મોરબીના રંગપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં બાળક કપાઇ ગયો

22 January 2021 02:02 PM
Morbi
  • મોરબીના રંગપર પાસે કારખાનામાં
મશીનના બેલ્ટમાં બાળક કપાઇ ગયો

વધુ એક યુનિટમાં દુર્ઘટના

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.22
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ સનબ્રાઇટ નામના કારખાનામાં મજૂરનો પાંચ વર્ષનો દીકરો મશીનમાં આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. કારખાનામાં 18 વર્ષથી નાના બાળકોને રાખવામા આવે તો કારખાનેદાર અને કોન્ટ્રાક્ટર સહિતના લોકો સામે ગુનો દાખલ થતા હોય છે ત્યારે કારખાનેદાર કે કોન્ટ્રાક્ટરની સામે કેમ કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ નથી તે સૌથી મોટો સવાલ છે.


મોરબી વિસ્તારમાં કારખાનામાં બાળ મજૂરી કરાવવામાં આવતી હોય તેવું ઘણી વખત સામે આવતું હોય છે અને જવાબદાર અધિકારી અને તેની ટીમ દ્વારા રેડ કરીને સમયાંતરે બાળ મજૂરોને મુક્ત કરવામાં આવતા હોય છે જોકે છેલ્લા ઘણા સમયથી જુદાજુદા કારખાનામાં નાની ઉંમરના બાળકોનું મશીનમાં આવી જવાથી કે પછી વાહનની હડફેટે આવી જવાના કારણે અથવા તો અન્ય કોઇ કારણોસર મોત થતું હોય તેવા ઘણા બનાવો બનેલા છે જોકે આ એક પણ બનાવની અંદર જવાબદાર અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર કે પછી કારખાનેદારની સામે કોઈપણ પ્રકારનો ગુનો નોંધવામાં આવેલ નથી જેથી કરીને આવા બનાવો બનતા અટકતાં ન હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે.


ગઈકાલે જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સનબ્રાઇટ નામના કારખાનામાં અને મજૂરી કામ કરતા સંજયભાઇ દાયમાનો પાંચ વર્ષનો દિકરો અર્જુન સનબ્રાઇટ કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી ગયો હતો જેથી તેનું મોત નિપજ્યુ હતુ માટે બાળકના મૃતદેહને પીએમ કરવા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.


મોરબી તાલુકા પોલીસે રાબેતા મુજબ અકસ્માત મૃત્યુના આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે જોકે પાંચ વર્ષનો બાળક મશીન સુધી શા માટે પહોંચી ગયો અને મશીનમાં આવી જવાના લીધે તેનુ મોત થયુ.


Loading...
Advertisement