પિતાએ અનેકવાર સમજાવ્યો ‘બનેવીના ઘરેથી પાછો આવી જા’ પુત્ર ન માન્યોને પછી લોહિયાળ ખેલ ખેલાયો

22 January 2021 01:08 PM
Rajkot Crime
  • પિતાએ અનેકવાર સમજાવ્યો ‘બનેવીના ઘરેથી પાછો આવી જા’ પુત્ર ન માન્યોને પછી લોહિયાળ ખેલ ખેલાયો

મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસા.ના હત્યાના બનાવમાં આરોપી બનેવી સકંજામાં : બનેવી મહેશ સદાદીયાને કૌટુંબિક સાળો પોતાના ઘરે રહેતો તે ન ગમતુ હોવાથી માથાકુટ થતી, બુધવારે રાત્રે પણ ઝઘડો થયેલો: ગત બપોરે સાળા ભાવેશ ચનિયારાને ઘરમાં પુરી બનેવીએ છરીના ત્રણ ઘા માર્યા, છાતીના જમણા ભાગે લાગેલો ઘા જીવલેણ નિવડયો

રાજકોટ તા. રર : શહેરના મોરબી રોડ જકાતનાકા પાસે આવેલી જય જવાન જય કિસાન સોસાયટી નજીક રપ વારીયા કવાર્ટરમાં ગઇકાલે બપોરે કૌટુંબીક બનેવીએ સાળાને છરીના ત્રણ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. બનાવના પગલે બી ડીવીઝન પોલીસનો કાફલો દોડી ગયો હતો. જયારે ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં જ આરોપીને સકંજામાં લીધો હતો.


બનાવની વિસ્તૃત વિગત મુજબ મૃતક ભાવેશ કાળુભાઇ ચનીયારા (ઉ.વ. રર) રીક્ષા ચલાવતો અને પોતાના કૌટુંબીક બનેવી મહેશ મનસુખભાઇ સદાડીયા (ઉ.વ. 3પ) ના ઘરે છેલ્લા દસેક વર્ષથી રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી સાળો પોતાના ઘરે રહેતો હતો તે બનેવીને ગમતુ નહોતુ જેથી અવાર નવાર ઝઘડો થતો. તેથી ભાવેશના પિતાએ પુત્રને સમજાવ્યો હતો કે બનેવીના ઘરેથી પાછો આવી જા પરંતુ ભાવેશ તેની વાત માન્યો નહી અને બનેવીના ઘરે જ રહેતો હતો. પ્રથમ બુધવારે રાત્રે સાળા-બનેવી વચ્ચે માથાકુટ થઇ હતી. ઝઘડાના કારણે કેટલીકવાર ભાવેશ રાત્રે પણ ઘરે નહોતો આવતો અને બહાર જ રહેતો. ગત બપોરે એકાદ વાગ્યે બંને સાળો-બનેવી ઘરે હતા ત્યારે ફરી ઝઘડો થયો હતો. જેથી સાળાને ઘરમાં પુરી બનેવીએ મારમાર્યો હતો અને ત્યારે જ છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. જેમાં એક ઘા છાતીના જમણા ભાગે ઉંડો ઉતરી ગયો હતો. ભાવેશને તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાથી અન્ય ખાનગી હોસ્પીટલમાં રીફર કરાયો હતો. જો કે બચવાના ચાન્સ ઓછા હોવાથી સીવીલમાં ખસેડાયો હતો જયા સારવારમાં જ તેણે દમ તોડી દેતા કોળી પરીવારમાં કલ્પાંચ છવાયો હતો.


પરીવારજનોના જણાવ્યા મુજબ મૃતકના પિતા કાળુભાઇ મજુરી કામ કરે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરા અને ત્રણ દીકરી છે. જેમાંથી ભાવેશ પાંચમાં નંબરનો હતો. માતાનું નામ હંસાબેન છે. જયારે મહેશ સદાદીયા ઇમીટેશનમાં મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યુ છે. હત્યાનો બનાવ બનતા જ બી ડીવીઝન પીઆઇ એમ.બી. ઔસુરા, હેડ કોન્સ્ટેબલ અશ્ર્વિનભાઇ રાઠોડ, મહેશભાઇ રુદાતલા, રશ્મીનભાઇ પટેલ, વીરમભાઇ સહીતના દોડી ગયા હતા. અને હોસ્પીટલ ખાતે જરુરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા બાદ બનાવ સ્થળની મુલાકાત લઇ તપાસ હાથ ધરી હતી. જો કે ક્રાઇમ બ્રાંચની ટીમે ગણતરીની કલાકોમાં જ આરોપી બનેવીને સકંજામાં લઇ લીધો હતો.


Related News

Loading...
Advertisement