ભગવાન રામચંદ્રના આદેશથી તેમના ભ્રાતા ભરતે તે વખતના ગાંધાર પ્રદેશ પર શાસનકર્તા મોગલોને પરાસ્ત કરી પોતાનું શાસન સ્થાપી તક્ષશીલા અને કોંકણપૂર નામક બે શહેર વસાવ્યા અને સ્વતંત્ર રઘુવંશી રાજયની સ્થાપના કરી. લોહારાણાઓનો શોર્ય, વીરતા અને મર્દાનગીભર્યો ઇતિહાસ છે. જયાં સુધી લોહારાણાઓનું રાજય હતું ત્યાં સુધી વિદેશી આક્રમણકારો ભારત પર હુમલો કરવાની હિંમત કરી શકયા નહોતા. રઘુવંશી એટલે ગૌબ્રાહ્મણ પ્રતિપાળ ઇતિહાસકાર કર્નલ રોડ લખે છે ભારતની પ્રાચીનતમ કોઇ જાતિ હોય તો તે લોહારાણા (લોહાણા) છે. જયારે કર્નલ જેમ્સ રોડએ પોતાની ઇતિહાસ નોંધમાં લખ્યુ છે કે ભારતના પ્રાચીન સૂર્યવંશીઓ લોહારાણાઓ વીર, શૂરવીર અને ગૌરવ સંપન્ન પ્રજા છે. માના ધાવણમાંથી હિન્દુત્વ માટે પ્રેરણા મળે છે. આથી લોહારાણા વીરદાદા જસરાજને વિવિધ પ્રદેશની પ્રજા પોતાના માની તેમની પૂજા, આરાધના વંદના કરે છે.
પિતા વસુપાળ અને માતા રન્નાદેની કુખે દાદા જસરાજનું અવતરણ થયું. પ્રાચીન સમયથી હિન્દુઓની સમૃઘ્ધિ અને જાહોજલાલી ઉપર ઇસ્લામિક શાસકોની બૂરી નજર રહી છે. મહમદ ગઝનીના પુત્ર જલાલુદ્દીનને દાદા જશરાજના મામા હરપાળ ઠકરારે હરાવ્યો બાદમાં આ જલાલુદ્દીનના હુકમથી ફિરોઝખાને કાબુલની હદમાં છાવણી નાખી કપટ કરી હરપાળ ઠકરારને દગાથી મારી નાખ્યા. મામાની હત્યાથી દાદા જશરાજ અને તેમના બંધુ વચ્છરાજ ગુસ્સે ભરાયા અને અપંગ વચ્છરાજ અભૂતપૂર્વ વીરતાથી ફિરોઝખાન સામે લડયા અને વિષ પાયેલા ફાગાથી ફિરોઝખાનને મારી નાખી ધરતી પરનો ભાર હળવો કર્યો. આજ વીરપુરૂષ વચ્છરાજ આજે વાછડાદાદા તરીકે સર્વત્ર પૂજાય છે.
સૂર્યકુમારી સાથે વસંતપંચમીના રોજ લગ્ન નિર્ધારીત થયા પણ આરબો, ઇરાનીઓ, તાર્તરો અને ગીઝનીઓએ કાવતરૂ રચ્યુ. ગાયો લૂંટી દાદા જશરાજ લગ્ન મંડપમાંથી ગાયો બચાવવા દોડયા દુશ્મન સૈનિકોની લોથો ઢળવા માંડી. આ કાળો કેર કોઇ શત્રુઓએ દગો કર્યો. એક યોઘ્ધાને લોહર સૈનિકનો વેશ પહેરાવ્યો અને એ સૈનિકે દાદા પર સાંગનો વાર કર્યો. મસ્તક કપાયુ પણ ધડ બબ્બે દિવસ લડતુ રહ્યું. એ દિવસથી લોહાણાઓએ પ્રતિજ્ઞા કરી કે હવેથી લગ્ન સમયે પ્રત્યેક લોહારાણા યુવાન સફેદ પાઘડી પહેરશે અને તેના પર કંકુ છાંટશે. જયારે લોહારાણીઓ સફેદ પાનેતર પહેરશે. આજે પણ આ પરંપરા ચાલુ છે.
કુંવર જસરાજ માતા મોમાય અને નાગ દાદાની પુજા કરતા હતા જેમાં તેમને અતૂટ શ્રઘ્ધા અને વિશ્ર્વાસ હતો એજ એમની શકિત હતી. લોહર કોટના એ સમયના રાણા શ્રી વસ્તુપાળનો છળકપટથી ઇસ્લામીક રાજા બીસમારગીન ઇરાની અને દુરાનીઓએ વધ કરતા તા.15/1/1048ને શુક્રવાર વિક્રમ સંવત 1103, હીજરી સન 439ના દીને કુંવર વચ્છરાજને લોહાર કોટના નવા મહારાણા તરીકે સ્થાપિત કરાયા. પરન્તુ એક પગે અપંગતા હોવાથી દીલાવર દીલના વચ્છરાજ દાદાએ જાતે પોતાના નાના ભાઇ જસરાજને રાજતીલક કરી લોહાર કોટના નવા મહારાજની જાહેરાત કરી.
તા.21/01/1058, મહાસુદ પ એટલે વસંત પાંચમ, વિક્રમ સંવત 1113ના શુભ દીને રૂડા માંડવા રોપણા હતા અને ફેરા ફરવાની તૈયારી ચાલતી હતી એ સમયે ફેરા કર્યા વગર ગાયો અને ધર્મના રક્ષણ માટે વીર જસરાજ દાદા અધર્મીઓ સાથે યુઘ્ધ કરતા વીરગતી પામ્યા હતા. તેમના દેહને બીજા દિવસે તા.22/1/1058ના દિવસે અગ્નિ સ્નાનથી સંપન્ન કરવામાં આવ્યો. વિક્રમ સંવત 2076ના પોષ તેરસના શુભ દિને 962 વર્ષ પૂરા થશે. આ હતા લોહાર કોટના છેલ્લા મહારાણા (લોહારાણા અને સમય જતા જે બન્યા લોહાણા) દાદા વીર જસરાજ જે આજે પણ હાજરા હજુર છે જે સાચી શ્રઘ્ધાથી પૂજા અર્ચના કરે છે દાદાએની આજે પણ રક્ષા કરે છે.