(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર તા. 22 : જામજોધપુર તાલુકાના ચુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સને ર016 થી સને ર017 ના વર્ષમાં સરકારની 14 મા નાણાપંચના વિકાસના કામો પૈકી રબારીવાસમાં પાણીની ટાંકી તથા ગામતળમા પાઇપ લાઇનનું કામ થયેલ ન હોવા છતા આ બંને કામ પેટે રૂ.1,89,400 નું સબંધીતોને ગેરકાયદેસર ચુકવણુ કરી તથા આ ચુકવણુ કરતા પુર્વે જવાબદાર અધીકાર કર્મચારીઓએ સ્થળ ઉપર કામ થયાની ખાતરી કર્યા વગર માપપોથીમાં ખોટા માપોની નોંધ કરી ગેરરીતી આચરી સંબંધીતોના નામના વાઉચ્રો બનાવી ખોટુ દસ્તાવેજી રેકર્ડ ઉભુ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કરેલ.
જે અંગે ગુન્હો દાખલ થયેલ હતો. જે ગુન્હાની તપાસના કામે અગાઉ આરોપી (1) મુરીબેન નથુભાઇ રાઠોડ (ર) નીતેશસીંહ ગંભીરસિંહ જાડેજા (બંને તત્કાલીન સરપંચ ચુર ગ્રામ પંચાયત) (3) દર્શન હસમુખભાઇ પરમાર તત્કાલીન અધીક મદદનીશ ઇજનેર વર્ગ 3 માર્ગ અને મકાન પેટા વિભાગ (પંચાયત) જામજોધપુર (4) રવજીભાઇ મનસુખભાઇ ધારેવાડીયા (તત્કાલીન તલાટી કમ મંત્રી ચુર ગ્રામ પંચાયત વાળા) ની અટક કરી રીમાંડ મેળવી કોર્ટમાં રજુ કરતા કોર્ટના હુકમ મુજબ જેલ હવાલે કરવામાં આવેલ હતા.બાદ આ ગુન્હાની તપાસના કામે પકડવાના બાકી આરોપી કીશોરસીંહ લાલુભા જાડેજા ઉ.વ. 4પ (તત્કાલીન ઉપસરપંચ ચુર ગ્રામ પંચાયત) ની પોલીસે ચુર ગામેથી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.