હોમગાર્ડઝના જવાનોને યુનિફોર્મના મુદે અન્યાય થતા ગૃહમંત્રીને રજૂઆત

22 January 2021 03:06 PM
Jamnagar
  • હોમગાર્ડઝના જવાનોને યુનિફોર્મના મુદે અન્યાય થતા ગૃહમંત્રીને રજૂઆત

જામનગર તા.22:
જામનગર જિલ્લામાં ફરજ બજાવતા હોમગાર્ડઝના જવાનોને શિયાળા માટેના યુનિફોર્મમાં જે અન્યાય થયેલ છે. તે મુદે હોમગાર્ડઝના જવાનોની રજૂઆત રાજયના ગૃહમંત્રીને પત્ર પાઠવી કરાઇ છે. જામનગર જિલ્લા હોગાર્ડઝમાં 1065 નોંધાયેલા જવાનો છે. જેમાંથી પોલીસ ડિમાન્ડ મુજબ જવાનો શહેર-જિલ્લામાં ડયુટી માટે ફાળવવામાં આવે છે.

હોમગાર્ડઝના જવાનોને તાજેતરમાં શિયાળા દરમ્યાન નાઇટ ડયુટી માટે નિયમ મુજબ ફાળવવાની થતી ગરમ જસી માત્ર 300ની સંખ્યામાં ફાળવવામાં આવી હતી. બાકીના 510 જવાનોને ગરમ કાપડ આપી દેવામાં આવ્યું હતું. જેમાંથી મધ્યમ અને નિમ્ન મધ્યમવર્ગના જવાનોએ સ્વખર્ચે ગરમ શર્ટ શિવડાવી લીધા હતા. જે શિયાળો પુરો થયા બાદ તેઓએ ફરી ઓફિસમાં જમા કરાવવાના રહે છે.

શહેરમાં હોમગાર્ડમાં યુનિફોર્મની સવલતો ધોરણસર અને સમયસર ન મળતી હોવાની ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. બેડેશ્વર શ્રમજીવી મંડળના પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ આ મામલે તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવા માંગણી કરી છે. જવાનોને યુનિફોર્મ ફાળવણીમાં ઉઠેલી ફરિયાદ અંગે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઇ ભીંડીએ જણાવ્યું હતું કે, જિલ્લા કચેરી દ્વારા શહેરના 3 યુનિટોને આવેલું ગરમ કાપડ આપી દેવાયું હતું.

આ વખતે જવાનોની સ્ટ્રેન્થના પ્રમાણમાં 60 ટકા જેટલુ જ કાપડ આવ્યું હતું. જે અંગે અમે રાજય સરકારને લેખિત રજૂઆત પણ કરી છે. તેમજ જવાનોના ભથ્થા વધારવા પણ માંગણી કરી છે.


Loading...
Advertisement