રાજકોટ, તા. 22
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ સવારે અનેક સ્થળોએ હવામાં ભેજ 90 ટકા ઉપર નોંધાતા ગાઢ ધુમ્મસ છવાયુ હતું અને આ ધુમ્મસથી અસર મોડી સવાર સુધી દેખાઇ હતી. રાજકોટ સહિત અનેક સ્થળોએ આજે સૂર્યદેવતા એ પણ મોડેથી દર્શન દીધા હતા. ગાઢ ધુમ્મસ અને વાદળોના કારણે સૂર્યદેવતા ઢંકાયેલા રહ્યા હતા. દરમ્યાન આજરોજ ઠંડી પણ સામાન્ય રહેવા પામી હતી. આજે સવારે ઠેર ઠેર છવાયેલા ગાઢ ધુમ્મસનાં કારણે ખાસ કરીને હાઇવે ઉપર વાહન ચાલકોને દૂરનું દ્રશ્ય જોવામાં ખુબ જ મુશ્કેલી પડી હતી.રાજકોટમાં આજે સવારે હવામાં ભેજ 96 ટકા રહેતા મોડી સવાર સુધી ધુમ્મસ છવાયેલુ રહ્યું હતું. તેમજ સવારે ઠંડી સામાન્ય રહી હતી અને ન્યુનતમ તાપમાન 15.1 ડીગ્રી નોંધાયુ હતું.
કચ્છમાં જોકે આજે નલિયા ખાતે તિવ્ર ઠંડીમાં રાહત રહી હતી, નલિયામાં આજે સવારે લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી રહ્યું હતું. તેમજ નલિયા, ભુજ, કંડલા ખાતે પણ સવારે હવામાં ભેજ 90 ટકાથી વધુ રહેતા ધુમ્મસની ચાદર છવાઇ હતી. સવારે ભુજનું લઘુતમ તાપમાન 15 ડિગ્રી અને કંડલા ખાતે 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.દરમ્યાન આજે રાજયનું સૌથી ઠંડુ શહેર 8.8 ડીગ્રી સાથે પાટનગર ગાંધીનગર રહ્યું હતું. જ્યારે વલસાડ 10.5 ડિગ્રી સાથે ઠંડીમાં બીજા ક્રમે રહેવા પામ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ, કેશોદ, ડીસામાં પણ સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. અમદાવાદમાં આજે સવારે ન્યુનતમ તાપમાન 11.1 ડિગ્રી, કેશોદમાં 11.4 અને ડીસામાં 12 ડીગ્રી લુઘતમ તાપમાન નોંધાયુ હતું.
તેમજ આજે સવારે વડોદરામાં 14.4 ડીગ્રી સુરતમાં 14.4 ડીગ્રી, ભાવનગરમાં 15.4, પોરબંદરમાં 15.9, વેરાવળમાં 16.9, દ્વારકામાં 20.2, ઓખામાં 18.9, સુરેન્દ્રનગરમાં 14.5, અમરેલીમાં 14.3, મહુવામાં 12.5, દિવમાં 12.8 અને વલ્લભવિદ્યાનગરમાં 13.3 ડીગ્રી લુઘતમ તાપમાન નોંધાયુ હતું.ખંભાળીયા પંથકમાં પણ આજરોજ વહેલી સવારથી ઝાકળભર્યો માહોલ છવાયો હતો. ખંભાળીયા તાલુકામાં આજે સવારથી ઉતરી આવેલી ગાઢ ધુમ્મસે માર્ગો પર પાણીની આછી પરત બિછાવી હતી. સવારના સમયે ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોએ હાલાકી અનુભવી હતી. સુર્યનારાયણના દર્શન પણ મોડા થયા હતા. આ વચ્ચે આજે તાપમાનનો પારો ઉંચકાયો હતો અને કાતિલ ઠંડીથી થોડી રાહત અનુભવાઇ હતી.