(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.22
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે ડિવાઈડર નજીક ડબલ સવારીમાં ઉભેલા બાઇકને અજાણ્યા વાહનચાલકે હડફેટે લીધું હતું જે બનાવમાં હળવદના ડુંગરપુર ગામના આધેડનું મોત નિપજેલ છે જયારે એકનો ચમત્કારીક બચાવ થયો હતો. બનાવની કરૂણાંતિકા એ છે કે જે આધેડનું વાહન અકસ્માતમાં મોત નિપજેલ છે તેઓ પોતાની દીકરીના આગામી દિવસોમાં લગ્ન હોય લગ્નની કંકોત્રી વહેંચવા માટે મોરબી આવ્યા હતા દરમ્યાનમાં ઉપરોક્ત ગોઝારો બનાવ બન્યો હતો.
મોરબી તાલુકા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ તાલુકામાં આવેલ ડુંગરપુર ગામના રહેવાસી ગંગારામભાઇ વીરજીભાઈ આંકરીયા જાતે કોળી નામના 52 વર્ષના આધેડ તેમના કૌટુંબિક સગાની સાથે ડબલ સવારીમાં બાઇક લઇને હળવદથી પોતાની દીકરીના આગામી દિવસોમાં લગ્ન હોય કંકોત્રી વહેંચવા માટે મોરબીના ધરમપુર ગામે તથા મોરબીના વીસીપરા વિસ્તારમાં જવા માટે નીકળ્યા હતા. તેઓ ધરમપુર ગામે કંકોત્રી આપ્યા બાદ જ્યારે ગઈકાલે બપોરના ચારેક વાગ્યાના અરસામાં ટીંબડી ગામના પાટીયા પાસે ડિવાઈડર નજીક તેમની બાઇક સાથે ઉભા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા બનેલ ગોજારા વાહન અકસ્માતના બનાવમાં ગંગારામભાઈ વેલજીભાઈ આંકરીયા નામના 52 વર્ષના કોળી આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલ અન્ય વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. બનાવ બાદ તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલે ખસેડાયો હતો અને બનાવની આગળની તજવીજ શરૂ કરવામાં આવેલી છે. જો કે બનાવની કરૂણતા એ છે કે મૃતક પોતાની દીકરીના આગામી દિવસોમાં લગ્ન હોય લગ્નની કંકોત્રી વહેંચવા માટે હળવદથી મોરબી આવ્યા હતા અને અહીં ટીંબડીના પાટીયા પાસે તેમનું માર્ગ અકસ્માતમાં મોત થયેલ છે. બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકના એન.એમ.ગોસ્વામીએ આગળની તજવીજ શરૂ કરી છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહનચાલકને શોધવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મકનસર ગામે મારામારી
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શોભનાબેન જીવરાજભાઈ સાંતોલીયા જાતે કોળી (16) અને સંગીતાબેન જીવરાજભાઈ કોળી (18) નામની બે બહેનોને ઇજાઓ થતા તેઓને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યારે મોરબીના બહાદુરગઢ ગામના પાટિયા પાસે શેરે-એ-પંજાબ હોટલ નજીકથી બાઈક લઈને જઈ રહેલ મુન્નાભાઈ અર્જુનભાઈ રામ નામના 30 વર્ષના યુવાનનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત થયેલ મુન્નાભાઈ રામને અહીંની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા છે.