જામનગર તા.22:
જામનગરની પરિણિતા પર ધ્રાંગધ્રામાં રહેતા પતિ સહિતના સાસરીયાઓએ દુ:ખત્રાસ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.જામનગરમાં લાલપુર રોડ પર આવેલા પ્રણામી ટાઉનશીપમાં રહેતી પ્રિયાબેન ત્રિવેદીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં રહેતા પતિ પરિમલભાઇ ઠાકર, સાસુ રેખાબેન શરદભાઇ ઠાકર, સસરા શરદભાઇ નાનાલાલભાઇ ઠાકર નામના સાસરીયાઓએ વર્ષ 2015થી આજ દિવસ સુધીના લગ્ન ગાળા દરમ્યાન શારીરીક-માનસિક ત્રાસ આપી, અવાર-નવાર નાની-નાની વાતોમાં ઝઘડા કરી, બિભત્સ વાણી વિલાસ આચરી, ઘર કામકાજ બાબતે મેણાટોણા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જામનગર આવી તેણીએ પોતાના પતિ સહિતના સાસરીયાઓ સામે મહિલા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પી.એસ.આઇ કે.એન.જાડેજા સહિતા સ્ટાફે તપાસ હાથ ધરી છે. તેણી જયારે ગર્ભવતી હતી ત્યારે પાંચમા મહિને પતિ પરિમલભાઇએ માર માર્યો હોવાનું પણ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે.