ઓસ્ટ્રેલિયાથી પરત હૈદરાબાદ આવેલો સિરાજ એરપોર્ટથી સીધો પિતાની કબર પર પહોંચ્યો

21 January 2021 10:23 PM
India Sports
  • ઓસ્ટ્રેલિયાથી પરત હૈદરાબાદ આવેલો સિરાજ એરપોર્ટથી સીધો પિતાની કબર પર પહોંચ્યો

પિતા મોહમ્મદ ગોસની કબર પર પહોંચતા તેણે ભીની આંખે શ્રદ્ધાંજલી અર્પી, ફૂલ અર્પણ કર્યા

હૈદરાબાદ:
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર મહંમદ સિરાજ આજે ગુરુવારે ભારત પરત ફર્યો. હૈદરાબાદ એરપોર્ટ પરથી સીધો જ સિરાજ પોતાના પિતાની કબર પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સિરાજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતો ત્યારે જ 20 નવેમ્બરે તેમના પિતાનું અવસાન થયું હતું. જોકે, કોરોના પ્રોટોકોલના કારણે સિરાજ તેના પિતાના અંતિમ સંસ્કારમાં પહોંચી શકયો નહોતો. ઉપરાંત વંશીય ટિપ્પણીને લઈ સિરાજ સિરીઝ દરમિયાન લોકોના કેન્દ્રમાં રહ્યો હતો.

પિતા મોહમ્મદ ગોસની કબર પર પહોંચતા તેણે ભીની આંખે શ્રદ્ધાંજલી આપી હતી. ઓસ્ટ્રેલિયા સીરિઝ દરમિયાન સિરાજે કેટલાક વ્યક્તિગત રેકોર્ડ બનાવ્યા. જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી, ત્યારે હૈદરાબાદમાં સિરાજના માતા, ભાઈ અને મિત્ર ભાવુક થઇ ગયા હતા. બીજી ઇનિંગમાં સિરાજે પ્રથમ વખત 5 વિકેટ ઝડપી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સિરાજ ગાબામાં ઇનિંગમાં 5 વિકેટ ઝડપનાર પાંચમો ભારતીય બોલર બન્યો. તેણે કુલ 13 વિકેટ ઝડપી હતી.

સિરાજે કહ્યું, હું સીધો ઘરે ગયો ન હતો, હું સીધો એરપોર્ટથી કબ્રસ્તાન ગયો હતો. ત્યાં હું મારા પિતાની કબર પાસે થોડો સમય બેસી રહ્યો. હું તેની સાથે વાત કરી શક્યો નહીં પણ કબર પર ફૂલો ચઢાવીને આવ્યો, આ પછી હું મારા ઘરે ગયો. જ્યારે હું મારી માતાને મળ્યો ત્યારે તેઓ રડવા લાગ્યા. આ પછી મેં તેમને સંભાળવા પ્રયાસ કર્યો, દિલાસો આપ્યો અને કહ્યું કે, રડશો નહીં. તે ખૂબ જ મુશ્કેલ લાગણી હતી. તેનો પુત્ર 6-7 મહિના પછી ઘરે પરત આવે છે. માતા હંમેશાં મારા ઘરે આવવાની રાહ જોતી હતી. હું ઘરેથી નીકળ્યો ત્યારથી, તે મારા પાછા ફરવાના એક-એક દિવસની ગણતરી કરી રહેતા હતા.

◆ બીસીસીઆઈએ સિરાજને પરત ફરવાનો વિકલ્પ આપ્યો'તો

ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ સીધી દુબઈથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ સિરાજને તેના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. તે બાયો બબલમાં હતો, તેથી તે તોડ્યા પછી તે ભારત પાછો ફરી શક્યો નહીં. બીસીસીઆઈએ તેમને ઘરે પાછા ફરવાનો વિકલ્પ આપ્યો ત્યારે સિરાજે કહ્યું હતું કે, મારા પિતા મને સૌથી વધુ સપોર્ટ કરતા હતા. આ મારા માટે ખૂબ જ મોટું નુકશાન છે. તેમનું સ્વપ્ન હતુ કે હું ભારત માટે ટેસ્ટ રમું અને પોતાના દેશનું નામ રોશન કરુ. તેથી સિરાજ ઓસ્ટ્રેલિયામાં રોકાયો અને શાનદાર પ્રદર્શન કર્યું.

◆ પરિવારજનોએ કહ્યું તું, પિતાજીના સ્વપ્નને પૂરુ કરીને આવો

આજે હૈદરાબાદ ખાતે પહોંચેલા મોહમ્મદ સિરાજે જણાવ્યું કે પિતાજીના દેહાંતના સમાચાર મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. મે ઘરે પરિવારજનો સાથે વાત પણ કરી, તેમણે મને કહ્યું કે, પિતાજીના સ્વપ્નને પૂરુ કરીને આવો. મારા મંગેતરનો પણ મારા સારા પ્રદર્શનમાં ખૂબ મોટો હાથ હતો, તેણે મને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. ટીમે પણ ખૂબ સાથ આપ્યો. જ્યારે રમતના મેદાનમાં સિરાજ પર વંશીય ટિપ્પણી થઈ ત્યારે આ અંગે સિરાજે અમ્પાયરને જણાવ્યું કે કેસ ચાલી રહ્યો છે, જોઇએ ન્યાય મળે છે કે નહીં. સામે અમ્પાયરે કહ્યું હતુ કે તમે રમત છોડીને મેદાન બહાર જઇ શકો છો, પરંતુ સિરાજે કહ્યું કે અમે રમતનો આદર કરીએ છીએ, અમે રમત છોડીને નહીં જઇએ.


Related News

Loading...
Advertisement