રાજકોટ તા.22
વૈશ્ર્વીક બજારમાં ક્રુડ બેરલના કીંમતોમાં સતત વધારાના પગલે દેશભરમાં જાન્યુઆરી માસના પ્રારંભથી સતત વૃધ્ધી જોવા મળી છે. જેના પરીણામે આજે રરમાં દીવસ સુધીમાં રૂ.1.70 પેટ્રોલ અને રૂ.1.92 ડીઝલ મોંઘુ થયુ છે. ત્રણ દીવસની સ્થિરતા બાદ આજે પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘુ થયુ છે. આજે રાજકોટ શહેરમાં 24 પૈસા પેટ્રોલ અને 27 પૈસા ડીઝલમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઓઇલ કંપનીઓ રોજીંદા ભાવફેર થાય છે. જેમાં છેલ્લા ત્રણ દીવસ ભાવો સ્થિર રહયા બાદ આજે ભાવ વધારો થયો છે.
કોરોના વાયરસના સમયમાં એક તરફ ઘોંઘવારી અને બેરોજગારીએ માઝા મુકી છે. ત્યારે સરકાર અને ઓઇલ કંપનીઓ ઇંધણના ભાવમાં સતત વૃધ્ધી કરી જનતા પર આર્થીક બોજ વધારી રહી છે.પેટ્રોલ ડીઝલ સતત મોંઘુદાટ થતા માલ સામાન પરીવહનને અસર પડતા ચીજ વસ્તુઓના ભાવ વધી રહયા છે. ગરીબ-મધ્યમ વર્ગને વાહન ચલાવવા રોજ પેટ્રોલ ડીઝલની જરુરીયાત હોય સરકાર અને ઓઇલ કંપનીઓ રાહત આપવાના બદલે ભાવ વધારાનો આર્થીક બોજ લાદી રહી છે. આજે પેટ્રોલ રૂ.82 ને પાર અને ડીઝલ રૂ.81 ને પાર વેચાણમાં છે. ત્રણ દિવસ ભાવો સ્થિર રહયા બાદ આજે 24 પૈસાના વધારા સાથે રૂ.82.56 પેટ્રોલ અને 27 પૈસાના વધારા સાથે રૂ.81.24 ડીઝલ વેચાણમાં છે.