ગણતંત્ર દિવસે દિલ્હીને ગજવશે ખેડૂતો: એક લાખથી વધુ ટ્રેક્ટર ધણધણાટી બોલાવશે

22 January 2021 11:23 AM
India Politics
  • ગણતંત્ર દિવસે દિલ્હીને ગજવશે ખેડૂતો: એક લાખથી વધુ ટ્રેક્ટર ધણધણાટી બોલાવશે

ટ્રેક્ટર પરેડથી બ્લુ પ્રિન્ટ તૈયાર: 20થી વધુ રાજ્યોમાંથી ખેડૂતોને ટ્રેક્ટર સાથે બોલાવાયા: શાંતિપૂર્ણ પરેડ પૂર્ણ કરાવવાનો સરકાર-તંત્ર સામે પડકાર

નવીદિલ્હી, તા.22
ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડની સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે. ટ્રેક્ટર પરેડમાં 20થી વધુ રાજ્યોના ખેડૂતો આવશે અને પરેડમાં અંદાજે એક લાખ ટ્રેક્ટરની ધણધણાટી સંભળાય તેવી સંભાવના છે. એક ટ્રેક્ટરમાં ચારથી પાંચ જ ખેડૂતો બેસી શકશે તો આ ટ્રેક્ટર પરેડમાં પાંચ હજારથી વધુ વોેલેન્ટીયર્સ વોકી-ટોકી સાથે સંપૂર્ણ વ્યવસ્થા સંભાળશે જેનાથી કોઈ તોફાની તત્ત્વ તેવા સામેલ થઈને માહોલને બગાડી ન નાખે.


એ વોલેન્ટીયર્સ પાસે લીલા કલરનું જેકેટ હશે તો દરેક પાસે ફર્સ્ટ એડ બોક્સ પણ રહેશે. આ સાથે જ ખેડૂત નેતાઓએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે આઉટર રિંગ રોડ પર નીકળનારી આ પરેડમાં ઠેર-ઠેરથી ખેડૂતો સામેલ થવાના છે. જો કે ખેડૂત નેતાઓએ ટ્રેક્ટર પરેડ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે પરંતુ પરેડને શાંતિપૂર્ણ રીતે પૂરી કરવાનો તેમની સામે મોટો પડકાર પણ રહેશે. કૃષિ કાયદો રદ્દ કરવાની માંગને લઈને ખેડૂતો છેલ્લા 57 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને સરકાર સાથે અનેક તબક્કાની વાતચીત છતાં હજુ સુધી કોઈ નિર્ણય થઈ શક્યો નથી જેના કારણે ખેડૂતોએ દિલ્હીમાં આઉટર રિંગરોડ પર ટ્રેક્ટર પરેડ કાઢવાનું એલાન કર્યું છે.


પરેડને ખેડૂતો ઐતિહાસિક બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. ગણતંત્ર દિવસની ટ્રેક્ટર પરેડ માટે ખેડૂત નેતાઓ અલગ અલગ રાજ્યોમાં પહોંચીને વધુમાં વધુ ખેડૂતોને દિલ્હીની સીમા પર પહોંચવાનું આહ્વાન કરી રહ્યા છે. ખેડૂત નેતાઓનો દાવો છે કે ગણતંત્ર દિવસની ટ્રેક્ટર પરેડમાં 20 રાજ્યોમાંથી ખેડૂતો ભાગ લેશે. આ રાજ્યોમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, તામીલનાડુ, કેરળ સહિતના સમાવિષ્ટ છે.


ખેડૂત નેતાઓના જણાવ્યા મુજબ દિલ્હીથી નજીક આવેલા રાજ્યો પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડના ખેડૂતો ટ્રેક્ટર લઈનેસામેલ થશે અને આ રીતે એક લાખથી વધુ ટ્રેક્ટરો પરેડમાં સામેલ થશે. જ્યારે અન્ય રાજ્યોમાંથી માત્ર ખેડૂતો આવીને પરેડમાં સામેલ થશે.


Related News

Loading...
Advertisement