કોંગ્રેસના ગઢ સમા 3-4 વોર્ડમાં સમીકરણો બદલી નાખવા ભાજપનો ટારગેટ

22 January 2021 03:41 PM
Rajkot
  • કોંગ્રેસના ગઢ સમા 3-4 વોર્ડમાં સમીકરણો બદલી નાખવા ભાજપનો ટારગેટ

વોર્ડ નં.15ના કોર્પોરેટર સહિત બે ડઝન આગેવાનોનો ભાજપ પ્રવેશ માત્ર ‘ટ્રેલર’ : કોર્પોરેશનની ચૂંટણી પુર્વે હજુ નવો ‘ભરતીમેળો’ થવાનો નિર્દેશ: વોર્ડ બદલનાર અતુલ રાજાણી- રાજદીપસિંહની જોડી તોડવા ઉપરાંત અન્ય ત્રણેક વોર્ડમાં ઓપરેશન કરીને રાજકીય સમીકરણો બદલવાના પ્રયાસો થવાની ચર્ચા

રાજકોટ તા.22
રાજયમાં કોર્પોરેશન-પંચાયતોની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થવાની અટકળો વચ્ચે રાજકોટમાં કોંગ્રેસમાં તોડફોડ કરવા ભાજપ દ્વારા પ્રયત્નો શરુ કરવામાં આવ્યા છે. કોર્પોરેટર સહીતના કેટલાક આગેવાનોને ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં ભગવો ખેસ પણ પહેરાવવામાં આવ્યો હતો. પરંતુ આવતા દિવસોમાં ભાજપ કેટલાંક મહત્વના વોર્ડના રાજકીય સમીકરણો ફેરી નાખતા રાજકીય ખેલ નાખે તેવા નિર્દેશ છે. ચૂંટણી તૈયારી પરાકાષ્ઠાએ હશે અને ઉમેદવારોના નામો જાહેર થવાના તબકકે રાજકીય ખેલ નાખવાની ચર્ચા છે. માહિતગાર રાજકીય વર્તુળોએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા છેલ્લા મહીનાઓમાં જેમ કોંગ્રેસના ધારાસભ્યોની તોડફોડ કરવામાં આવી હતી તે જ ધોરણે કોર્પોરેશનના સ્થાનિક આગેવાનોમાં ઓપરેશન કરવામાં આવશે.

ગત ચૂંટણીમાં કોંગ્રેસની પડખે રહેલા વોર્ડ અને તેના મજબૂત તાકાતવર આગેવાનોને ટારગેટ પર રાખવામાં આવ્યો હતો અને ગમે ત્યારે ઓપરેશન પાર પાડી દેવામાં આવશે. કોંગ્રેસને ઉંઘતી જ ઝડપી લેવાની રણનીતિ છે. એક સીનીયર આગેવાને એવો ગર્ભીત ઈશારો કર્યો હતો કે ગુરુવારે મુખ્યમંત્રીની હાજરીમાં મહિલા કોર્પોરેટર સહીત બે ડઝન આગેવાનોને કેસરીયો ખેસ પહેરાવવામાં આવ્યો તે તો માત્ર ટ્રેલર છે. કારણ કે હવે પછીનું ઓપરેશન મોટુ હશે. સમગ્ર વોર્ડમાં સમીકરણો પલ્ટી નાખી શકે તેવા આગેવાનો પર ભાજપની નજર છે. તેના આધારે કોંગ્રેસના ગણાતા વોર્ડમાં કોંગ્રેસનું રાજકીય ચિત્ર વેરવિખેર થઈ શકે. 2015ની ચૂંટણીના પરિણામોને લક્ષ્યમાં રાખીને વિશ્લેષણ કરવામાં આવે તો વોર્ડ નં.3 ઉપરાંત 11-12-15-16-17 અને 18 જેવા અર્ધોડઝન વોર્ડમાં કોંગ્રેસનો જોરદાર દેખાવ રહ્યો હતો.આ વોર્ડો કબ્જે કરવા અથવા તેમાં મસમોટા ગાબડા પડવાનો આશય છે.

એ સિવાય વોર્ડ નં.2 પણ ભાજપના નિશાન પર હોવાનું કહેવાય છે. કારણ કે મતદારોના પ્રશ્ર્નો; ઉકેલવામાં 108 તરીકે ગણના પામતા અતુલ રાજાણીએ આ વખતે વોર્ડ નં.2 માટે કોંગ્રેસમાં દાવેદારી કરી છે. રાજદીપસિંહ જાડેજાની પણ આજ વોર્ડમાં દાવેદારી છે. પ્રજાકીય પ્રશ્નો ઉકેલવામાં અગ્રેસર રહેતી આ જોડી ભાજપને ભારો પડી શકે એટલે ગમે તે ભોગે એ જોડીને તોડવાના પ્રયત્નો થાય તો નવાઈજનક નહીં ગણાય. વોર્ડ નં.15માં કોર્પોરેટર માસુમાબેન હેરભાને ખેડવીને ભાજપ દ્વારા ગાબડુ પાડવામાં આવ્યુ જ છે. કોંગ્રેસનો દબદબો ધરાવતા વોર્ડ નં.3 પણ ભાજપના નિશાન પર છે. કોર્પોરેશનની ચૂંટણી પુર્વે કોંગ્રેસમાં તોડફોડ થવાના સંભવિત પ્રયાસોને કોંગ્રેસ નેતાગીરી ફગાવી રહી છે.

શહેર કોંગ્રેસના એક સીનીયર હોદેદારે નામ નહીં દેવાની શરતે કહ્યું કે માસુમાબેન હેરભાના પક્ષપલ્ટાની માહિતી 6 મહિનાની હતી. કારણ કે તેઓએ ટિકીટ માંગી ન હતી. લડવાની પણ ના પાડી હતી. બાકી અન્ય અનેક આગેવાનોને ખેડવવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ કોઈ ડગ્યુ નથી. ગઈકાલનો ખેસ પહેરાવવાનો કાર્યક્રમ ફલોપ જ ગણાય. કારણ કે ગાજયા મેઘ વરસ્યા નથી. ચૂંટણી ભાજપને ભારે જ પડવાની છે અને હવે કોંગ્રેસનો કોઈ રામ-રામ કરે તેવી શકયતા નથી.

જુથવાદ અમારી નબળાઈ છે, અર્ધો ડઝન નેતાઓના સૂર જુદા
પ્રદેશ નેતાનો ગર્ભિત ઈશારો
કોર્પોરેશનની ચૂંટણી પુર્વે કોંગ્રેસમાં ભાંગફોડ કરવાના ભાજપના ઓપરેશન વિશે કોંગ્રેસના જ એક પ્રદેશ નેતાએ સ્વીકાર કરતા કહ્યું કે રાજકોટ કોંગ્રેસને એક કરવાના 57 વર્ષોના પ્રયત્નો સફળ થયા નથી. ભલે બહારથી બધા એક દેખાય છે. પરંતુ પ્રદેશમાં વાત કરવાની આવે તો અર્ધોડઝન નેતાઓના સૂર જુદા થઈ જાય છે. આ અમારી નબળાઈ છે અને કદાચ એટલે જ ભાજપ ભાંગફોડમાં સફળ થઈ જાય છે. જો કે, આ વખતે કોઈ ભાંગફોડ ન થાય તે માટે નેતાગીરી એલર્ટ છે. ટિકીટ ફાળવણી વખતે પણ ખાસ તકેદારી રાખવાનું નકકી કરાયુ જ છે.


Related News

Loading...
Advertisement