જામ્યુકોની ચુંટણીના દાવેદારોને રવિવારે ભાજપના નિરીક્ષકો સાંભળશે

22 January 2021 02:36 PM
Jamnagar
  • જામ્યુકોની ચુંટણીના દાવેદારોને રવિવારે ભાજપના નિરીક્ષકો સાંભળશે

શહેર ભાજપ કાર્યાલય, જિલ્લા ભાજપ કાર્યાલય અને કુંવરબાઇ ધર્મશાળા ખાતે ત્રણ-ત્રણ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાશે: આજથી દાવેદારી માટેના ફોર્મનું વિતરણ શરૂ કરાયું: 16 વોર્ડની 64 બેઠકો માટે ત્રણસોથી વધુ ટિકીટવાચ્છુઓ આવે તેવી શકયતા: લોબીંગ ટાળવા કયા નિરિક્ષક કઇ જગ્યાએ જશે તે ગુપ્ત રખાયુ: કોવિડ ગાઇડલાઇનને કારણે દાવેદારો ટોળા નહી લઇ જઇ શકે: માત્ર પાંચ જ સમર્થકને લઇ જવાની છુટ

જામનગર તા.22:
જામનગર મહાનગરપાલિકાની આગામી ચુંટણી માટે દાવેદારોને સાંભળવા માટે અને અપેક્ષિત લોકોની સેન્સ લેવા માટે નિમાયેલા 9 પ્રદેશ નિરીક્ષકોને જુદા-જુદા વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગેનો કાર્યક્રમ વિધિવત રીતે ભાજપએ જાહેર કર્યો છે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણીની તૈયારી રાજકીય પક્ષોએ તેજ બનાવી છે. કોંગ્રેસ પછી હવે ભાજપના પ્રદેશ નિરિક્ષકો પણ સેન્સ લેવા રવિવારે જામનગર આવી રહ્યા છે.

આ અંગે શહેર ભાજપ પ્રમુખ દ્વારા વિધિવત રીતે કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. સેન્સની પ્રકિ્રયામાં સમયની બચત થાય તેવા હેતુથી શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરાએ વોર્ડવાઇઝ ટાઇમટેબલ જાહેર કર્યુ છે. નવ નિરીક્ષકોને ત્રણ-ત્રણની ટીમમાં જુદા-જુદા ત્રણ સ્થળોએ દાવેદારો, અપેક્ષિત આગેવાનોને મર્યાદિત સંખ્યામાં સાંભળવાની જાહેરાત કરાઇ છે.

કોરોના અંગે સરકારની ગાઇડલાઇનને ધ્યાને રાખીને આ વખતે ટિકીટવાચ્છુઓ તેની સાથે ટેકેદારોના ટોળા લાવી શકશે નહી. પરિણામે તમામ 16 વોર્ડના દાવેદારોને એક જ દિવસમાં સાંભળી શકાશે.શહેર ભાજપ કાર્યાલયે વોર્ડ 1 થી 6ની સેન્સ જામનગરના વોર્ડ નંબર 1 થી 6 માટેના ટિકીટવાચ્છુ (દાવેદારો)ને શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંભળવામાં આવશે.

વોર્ડ.નં.1 માટે સવારે 10 થી 11, વોર્ડ.નં.2 માટે 11 થી 12, વોર્ડ.નં.3 માટે બપોરે 3 થી 4 વોર્ડ.નં.4 માટે સાંજે 4:30 થી 5:30 દરમ્યાન, વોર્ડ.નં.5 માટે સાંજે 6 થી 7 અને વોર્ડ.નં.6 માટે સાંજે 7:30 થી 8:30 દરમ્યાન દાવેદારોને સાંભળવવામાં આવશે. જિલ્લા ભાજપ કાર્યાલયે 7 થી 11 નંબરના વોર્ડની સેન્સ જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય (અટલ ભવન) ખાતે નિરિક્ષકોની બીજી ટીમ સેન્સની પ્રક્રિયા હાથ ધરશે.

સવારે 10 થી 11 દરમ્યાન વોર્ડ.નં.7, 11:30થી 12:30 દરમ્યાન વોર્ડ.નં.8, બપોરે 3 થી 4 દરમ્યાન વોર્ડ.નં.9, સાંજે 4:30 થી 5:30 દરમ્યાન વોર્ડ.નં.10 અને સાંજે 6 થી 7 દરમ્યાન વોર્ડ.નં.11 માટે સેન્સની પ્રક્રિયા થશે. કુંવરબાઇ ધર્મશાળાએ વોર્ડ.નં.12 થી 16 વોર્ડ.નં.12 થી 16 માટેના ટિકીટ મેળવવા ઇચ્છુક દાવેદારોને કુંવરબાઇ ધર્મશાળા ખાતે નિરિક્ષકો સાંભળશે.

