રાજકોટ તા.22
મોરબી રોડ પર હડાળા ગામના પાટીયા નજીક આવેલી આસ્થા બોયઝ હોસ્ટેલમાં ઉત્તરાયણના દિવસે તસ્કરો ત્રાટકયા હતા. જેની જાણ કુવાડવા રોડ પોલીસને કરાતા પોલીસે તપાસ હાથ ધરી રાજકોટના લક્ષ્મીનગર નાલા નજીક ઝુંપડપટ્ટીમાં રહેતા બે શખ્સોની ચોરીમાં ગયેલા માલ અને એક રીક્ષા સાથે ધરપકડ કરી હતી.
કુવાડવા રોડ પોલીસના પીઆઇ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.જી.રોહડીયા, એએસઆઇ હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ, દેવેન્દ્રસિંહ, મુકેશભાઇ વગેરે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ગઇકાલે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે મોરબી રોડ પર મારવાડી કોલેજ પાસે વોચ ગોઠવી હતી ત્યારે મોરબી તરફથી આવતી બાતમીવાળા નંબર વાળી જીજે 03 એડબલ્યુ 5935 નંબરની રીક્ષા ત્યાંથી પસાર થતા તેને અટકાવી હતી. રીક્ષામાં સવાર પોપટભાઇ મનસુખભાઇ વડેચા (ઉ.વ.32) રહે.ભકિતનગર રેલવે સ્ટેશન પાસે ઝુંપડામાં અને કિશન રમેશભાઇ થારતીયા (ઉ.વ.22) રહે. લક્ષ્મીનગર નાલા પાસે ઝુંપડામા)ની પુછપરછ કરી હતી. રીક્ષાની ઝડપી લેતા તેમાંથી સ્ટીલના 40 નળ, 1 કુકર, 12 ટીનની ઇડલીની પ્લેટ, ટીનની ખાંડણી, ટીનની તપેલી મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને શખ્સોએ આ મુદામાલ આસ્થા બોયઝ હોસ્ટેલમાંથી ચોરી કર્યો હતો. જેથી રીક્ષા અને ચોરીના માલ સહિત રૂા.87,400નો મુદામાલ કબ્જે કરાયો હતો અને બંને આરોપીની અટકાયત કરાઇ હતી.