ટિકીટ માટેની લાયકાતોમાં પેઇઝ કમિટિની કામગીરીને પણ મહત્વ અપાયું

22 January 2021 03:26 PM
Jamnagar
  • ટિકીટ માટેની લાયકાતોમાં પેઇઝ કમિટિની કામગીરીને પણ મહત્વ અપાયું

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સુચનાથી જામનગર શહેરમાં પણ પેઇઝ કમિટિઓની રચનાની કામગીરી વેગવંતી: 65 ટકા કમિટિઓ 20 જાન્યુઆરી સુધીમાં બની: દાવેદારી માટેના ફોર્મમાં પણ પેઇઝ કમિટિ કેટલી બનાવી તેની વિગત ભરવાની હોવાથી અનેક દાવેદારોએ પેઇઝ કમિટિ બનાવવાની કામગીરી ફરી જોર-શોરથી શરૂ કરી

જામનગર તા.22:
જામનગર મહાનગરપાલિકાની આગામી ચુંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખની સુચના અન્વયે પેઇઝ કમિટિઓની રચનાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગામી ચુંટણી માટે ટિકીટની માંગણી કરનાર દાવેદાર કાર્યકર્તાએ કેટલી પેઇઝ કમિટિ બનાવી છે તે બાબત પણ ટિકીટ મેળવવા માટેની એક લાયકાત ગણાશે. પક્ષે લીધેલા આ નિર્ણયને પગલે ટિકીટવાચ્છુઓ દ્વારા પેઇઝ કમિટિ બનાવવાની બાકીની કામગીરી યુદ્ધના ઘોરણે હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

જામનગર મહાનગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજયની અન્ય સંસ્થાઓની આગામી ચુંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજયભરના ભાજપના એકમોને મતદાર યાદીઓના પેઇઝ દીઠ પેઇઝ કમિટિઓ બનાવવા માટે એકાદ માસ પહેલા સુચના આપી હતી. આ સુચનાનો જામનગર શહેર અને જિલ્લા ભાજપ દ્વારા અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઇ મુંગરાના જણાવ્યા અનુસાર જામનગર જિલ્લામાં 19 હજારથી વધુ પેઇઝ કમિટિ બનાવવાના લક્ષ્યાંકમાંથી 15 હજારથી વધુ પેઇઝ કમિટિઓ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરી લેવામાં આવી છે અને બાકીની કામગીરી ત્રણેક દિવસમાં પુરી કરવા પ્રયાસ કરાશે.

જામનગર શહેર ભાજપના પ્રમુખ ડો.વિમલ કગથરાએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ દ્વારા પેઇઝ કમિટિની કામગીરીને પણ ટિકીટના દાવેદારો માટે એક અગત્યની લાયકાત ગણવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટિકીટ મેળવવા માટે ઇચ્છા ધરાવતા કાર્યકરો કે પૂર્વ કોર્પોરેટરોએ પોતાની દાવેદારીના ભરવાના થતા ફોર્મમાં કેટલી પેઇઝ કમિટિ સોંપવામાં આવી હતી અને તેમાંથી કેટલી બનાવવામાં આવી તેની વિગત પણ ભરવી પડશે. ગઇકાલ સુધીમાં 60 થી 65 ટકા જેટલી પેઇઝ કમિટિઓ બની હતી અને બાકીની કામગીરી ત્રણેક દિવસમાં પુરી થાય તેવી શકયતા જણાય છે. જામનગર મહાનગરપાલિકાની ચુંટણી સંદર્ભે પ્રદેશ ભાજપ દ્વારા નિમવામાં આવેલા 9 જેટલા નિરિક્ષકો રવિવારથી જામનગર સેન્સ લેવા આવી રહ્યા છે

ત્યારે અને દાવેદારોએ ભરવાના થતા ફોર્મમાં પેઇઝ કમિટિની વિગત દર્શાવવી પડશે તેવું જાણમાં આવતા જ કેટલાક પૂર્વ કોર્પોરેટર અને અન્ય અનેક દાવેદારો દ્વારા પેઇજ કમિટિની બાકી રહેલી કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 13 ડિસેમ્બરના રોજ જામનગર મહાનગરપાલિકાની ચુંટાયેલ પાંખની મુદત પુરી થઇ હતી. તે વખતે ભાજપ પાસે 48 કોર્પોરેટર હતા જયારે વિરોધપક્ષ કોંગ્રેસ પાસે માત્ર 16 કોર્પોરેટર હતા. આ પહેલા 2015માં યોજાયેલી સામાન્ય ચુંટણીમાં ભાજપના સિમ્બોલ ઉપર 38 ઉમેદવારો કોર્પોરેટર તરીકે ચુંટાયા હતા બાદમાં વિપક્ષમાંથી 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા.


Loading...
Advertisement