મોરબીમાં 500 હેકટરમાં નવી ઔદ્યોગિક વસાહત : મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત

22 January 2021 01:56 PM
Morbi
  • મોરબીમાં 500 હેકટરમાં નવી ઔદ્યોગિક વસાહત : મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત

ગુજરાતમાં 8 જિલ્લામાં 987 હેકટરમાં નવી જીઆઇડીસી સ્થાપવાની જાહેરાત :લોધીકા સહિતની હયાત વસાહતોને પણ ‘મોડલ એસ્ટેટ’ તરીકે વિકસાવાશે : 9 વસાહતોમાં મલ્ટીસ્ટોરી શેડનું નિર્માણ થશે : જામનગરના બ્રાસ, મોરબીના સિરામીક, રાજકોટના મેડીકલ ડીવાઇસ સહિતના ઉદ્યોગોને લાભ થશે : 20,000 નવી રોજગારી સર્જાશે

ગાંધીનગર તા.22
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાના ઉદ્યોગકારોને વધુ પ્રોત્સાહન આપવા રાજ્યના 8 જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને 500 થી 2000 ચોરસ મીટરના ર570 પ્લોટ અને મોટા ઉદ્યોગોને 10 હજારથી 50 હજાર ચોરસ મીટરના 337 પ્લોટ ઉપલબ્ધ થશે. આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા - બનાસકાંઠાનો માર્બલ કટીંગ / પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ - જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીના સિરામિક ઉદ્યોગ, કડજોદરા ગાંધીનગરનો ફૂડ - એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો ઍસિલરી ઉદ્યોગ, નાગલપર રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ તથા આણંદ અને મહીસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે.


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લગભગ રૂ. 1223 કરોડનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને અંદાજે 20 હજાર નવી રોજગારી આ નવિન પ્રકલ્પો ભવિષ્યમાં પૂરી પાડશે. વધુમાં આ 8 વસાહતોમાં મોરબી ખાતે આશરે 500 હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક મોડલ એસ્ટેટ બનશે. સાથેસાથે દહેજ, સાયખા, અંક્લેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી મોડલ એસ્ટેટ બનાવવાનું આયોજન છે.


મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે એમએસએમઇને વધુ વેગ આપવાના હેતથી રાજ્યની હયાત 9 ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટીસ્ટોરી શેટ્સ - બહુમાળી શેડ બનાવવામાં આવશે. રાજ્યના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં 360 નવા બહુમાળી શેડ નિર્માણ પામશે. લગભગ 100 કરોડ રૂપિયાનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને અંદાજે બે હજાર નવી રોજગારી ઉપલબ્ધ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.


Loading...
Advertisement