દ્વારકાના સુદામા સેતુ યાત્રિકો માટે ખુલ્લો મૂકાયો

22 January 2021 03:18 PM
Jamnagar
  • દ્વારકાના સુદામા સેતુ યાત્રિકો માટે ખુલ્લો મૂકાયો

બપોરના સમયે પણ સેતુ પર યાત્રિકો પસાર થઇ શકશે

દ્વારકા તા.12
દ્વારકાનું જગતમંદિર રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશની રાજધાની હોવાથી જગતમંદિરનો નિત્યક્રમ રાજાની જેમ કરવામાં આવે છે. ભગવાન દ્વારકાનાથ આરામ ફરમાવે છે. તેવા ભાવ સાથે અનોસર એટલેકે જગતમંદિરના દ્વાર બંધ કરવામાં આવે છે.

જોકે દ્વારકા શહેરની બજારો જગતમંદિર પર આધારીત હોવાથી જગતમંદિર બંધ થતા, બજારો પણ બંધ અને સાંજના પાંચ વાગ્યે મંદિર ખુલતા, બજારો પણ ધમધમવા લાગે છે. જેના હિસાબે આજ દિન સુધી પવિત્ર ગોમતીનદી પર બનેલો સુદામાસેતુ પણ જગતમંદિર ના ટાઇમટેબલ મુજબ ચાલતો રહ્યો છે. જેના હિસાબે બહારગામથી આવતા યાત્રીકો બપોરના સમયે ખુબ મુશ્કેલી ભોગવતા હોય છે.

અને સાંજે પાંચ વાગ્યે જગતમંદિર, બજારો તથા સુદામા સેતુ એકસાથે ખુલતા, યાત્રીકો આરામથી દર્શન કરી દરીયાકીનારા તથા બજાર ખરીદીની મોજ માણી શકતા નથી.જેથી દ્વારકા કલેકટર દ્વારા આવતા યાત્રીકોની સુખાકારી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલથી સુદામાસેતુ બપોરના સમયે બંધ ન રાખી આખા દિવસ દરમિયાન ખુલ્લો રખાશે.

જેથી બહારગામથી આવતા યાત્રીકો મંદિરના દર્શન કરી બપોરના સમયે જ્યારે જગતમંદિર અને બજારો બંધ હોય, ત્યારે સુદામાસેતુ દ્વારા સામે પાર જઈને સુંદર એવા દરિયાની મોજ માણી શકે. અને તેમનો સમય વ્યર્થ ન થાય. ઉલ્લેખનીય છેકે સામેકાંઠે આવેલ દરીયા કિનારો સુંદર, કુદરતી, સ્વચ્છ તથા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો દરીયો આવેલ છે. આવતા યાત્રીકો કલાકો સુધી અહી નાહવાની મજા લેતા હોય છે. સાથે ગોમતીનદીમાં ફરવા માટે હોડીની મજા જ કાંઇ ઔર છે.


Loading...
Advertisement