જામનગરમાં કરોડોનું ફુલેકું ફેરવનાર ટોળકીના ત્રણ સાગરીતો પકડાયા

22 January 2021 02:48 PM
Jamnagar
  • જામનગરમાં કરોડોનું ફુલેકું ફેરવનાર ટોળકીના ત્રણ સાગરીતો પકડાયા
  • જામનગરમાં કરોડોનું ફુલેકું ફેરવનાર ટોળકીના ત્રણ સાગરીતો પકડાયા

મહિલા એકાઉન્ટન્ટ સહિત ત્રણેય શખ્સોના કોરોના રિર્પોટ નેગેટીવ આવતા ધરપકડ: મુખ્ય સુત્રધાર પિતા-પુત્રને પકડી પાડવા પોલીસની કાર્યવાહી

જામનગર તા.22:
જામનગરમાં શેરબજારના રોકાણ કરાવી તગડુ વ્યાજ આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર ખાનગી પેઢીની ટોળકીના ત્રણ શખ્સોને સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે. પેઢીના મહિલા એકાઉન્ટન્ટ સહિત આ ત્રણેય આરોપીઓના કોરોના રિર્પોટ નેગેટીવ આવતા ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સુત્રધાર સહિતના શખ્સો સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં પી.એન.માર્ગ પર આવેલ નિયો સ્કેવર નામના કોર્મશીયલ કોમ્પ્લેક્ષમાં પેઢી ખોલી ચીટર ટોળકીએ શેરબજારમાં રોકાણ અને ધીંગુ વ્યાજ આપવાની લાલચ આપી એક પેઢી ખોલી હતી. ઓમ ટ્રેડીંગ નામેથી પેઢી ખોલી હિરેન ધબા, તેના પિતા મહેન્દ્ર ધબા અને ભાઇ જય તથા પત્ની અનિતા સહિતના શખ્સોએ અન્ય બે શખ્સોની મદદથી શહેરના અનેક આસામીઓ પાસેથી કરોડો રૂપિયા રોકાણરૂપે સ્વીકાર્યા હતા.

પ્રતિ માસ 10 ટકા વ્યાજ અને 11 માસે મુદલ પરત કરવાના નિયમો મુકી શહેરના અનેક આસામીઓને મોટા આર્થિક વળતરની લાલચ આપી હતી. લાખો રૂપિયા સ્વીકારી આ શખ્સોએ જે-તે આસામીઓને પ્રથમ બે-ત્રણ માસ વ્યાજ પણ ચુકતે કર્યુ હતું ત્યારબાદ રાજકોટની ઉપલી ઓફિસમાંથી પૈસા નથી આવ્યા એમ બહાનુ કરી એક પણ રોકાણકારને વ્યાજ ચુકતે કર્યુ ન હતું. ઉઘરાણી વધી જતા પેઢીના મુખ્ય સંચાલક હિરેન ધબાએ પેઢીને તાળા મારી દેતા તમામ રોકાણકારો ફસાઇ ગયા હતા.

આ બનાવ અંગે એકસ આર્મીમેન દ્વારા ગઇકાલે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં હિરેન ધબા સહિત તેના પરિવાર અને અન્ય બે શખ્સો સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એકસ આર્મીમેનના 33 લાખ રૂપિયા ઉપરાંત અન્ય 59 જેટલા આસામીઓના સવા ત્રણ કરોડ રૂપિયાનું ફુલેકુ આ પેઢીએ ફેરવ્યું હોવાનું સામે આવ્યું હતું.

જેને લઇને સીટી બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી પેઢીના એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા સંગીતાબેન અને અન્ય બે શખ્સો હસમુખસિંહ પરમાર તથા તોસીફ શેખને પકડી પાડયા હતા. પોલીસે આ ત્રણેય શખ્સોના કોરોના રિર્પોટ કરાવી ધરપકડ કરી છે. જયારે અન્ય શખ્સો સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં છેતરપીંડીનો આંક અને છેતરાયેલા આસામીઓની સંખ્યા વધવાની શકયતાઓ રહેલી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.


Loading...
Advertisement