(મહેશ કાનાબાર)
માળીયા હાટીના તા.22
માળીયા હાટીના નજીકના જુથડ ગામે કળયુગી પુત્રએ છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી તેના પિતાની હત્યા કરી નાંખતા આ વિસ્તારમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ કરૂણાંતિકાની જાણ થતાંની સાથે જ પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ આરોપી પુત્રની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટના અંગે મળતી સીલસીલા બઘ્ધ વિગતો એવા પ્રકારની છે કે માળીયા હાટીના તાલુકાના જુથડ ગામે ગઇકાલે રાત્રીના હરીજન વાસમાં મેરામણભાઇ જીવાભાઇ કાથડ (ઉ.વ.50) અને તેમના પુત્ર ગોવિંદભાઇ કાથડ (ઉ.વ.20) વચ્ચે ઝઘડો થતાં પુત્ર ગોવિંદ કાથડએ ઉશ્કેરાઇ જઇ તેના પિતા મેરામણભાઇ કાથડ ઉપર ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી તેનું ઢીમ ઢાળી દીધુ હતું.
આ ઘટનામાં વિશેષમાં મળતી વિગતો મુજબ પિતા-પુત્ર વચ્ચે છેલ્લા લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. આ અગાઉ પણ મેરામણભાઇ જીવાભાઇએ પોતાના પુત્ર ગોવિંદ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાબત ગોવિંદને ખટકતી હતી. તેમજ મેરામણભાઇ પાસે ફોર વ્હીલ કાર છે જે તેમના પુત્ર ગોવિંદે માંગતા જે તેને નહી મળતાં આ મુદ્દે અવાર-નવાર બંને પિતા-પુત્ર વચ્ચે ઝઘડા થતા હતા જેમાં ગઇકાલે રાત્રીના પુત્રએ છરીના ઉપરા-છાપરી ઘા ઝીંકી તેના પિતાનું ઢીમ ઢાળી દેતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.