એક છેડો સાચવી રાખવાની રણનીતિના ભાગરૂપે જ ચેતેશ્વર ધીમી બેટિંગ કરતો’તો

21 January 2021 12:24 PM
Sports
  • એક છેડો સાચવી રાખવાની રણનીતિના ભાગરૂપે જ ચેતેશ્વર ધીમી બેટિંગ કરતો’તો
  • એક છેડો સાચવી રાખવાની રણનીતિના ભાગરૂપે જ ચેતેશ્વર ધીમી બેટિંગ કરતો’તો

ચિન્ટુને આંગળી પર બોલ વાગ્યો ત્યારે ચિંતા થઈ હતી પણ તેણે પીડાને બેટીંગ પર અસર ન થવા દીધી : આ મેચ એકલા ચેતેશ્ર્વરે નહીં તમામ ખેલાડીઓએ જીતાડ્યો: ક્રિકેટમાં વ્યક્તિ નહીં, ટીમ મહત્ત્વની: ચેતેશ્ર્વર ‘આઉટ ઓફ રન’ હોઈ શકે, ‘આઉટ ઓફ ફોર્મ’ નહીં: અરવિંદ પુજારા: ગમે તે થાય ‘હુક’ અને ‘પુલ’ શોટ નહીં જ રમવાના નિર્ણયને કારણે ચેતેશ્ર્વરને વારંવાર બોલ વાગ્યા: ઈંગ્લેન્ડ સામેની શ્રેણી વધુ ‘સ્પર્ધાત્મક’ હશે: આખી ઓસ્ટ્રેલિયન ટીમે એકલા ચેતેશ્ર્વરને રન બનાવતો અટકાવવા શ્રેણી પહેલાં જ રણનીતિ ઘડી હતી જેમાં તેમને અડધી સફળતા જ મળી: ટીમ ઈન્ડિયાની ‘ધ વોલ’ ચેતેશ્ર્વર પુજારાના પિતાની ‘સાંજ સમાચાર’ સાથે વાતચીત

રાજકોટ, તા.20
ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવવાનું સ્વપ્ન અત્યારે  વિશ્વની દરેક ટીમ સેવી રહી હોય છે. આ જ સ્વપ્ન સાથે ટીમ ઈન્ડિયા પણ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી હતી. એડિલેડ ટેસ્ટમાં જે રીતે કારમો પરાજય મળ્યો હતો તેને જોતાં સૌ કોઈ માનવા લાગ્યા હતા કે ભારત માટે જીતવું હવે અશક્ય બની ગયું છે. જો કે અશક્યને શક્ય બનાવવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા ભારતે મેલબોર્ન, સિડની અને ખાસ કરીને બ્રિસ્બેનના ગાબામાં પ્રદર્શન કરી બતાવ્યું છે તેને જોઈને અત્યારે દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલી ગઈ છે. સિડની અને બ્રિસ્બેન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા વતી ‘ધ વોલ’ની ભૂમિકા ભજવનારા રાજકોટના ચેતેશ્વર પુજારાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી અને બ્રિસ્બેન ટેસ્ટની જીતનો શ્રેય કેપ્ટન રહાણેએ ચેતેશ્વરને આપ્યો હતો. દરમિયાન આજે ચેતેશ્વર પુજારાના પિતા અને કોચ અરવિંદભાઈ પુજારાએ ‘સાંજ સમાચાર’ સાથે નિખાલસમને વાતચીત કરતાં કહ્યું હતું કે ચેતેશ્વરને ધીમું બેટિંગ કરતો જોઈને નિષ્ણાતો કહેવા લાગ્યા હતા કે આ વખતે ચેતેશ્વર ‘આઉટ ઓફ ફોર્મ’ રમી રહ્યો છે પરંતુ હું સ્પષ્ટ કરી દઉં છે કે ચેતેશ્વર ‘આઉટ ઓફ ફોર્મ’ નહીં બલ્કે ‘આઉટ ઓફ રન’ છે. બેટિંગ વખતે એક છેડો સાચવી રાખવાની મળેલી જવાબદારીના ભાગરૂપે જ ચેતેશ્વરે ધીમું બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયન બોલરોને હંફાવ્યા હતા.


