એઈમ્સના 10 પ્લાન મંજૂર, 9 પ્લાન માસાંતે મંજૂર થશે: દોઢ કરોડ ‘રૂડા’ને ચૂકવાયા

22 January 2021 03:45 PM
Rajkot
  • એઈમ્સના 10 પ્લાન મંજૂર, 9 પ્લાન માસાંતે મંજૂર થશે: દોઢ કરોડ ‘રૂડા’ને ચૂકવાયા

રૂડા’ દ્વારા ડેવલપમેન્ટ ચાર્જમાં 50 ટકા રાહત આપતાં મંજૂર કરવામાં આવેલા 10 પ્લાન પેટે 59,.67 લાખ ભરતું એઈમ્સ: ટ્રી-પ્લાન્ટેશન માટે 14.13 લાખ ચૂકવાયા

રાજકોટ, તા.22
ગુજરાત રાજ્યની પ્રથમ એઈમ્સ કેન્દ્ર સરકારે રાજકોટને ફાળવી છે. રાજકોટના જામનગર હાઈ-વે પર ખંઢેરી અને પરાપીપળીયાના સર્વે નંબરમાં 200 એકર સરકારી જમીનમાં એઈમ્સ ઉભી કરવાનું કામ મોટાપાયે શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એઈમ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. બીજી તરફ એઈમ્સ ઓથોરિટીએ 19 બિલ્ડિંગ ઉભા કરવાના પ્લાન રૂડા ઓથોરિટીમાં રજૂ કર્યા હતા જે પૈકીના 10 પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે.

એઈમ્સ ઓથોરિટીએ 19 ઉપરાંત વધારાના 3 પ્લાન પણ મુકવાનું નક્કી કર્યું છે. રૂડા ઓથોરિટી દ્વારા જે 9 પ્લાન મંજૂરી માટે બાકી રહેલા છે તે પ્લાનની ક્વેરી સોલ્વ કરી દેવામાં આવતાં ચાલું મહિનાના અંત સુધીમાં એઈમ્સના 19 પ્લાન મંજૂર થઈ જશે તેવું જાણવા મળેલ છે. રાજકોટ નજીક જામનગર હાઈ-વે પર પરાપીપળીયા અને ખંઢેરીના સર્વે નં.67 પૈકીવાળી 200 એકર સરકારી જમીનમાં એઈમ્સ હોસ્પિટલ શરૂ થનાર છે.

એઈમ્સ ઓથોરિટીએ બિલ્ડિંગ ઉભા કરવા માટે રૂડા ઓથોરિટીમાં 19 પ્લાન રજૂ કર્યા છે જે પૈકીના 10 પ્લાન રૂડા ઓથોરિટીએ મંજૂર કરી દેતાં એઈમ્સ સત્તાવાળાઓએ જે પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે તેમાં રાજ્ય સરકારની સુચનાથી વિકાસ પરવાનગી ફીમાં 50 ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે તે સંદર્ભે એઈમ્સ ઓથોરિટીને 50 ટકા રાહત આપીને જે વિકાસ પરવાનગી ફી વસૂલવામાં આવી છે તેમાં 59.67 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.

જ્યારે લેબર સેસ ફી તરીકે એઈમ્સ ઓથોરિટી પાસેથી 96.16 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. આ ઉપરાંત એઈમ્સ ઓથોરિટી પાસેથી ટ્રી-પ્લાન્ટેશન માટે રૂડા ઓથોરિટીએ 14.13 લાખની રકમ વસૂલી છે. રૂડા ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ એઈમ્સ દ્વારા રજૂ કરવામાં આવેલા 19 પૈકીના 10 પ્લાનને મંજૂર કરી દેવામાં આવ્યા છે જે નવ પ્લાન મંજૂરી માટે બાકી રહેલા છે તે તમામની ક્વેરી સોલ્વ કરી દેવામાં આવી છે અને આખરી મંજૂરી માટે સીઈઓ અને ચેરમેન સમક્ષ ફાઈલ મુકી દેવામાં આવી છે.

આ દરમિયાન એઈમ્સ ઓથોરિટીએ વધારાના ત્રણ પ્લાન મુકવાનું નક્કી કર્યું છે અને આ પ્લાન જ્યારે મુકવામાં આવશે ત્યારે મંજૂરીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂડા ઓથોરિટી દ્વારા સૌપ્રથમ તબક્કામાં જે 6 પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી તેમાં ડાયરેક્ટર બંગલો, સ્ટાફ ક્વાર્ટર્સ, હોસ્ટેલ તેમજ અન્ય જરૂરી પ્રાથમિક તબક્કામાં ઉપલબ્ધ થાય તેવા બાંધકામના પ્લાન મુકવામાં આવ્યા હતા જે તમામ મંજૂર કરી દેવામાં આવ્યા છે. એઈમ્સ હોસ્પિટલમાં પાંચ મહત્ત્વના એ, બી, સી, ડી અને ઈ પ્લાન મંજૂર કરવા માટે રૂડાની ટેક્નીકલ ટીમે સીઈઓ અને ચેરમેન સમક્ષ ફાઈલ રજૂ કરી દીધી છે.

રાજ્ય સરકારે એઈમ્સને 50 ટકા ડેવલપમેન્ટ ચાર્જમાંથી મુક્તિ આપી છે પરંતુ લેબર સેસ અને ટ્રી-પ્લાન્ટેશનના ચાર્જમાં કોઈ જ મુક્તિ આપવામાં આવી નથી.દરમિયાન રૂડાના સૂત્રોના જણાવ્યા મુજબ એઈમ્સ ઓથોરિટી દ્વારા અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધારાની રકમ ચૂકવી દેવામાં આવી છે. સાથોસાથ રાજ્ય સરકારની સુચનાથી એક કરોડથી વધારાની રાહત ડેવલપમેન્ટ ચાર્જમાં એઈમ્સ ઓથોરિટીને આપવામાં આવશે.


Related News

Loading...
Advertisement