પાન-ફાકીના શોખીનોને આવશે ‘ડામ’, તમાકુમાં તોળાઈ રહેલો 50 રૂપિયાનો વધારો

21 January 2021 03:46 PM
Business
  • પાન-ફાકીના શોખીનોને આવશે ‘ડામ’, તમાકુમાં તોળાઈ રહેલો 50 રૂપિયાનો વધારો

બજેટમાં ભાવવધારો જાહેર થાય તે પહેલાં જ એજન્સીઓએ તમાકુનો જથ્થો સંગ્રહવાનું શરૂ કરી દેતાં તમાકુની ‘કૃત્રિમ’ અછત ઉભી થવા લાગી: ફાકીનો ભાવ 20થી 25 રૂપિયા થવાની સંભાવના:‘કોરોનાસેસ’ લાગુ પડવાની વહેતી થયેલી અટકળ: ડબ્બાનો ભાવ 250ને પાર કરી જશે: અત્યારે જૂના ભાવે અપાઈ રહેલા માત્ર એકાદ-બે ડબ્બા

રાજકોટ, તા.21
પાન-ફાકી ચાવવાના દરરોજ નવા-નવા રેકોર્ડ સર કરતાં રાજકોટના વ્યસનીઓનું ખીસ્સું હળવું થઈ જવાની ઘડીઓ ગણાઈ રહી છે. દર વર્ષે જાહેર થતાં બજેટમાં ખાસ કરીને તમાકુ ઉપર જબ્બર ટેક્સ લાદવામાં આવતો હોવાથી ભાવવધારો થતો હોય છે. આ વર્ષે કોરોના મહામારીએ માજા મુકી હોવાથી તમાકુ ઉપર ‘કોરોના સેસ’ લાગવાની અટકળો પણ વહેતી થઈ રહી હોવાથી તોતિંગ વધારો આવવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે ત્યારે તમાકુનું વેચાણ કરતી એજન્સીઓએ અત્યારથી જ જૂનો માલ સંગ્રહવાનું શરૂ કરી દેતાં શહેરમાં ‘કૃત્રિમ’ અછત ઉભી થઈ ગઈ છે અને અનેક પાનની દુકાનોએ અત્યારથી જ ભાવવધારો પણ કરી દીધો હોવાનો ગણગણાટ પાન-ફાકી રસિકો કરી રહ્યા છે.


આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, 138 તમાકુના ભાવમાં પચાસેક રૂપિયા જેટલો વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે. હાલ આ તમાકુનો નાનો ડબ્બો 205 રૂપિયામાં વેચાઈ રહ્યો છે અને જો 50 રૂપિયાનો વધારો થાય તો ડબ્બાનો ભાવ 255 રૂપિયા થઈ જશે. તેમાં પણ જો તમાકુ પર ‘કોરોનાસેસ’ લાગુ કરવામાં આવશે તો ડબ્બો 275 આસપાસ પહોંચે તેવી સંભાવના સેવાઈ રહી છે.દર વર્ષે બજેટ જાહેર થાય એટલે તમાકુ ઉપર આકરો ટેક્સ લાદવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ટેક્સ ઉપરાંત સેસ પણ આવે તેવી સંભાવના જોઈને પાનની એજન્સીઓએ જૂનો માલ અત્યારથી જ ‘કવર’ કરી લઈને કૃત્રિમ અછત ઉભી કરી દીધી છે અને જેવો ભાવવધારો લાગુ પડશે કે તુરંત આ જૂનો માલ કાઢીને તેને નવા ભાવે વેચવા લાગશે તેવું પાનની દુકાનના ધંધાર્થીઓ જણાવી રહ્યા છે.પાનની દુકાનના ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે અત્યારે જો કોઈ દુકાનદાર એક સાથે તમાકુના પાંચ ડબ્બા લેવા જાય તો તેને ઘસીને ના પાડી દેવામાં આવે છે અને એકાદ ડબ્બાથી જ ગાડું ગબડાવવાનું કહેવામાં આવે છે. બજેટ જાહેર થવાને હજુ સપ્તાહ જેટલો સમય બાકી છે તે પહેલાં જ જૂનો માલ સંગ્રહવાનું શરૂ કરી દેવામાં આવતાં ધંધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

‘મિક્સિગં’નું પ્રમાણ વધી જશે, ખાવામાં રાખજો ધ્યાન !
તમાકુના ભાવમાં જેવો વધારો થાય એટલે પાનના ધંધાર્થીઓ તમાકુમાં ‘મિક્સિગં’ કરવાનું શરૂ કરી દે છે. ખાસ કરીને ઓરિજનલ તમાકુ સાથે ધંધાર્થીઓ ‘જાફરો’ મીક્સ કરતાં હોવાથી પાન-ફાકી ખાતાં લોકોએ પૂરા પૈસા ચૂકવવા પડે છે પરંતુ તેમને વસ્તુ હલ્કી કક્ષાની મળે છે. આ ઉપરાંત મિક્સિગંવાળી તમાકુ ખાવાથી સ્વાસ્થ્યને પણ બમણું નહીં પરંતુ ચારગણું નુક્સાન જેવું કે ગળું પકડાઈ જવું, તમાકુનો કેફ વધુ પડતો થઈ જવો સહિતની હેરાનગતિ થવા લાગે છે.

રાજકોટમાં પાનની ચાર હજાર દુકાન, 10થી 17 રૂપિયામાં મળે છે ફાકી
રંગીલા રાજકોટમાં પાન-ફાકી ખાવાનું ચલણ કેટલી હદે વ્યાપી ગયું છે તેનો અંદાજ એ વાત પરથી આવી જાય છે કે શહેરમાં અત્યારે પાનની ચારેક હજાર જેટલી દુકાનો સંચાલિત થાય છે અને દરરોજ લાખોની સંખ્યામાં રાજકોટીયન્સ ફાકી ચાવી જાય છે. શહેરમાં અત્યારે 10 રૂપિયાથી લઈ 17 રૂપિયા સુધીના ભાવે ફાકી મળે છે. 10 રૂપિયાની ફાકીનું ક્વોલિટી અત્યંત હલ્કી કક્ષાની હોવાનું પાનના ધંધાર્થીઓ જણાવી રહ્યા છે ત્યારે 17 રૂપિયાની ફાકીમાં તમામ પ્રકારની વસ્તુ જેવી કે સોપારી, તમાકુ, ચૂનો બધું અસલ વાપરવામાં આવે છે. જો કે હવે ભાવવધારો તોળાઈ રહ્યો હોવાથી 10 રૂપિયાની ફાકીના 15 અને 17 રૂપિયાની ફાકીના 20થી 25 રૂપિયા થઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.


Related News

Loading...
Advertisement