અરવિંદભાઈ પુજારાએ જણાવ્યું હતું કે જીતનો શ્રેય ભલે ચેતેશ્વરને આપવામાં આવતો હોય પરંતુ આ ચેતેશ્વર નહીં પરંતુ આખી ટીમની જીત છે કેમ કે ક્રિકેટમાં ક્યારેય કોઈ વ્યક્તિ નહીં, ટીમ મહત્ત્વની બનતી હોય છે. ટેસ્ટ શ્રેણી શરૂ થઈ તે પહેલાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમે ચેતેશ્વરને  રન બનાવતો અટકાવવા માટે રણનીતિ ઘડી હતી પરંતુ તેમાં તેમને 50 ટકા સફળતા જ મળી છે કેમ કે ઓસ્ટ્રેલિયાની બોડીલાઈન બોલિંગનો તેણે ક્રિઝ પર અડીખમ રહીને ઉમદા સામનો કર્યો છે. બ્રિસ્બેન ટેસ્ટમાં ચેતેશ્વરને અનેક વખત બોલ વાગ્યો હતો પરંતુ આ બધામાં જ્યારે તેને આંગળી પર બોલ વાગ્યો ત્યારે મને ચિંતા થઈ ગઈ હતી કેમ કે આ ક્ષણ એવી હતી જ્યારે ચેતેશ્ર્વર બેટિંગ ન પણ કરી શકે તેવી સ્થિતિ નિર્માણ પામી શકે તેમ હતી આમ છતાં તેણે ઈજાની પરવા કર્યા વગર બેટિંગ કરીને 56 રન બનાવ્યા હતા જે મહત્ત્વના સાબિત થયા છે.


ચેતેશ્વરે પાછલી સિરીઝમાં 500થી વધુ રન બનાવ્યા હતા પરંતુ તે વખતે તે ‘હુક’ અને ‘પુલ’ શોટ રમવા જતાં આઉટ થયો હતો તેથી આ શ્રેણીમાં તેણે આ પ્રકારનો શોટ નહીં રમવાનો નિર્ણય લીધો હતો જેના કારણે તેને વારંવાર ઈજા થઈ હતી કેમ કે ઓસ્ટ્રેલિયાની બોલિંગ તાકાત બાઉન્સરની છે. તેમણે કહ્યું કે પાંચ ફેબ્રુઆરીથી ભારતમાં ઈંગ્લેન્ડ સામે શ્રેણી શરૂ થઈ રહી છે ત્યારે ચેતેશ્વર તેમાં પણ સજ્જડ બેટિંગ પ્રદર્શન કરશે તેવી મને આશા છે.

વહેલા સવારે જાગી પિતા અરવિંદભાઇએ તમામ મેચ જોયા છે અને બાદમાં બેટીંગ અંગે વાત પણ કરતા.

બેક ટુ બેક શ્રેણીને કારણે ખેલાડીઓ ઉપર થાક હાવિ થઈ જવાનો ખતરો
ઓસ્ટ્રેલિયા સામે ચાર શ્રેણી રમ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી માટેની તૈયારીમાં લાગી ગઈ છે ત્યારે બેક ટુ બેક શ્રેણી રમાવાને કારણે ખેલાડીઓ ઉપર થાક હાવિ થઈ જવાનો ખતરો પણ હોવાનું અરવિંદભાઈએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બાયો-બબલમાં રહેવાને કારણે એમ પણ ક્રિકેટરો કંટાળી જાય છે તેવામાં એક પછી બીજી ટેસ્ટ શ્રેણી રમાડવાને કારણે થાક તેમના ઉપર અસર કરી શકે છે.

