સુરત તા. 21 : કૃષિ કાયદાઓ રીલાયન્સ સહીતની કંપનીઓને ફાયદો કરાવવા માટે લાવવામાં આવ્યો હોવાના આક્ષેપો લગાડવામાં આવી રહયા છે. તેવા સમયે જીયો બ્રાન્ડના અનાજની થેલી-લોટ પેકીંગના ફોટા સોશ્યલ મીડીયામાં વાઇરલ થતા રીલાયન્સ મેનેજમેન્ટ ચોકી ઉઠયુ હતુ. રીલાયન્સ કંપનીના પરીમલ નથવાણીએ પોલીસ કમીશ્નરને ઇ-મેલ કરી કાર્યવાહી કરવા માંગણી કરતા સુરત સચીન પોલીસે ટ્રેડીંગ કંપનીમાંથી મુદામાલ જપ્ત કરી ધરપકડ કરી બાદમાં જામીન મુકિત કર્યા હતા.
સુરતની કે રાધા કૃષ્ણ ટ્રેડીંગ કંપનીનાં માલીક સંચાલકો વિરુધ્ધ જીયો ના ટ્રેડમાર્કનો દુર ઉપયોગ કરી અનાજની થેલીઓ અને લોટ પેકીંગ વેચવા બદલ કંપનીના સૌરવ પ્રકાશ ભાત્રાએ સચીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા આ વેપારીઓની ધરપકડ કરી કોપીરાઇટ એકટની કલમો લગાવી બાદમાં તમામને જામીન મુકત કરી દીધા હતા.રિલાયન્સ જીયો એક મોટી બ્રાન્ડ હોવાના કારણે કેટલાક નાના મોટા વેપારીઓ પોતાના ધંધા માટે જીયોના ટ્રેડમાર્કનો ઉપયોગ પોતાના ધંધા માટે ઉપયોગ કરતા હોય છે. જેમાં સુરત પોલીસે હવે કાર્યવાહી શરુ કરી છે.