. નવી આવક ઉભી કરવા માટે કરવેરામાં કેટલા અંશે વધારો થાય છે અને સામે કોર્પોરેટ જગતને કેટલી રાહતો અપાઇ છે સહિતના મુદાઓ શેરબજારનું ભાવિ ઘડે તેમ છે. આ સંજોગોમાં હવે આગામી બજેટ સુધી માર્કેટનો ટ્રેન્ડ વોલાટાઇલ બની રહે તેમ છે.

આ સમયગાળા દરમ્યાન કોઇ નવા સારા ખરાબ કારણો ઉભા થાય તો તેનો પડઘો પડી શકે બાકી મધ્યમ ગાળાનો ટ્રેન્ડ તો બજેટ જ નકકી કરશે. શેરબજારમાં આજે મંદી બજારે પણ બજાજ ઓટો, હિરો મોટો, ટાટા મોટર્સ, હિન્દ લીવર, આઇસર મોટર જેવા કેટલાક શેરો મજબૂત રહ્યા હતા. બાકી રીલાયન્સ, સ્ટેટ બેંક, સનફાર્મા, ટેક મહિન્દ્ર, ટાઇટન, જેએસડબલ્યુ સ્ટીલ, એશીયન પેઇન્ટસ, એકસીસ બેંક, હિન્દાલકો, ભારતી એરટેલ, એચડીએફસી, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક બેંક, લાર્સન સહિતના અનેક શેરોમાં ગાબડા પડયા હતા. શેર બજારનો ટ્રેન્ડ જ નેગેટીવ બની ગયો હોય તેમ નેશનલ સ્ટોક એકસચેંજમાં માત્ર 392 શેરો ગ્રીન ઝોનમાં હતા જયારે 1344 શેરોમાં ઘટાડો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 7ર6 પોઇન્ટના કડાકાથી 48898 સાંપડયો હતો. જે ઉંચામાં 49676 તથા નીચામાં 48834 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 200 પોઈન્ટ તુટીને 14389 હતો. જે ઉંચામાં 14619 તથા નીચામાં 14359 હતો. બેંક શેરોમાં બેફામ વેચવાલી હોય તેમ બેંક નિફટીમાં 990 પોઇન્ટનો કડાકો સર્જાયો હતો. તેવી જ રીતે મીડકેપ ઇન્ડેક્ષ ર90 પોઇન્ટનું ગાબડુ સુચવતું હતું. શેરબજાર ઉપરાંત સોના-ચાંદીમાં પણ મંદીનો માહોલ હતો. કોમોડીટી એકસચેંજમાં સોનુ 200 રૂપિયા ઘટીને 49250 હતું. ચાંદી 840ના ઘટાડાથી 66460 હતી.


Related News

Loading...
Advertisement