રાજકોટ તા.22
શહેરના માધાપર ચોકડી નજીક બાઇકને કારે ઠોકરે લેતા બાઇકસવાર ધોબી દંપતીનું મોત નીપજ્યું હતું જ્યારે તેની પૌત્રીને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે.આ ગમખ્વાર અકસ્માતમાં દંપતીનો ભોગ લેનાર કારચાલકને ગાંધીગ્રામ પોલીસે પોકેટકોપ એપ્લિકેશનની મદદથી સકંજામાં લેવા કવાયત આદરી અને તેની સામે ગુન્હો નોંધવા તજવીજ આદરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રેલનગરમાં આવેલી ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપમાં રહેતા દિલીપભાઇ પોપટભાઇ વાળા ધોબી (ઉ.વ.55),તેના પત્ની હંસાબેન વાળા(ઉ.વ.53) અને પૌત્રી માહી પ્રશાંતભાઇ વાળા (ઉ.વ.5)રાત્રીના સમયે બાઇક પર પોતાના ઘર તરફ જતા હતા અને માધાપર ચોકડી નજીક ઓવરબ્રિજ પાસે પહોંચ્યા ત્યારે પુરપાટ ઝડપે કાળ બનીને ધસી આવેલી કારે બાઇકને હડફેટે લેતા દંપતી સહિત ત્રણેય સભ્યો બાઇક પરથી રસ્તા પર ફંગોળાયા હતા.આ ગમખ્વાર અકસ્માતને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને પોલીસ આવી ગઈ હતી ત્યારબાદ 108ની મદદથી ઘવાયેલા ત્રણેયને તુરંત હોસ્પિટલમાં ખસેડ્યા હતા,પરંતુ માથામાં અને શરીર પર ગંભીર ઇજા થતાં હંસાબેન અને તેના પતિ દિલીપભાઇને જોઈ તપાસી તબીબે મૃત જાહેર કર્યા હતા.જ્યારે પૌત્રી માહીની હાલત પણ ગંભીર ઇજા થવાથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ત્યાં ઘસી ગયો હતો.
મૃતકના પરિવારમાંથી જાણવા મળ્યું હતું કે,દિલીપભાઇ વાળાને યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીક બાલવી કૃપા નામની લોન્ડ્રીની દુકાન છે અને રામાપીર ચોકડી નજીક એક જૂનું મકાન આવેલું છે ત્યાં કપડાં ધોવાનું કામ કરે છે. દિલીપભાઇ રાત્રે દુકાનેથી નીકળ્યા હતા અને રામાપીર ચોકડીએ મકાને કામ કરતા તેના પત્ની અને પૌત્રીને બાઇકમાં બેસાડી રોજ ના નિયમ મુજબ રેલનગર પોતાના ઘરે જવા નીકળ્યા અને અકસ્માત સર્જાયો હતો.દિલીપભાઈને સંતાનમાં બે દીકરા એક દીકરી છે તેમજ પોતે એક ભાઈ ચાર બહેનમાં મોટા હતા.ધોબી પરિવારમાં એક સાથે બે વ્યક્તિના મૃત્યુ નિપજતા પરિવારમાં શોક છવાયો છે. આ અકસ્માતની ઘટનામાં ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે પોકેટ કોપની મદદથી જીજે 11ડીએચ 7659 નંબરની કાર ના ચાલક સામે ગુન્હો નોંધી ઝડપી લેવા કવાયત આદરી છે.