લોકડાઉનને કારણે પૂરતી પ્રેક્ટિસ ન થઈ શકી જેનું પરિણામ પ્રથમ બે મેચમાં દેખાયું
ચેતેશ્વર પુજારાના પિતા અરવિંદભાઈ પુજારાએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે ચેતેશ્વર પૂરતી પ્રેક્ટિસ કરી શક્યો નહોતો જેનું પરિણામ પ્રથમ બે મેચમાં જોવા મળ્યું હતું. જો કે ત્રીજા મેચથી ચિન્ટુ તેની મુળ શૈલીમાં આવી ગયો હતો અને ચારેય મેચમાં આખી ટીમે જેટલા બોલનો સામનો કર્યો હતો તેમાંથી 27 ટકા બોલનો સામનો એકલા ચેતેશ્વરે કરી બતાવ્યો હતો. આ જ વસ્તુ તેની ક્રિઝ જાળવી રાખવાની ગજબ કળાને દર્શાવી રહી છે. હવે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ ચેતેશ્વરે રમવાનું છે ત્યારે એક પિતા અને કોચ તરીકે હું તેને સલાહ આપીશ કે તે કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર તેના મુળ અંદાજમાં જ રમતનું પ્રદર્શન કરે અને ટીમને જીત અપાવે...

ઓસ્ટ્રેલિયન ટીમે ચેતેશ્ર્વરની બેટીંગ પર ઘણુ હોમ વર્ક કર્યું હતું
આ પહેલા ઓસ્ટ્રેલિયામાં રમાયેલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વખતે ટુર્નામેન્ટનો હિરો ચેતેશ્ર્વર રહ્યો હતો અને સિરિઝમાં 500થી વધુ રન કર્યા હતા. તેથી આ વખતે ઓસ્ટ્રેલિયનોએ ચેતેશ્વરની બેટીંગ પર ઘણુ સ્ટડી કર્યું હતું અને તેથી ‘ચિન્ટુ’ વધુ ધૈર્યથી બેટીંગ કરતો જે એક રણનીતિનો ભાગ હતો.

ભારતમાં ભારતે હરાવવું અશક્ય
પાંચ ફેબ્રુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી અંગે અરવિંદભાઈ પુજારાએ કહ્યું કે ભારતને તેના જ ઘરમાં હરાવવું અશક્ય છે આમ છતાં ઈંગ્લેન્ડની ટીમ જોરદાર ફોર્મમાં રમી રહી હોવાથી બન્ને બળુકી ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.

ટીમ ઈન્ડિયાની ફ્રન્ટફૂટ રમત અત્યંત સારી એટલે જ તેને બેકફૂટ પર રમાડાતા
ટીમ ઈન્ડિયાના દરેક બેટસમેનની ફ્રન્ટ ફૂટ પર રમવાની કળા અત્યંત સારી હોવાનું ઓસ્ટ્રેલિયન બોલરો સારી રીતે જાણી ગયા હતા એટલા માટે જ તેમણે ભારતના દરેક બેટસમેન બેકફૂટ પર રમે તે માટેની રણનીતિ ઘડી અને તેના ભાગરૂપે તેઓ વારંવાર લેન્થમાં પરિવર્તન કરીને બેટસમેનને મુંઝવી રહ્યા હતા. આ પ્રકારની મુંઝવણનો ચેતેશ્ર્વરે પણ સામનો કરવો પડ્યો હતો.નવા ખેલાડીઓ હોવાને કારણે ઓસ્ટ્રેલિયન તેની કમી ન શોધી શક્યા
ઓસ્ટ્રેલિયાને ગાબામાં હરાવવું અશક્ય હોવા છતાં ટીમ ઈન્ડિયાએ વિજય મેળવતાં તે વિશે અરવિંદભાઈ પુજારાએ જણાવ્યું હતું કે બ્રિસ્બેન ટેસ્ટમાં અનેક નવા ખેલાડીઓ રમતા હતા પરંતુ ઓસ્ટ્રેલિયન બોલરોને તેમની કમી વિશે બિલકુલ ખબર જ રહી નહોતી. કોઈ પણ ખેલાડીની કમી જાણવા માટે બે-ત્રણ મેચ રમવા જરૂરી હોય છે પરંતુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ નવા ખેલાડીઓને સમજી ન શક્યા જેનું પરિણામ તેમણે પરાજય સાથે ભોગવવું પડ્યું છે.


Related News

Loading...
Advertisement