સવારે 10 થી 11માં વોર્ડ.નં.12, 11 થી 12 દરમ્યાન વોર્ડ.નં.13, બપોરે 3 થી 4 દરમ્યાન વોર્ડ.નં.14, સાંજે 4:30 થી 5:30 દરમ્યાન વોર્ડ.નં.15 અને સાંજે 6 થી 7 દરમ્યાન વોર્ડ.નં.16 માટે કામગીરી થશે. ઉપરોકત ત્રણ જગ્યાએ પ્રદેશ નિરિક્ષકો સેન્સ લેશે. જો કે કયા નિરીક્ષક કઇ જગ્યાએ સેન્સ લેવા જશે તેની વિગતો જાહેર કરાઇ નથી જેથી લોબીંગના મારાથી બચી શકાય.

જામનગર મહાનગરપાલિકામાં છેલ્લી પાંચ ટર્મથી ભાજપનું શાસન છે. 1995માં સૌ પ્રથમ વખત રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી. જેનો શ્રેય ભાજપને ફાળે જાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર જામનગર મહાનગરપાલિકાના કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે ચુંટણી લડવા ઇચ્છુક દાવેદારો આજથી જ શહેર ભાજપ કાર્યાલયેથી દાવેદારી માટેનું ફોર્મ મેળવી શકશે અને તે નિરિક્ષકો સમક્ષ આ ફોર્મ ભરીને રજૂ કરવાનું રહેશે. 300થી વધુ દાવેદારો આવે તેવી શકયતા જણાય છે.

જિ.પં., તા.પં. અને ન.પા.ના દાવેદારોને સાંભળવા ભાજપે નિરિક્ષકો પસંદ કર્યા
દાવેદારોને તા. 27 જાન્યુઆરીએ તાલુકા મથકે સાંભળશે
જામનગર તા.22: જામનગર જીલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયત તેમજ સિક્કા નગરપાલિકાની ચુંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવા માટે ત્રણ એક મહિલા સહીત ત્રણ નિરિક્ષકોની નિમણુક જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા દ્વારા કરવામાં આવી છે. આ ભાજપના ત્રણેય નિરિક્ષકો આગામી તા.27 જાન્યુઆરી 2021 એ તાલુકા કક્ષાએ સાંભળશે.

જામનગર જીલ્લા ભાજપના પ્રમુખ રમેશ મુંગરા દ્રારા આગામી સમયમાં યોજાનાર જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને સિક્કા નગરપાલિકાની ચુંટણી માટે જીલ્લા તરફથી નિરિક્ષકોનિ નિયુકિત કરવામાં આવેલ છે. જેમાં જોડિયા તાલુકા માટે મનોજભાઈ ચાવડીયા, નાથાભાઈ વારસકિયા, રેખાબેન કગથરા નિરિક્ષક છે. ધ્રોલ તાલુકા માટે દિલીપભાઈ ભોજાણી,રણમલભાઈ કાંબરીયા, હીનાબેન રાખોલીયા નિરિક્ષક રહશે.

કાલાવડ તાલુકા માટે ચેતનભાઈ કડીવાર, કોશીક્ભાઈ રાબડીયા, સુધાબેન વિરડીયા નિરિક્ષક છે. જામનગર તાલુકા માટે પ્રવીણસિંહ જાડેજા, ગાંડુભાઈ ડાંગરિયા, વનીતાબેન ફળદુ નિરિક્ષક છે, લાલપુર તાલુકા માટે દિલીપસિંહ ચુડાસમા, ગણેશભાઈ મુંગરા, હર્ષાબેન રાજગોર નિરિક્ષક છે. જામજોધપુર તાલુકા માટે ડો.વિનુભાઈ ભંડેરી, ડી.ડી.જીવાણી પ્રતિક્ષાબા જાડેજા નિરિક્ષક છે.

જ્યારે સિક્કા નગરપાલિકાની ચુંટણી માટે મનોજભાઈ જાની, લખધીરસિંહ જાડેજા,નીતાબેન પરમાર નિરિક્ષક તરીકે નિમણુક કરવામાં આવી છે. આ તમામ નિરિક્ષકો આગામી તા. 27 જાન્યુઆરી 21 ના રોજ સવારે 9.30 થી તાલુકા કક્ષાએ દાવેદારો ઉપરાંત મંડળના અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળશે. તેમ જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી એ અખબારી યાદીમાં જણાવ્યું છે.


Loading...
Advertisement