રાજકોટ તા.22
દિલ્હીમાં ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર ધ રેડીયસ પાર્ટી પ્લોટની બાજુમાં ધ લાયન વોટર પાર્ક સામે મુંજકા ખાતે ખેડૂત સંમેલન યોજવા પોલીસ કમિશ્નર પાસે મંજૂરી માંગવામાં આવી હતી. આજે કાર્યક્રમ છે તેના પૂર્વ ગત સાંજ સુધી કાર્યક્રમને મંજૂરી ન અપાતા કોંગી આગેવાનો મોડી રાત્રી સુધી જિલ્લા પંચાયત ખાતે ધરણા યોજી બેઠા હતા તેની અટકાયત કરી પોલીસે 7 સામે જાહેરનામા ભંગનો ગુનો નોંઘ્યો હતો.
જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ, મનપાના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, ઉપલેટાના ખેડૂત આગેવાન ડાયાભાઇ નાનજીભાઇ ગજેરા, ભાવેશભાઇ લુણાગરીયા, ભુપતસિંહ રાહુભા ઝાલા, ચાંદનીબેન પિયુષભાઇ ખંભાળીયા, હરિશચંદ્રસિંહ ભરતસિંહ જાડેજા ગાદલા પાથરી ધરણા કરી રહ્યા હતા ત્યારે સાડા દસેક વાગ્યા આસપાસ એ-ડીવીઝન પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને સાતેય લોકોની અટકાયત કરી હતી અને કોરોના ગાઇડ લાઇન તથા જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંઘ્યો હતો. બીજી તરફ રાત્રે પોણા દસેક વાગ્યે પોલીસે એક પ્રેસ યાદી જાહેર કરી હતી જેમાં ખેડૂત સંમેલનને કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે 200 લોકોને હાજર રહેવા મંજૂરી આપી હતી. સભા માટે બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંજૂરી અપાઇ છે.