NPCIની સિસ્ટમ આજ રાતથી થશે અપગ્રેડ: નાણાંની લેવડ-દેવડ દિવસે જ કરી લેજો

22 January 2021 11:37 AM
India
  • NPCIની સિસ્ટમ આજ રાતથી થશે અપગ્રેડ: નાણાંની લેવડ-દેવડ દિવસે જ કરી લેજો

રાત્રે 1થી 3 વાગ્યા વચ્ચે અપગ્રેડેશન શરૂ થશે જે આવનારા દિવસો સુધી યથાવત રહેશે: ઓનલાઈન પેમેન્ટ કરતાં અનેક યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે

નવીદિલ્હી, તા.22
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) આજ રાતથી આવનારા અમુક દિવસો સુધી પોતાની સિસ્ટમને અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. પોતાના ટવીટર એકાઉન્ટ ઉપર આ વાતની જાણકારી આપતાં ડિઝિટલ પેમેન્ટ પ્લેટફોર્મે કહ્યું કે આજે રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી અમે પોતાની સિસ્ટમને અપગ્રેડ કરશું. આ અપગ્રેડેશન આવનારા થોડા દિવસો સુધી ચાલશે જેના કારણે યુઝર્સે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.


એનપીસીઆઈએ અત્યારે એ વાતની જાણકારી નથી આપી કે અપગ્રેડેશનનું કામ કેટલા દિવસ ચાલશે પરંતુ તેમાં થોડા દિવસો તો જરૂર લાગશે જ. આવામાં જે યુઝર્સ પેમેન્ટ કરે છે તેમણે દિવસે જ પોતાનું કામ પતાવી લેવું પડશે. ટવીટર પર એનપીસીઆઈએ કહ્યું કે શ્રેષ્ઠ પેમેન્ટ અનુભવ માટે અમે અમારું યુપીઆઈ પ્લેટફોર્મ અપગ્રેડ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે એનપીસીઆઈ પોતાની વેબસાઈટને સાયબર હુમલાથી બચાવવા માટે સતત તેમાં ફેરફાર કરી રહ્યું છે.


આ માટે લોકોનો પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. એનપીસીઆઈએ તેના માટે અનેક ટેક્નોલોજી બનાવી છે જેના થકી સાયબર એટેકથી બચી શકાશે. ઉલ્લેખનીય છે કે ભીમ યુપીઆઈ પ્લેટફોર્મ ઉપર કુલ 165 બેન્ક લિસ્ટેડ છે. ઓક્ટોબર 2020માં એનપીસીઆઈએ એન્ડ્રોઈડ ઉપર કુલ 155.14 મિલિયન યુઝર્સ નોંધ્યા હતા જ્યારે આઈઓએસ ઉપર 2.94 મિલિયન યુઝર્સ નોંધાયા હતા. કોરોના કાળ દરમિયાન ડિઝિટલ પેમેન્ટમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. ફોન-પેએ આ દરમિયાન ડિસેમ્બર મહિનામાં ગૂગલ-પેને યુપીઆઈ પેમેન્ટમાં પાછળ છોડી દીધું હતું.


Related News

Loading...
Advertisement