મુખ્યમંત્રી રૂપાણી રાજકોટમાં: 489 કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાત મુહુર્ત

21 January 2021 11:58 AM
Rajkot Gujarat
  • મુખ્યમંત્રી રૂપાણી રાજકોટમાં: 489 કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાત મુહુર્ત

આમ્રપાલી બ્રીજને પ્રજા માટે ખુલ્લો મુકાયો: અન્ય ચાર ઓવરબ્રીજના કામ પણ શરૂ કરાવ્યા: ફુટબોલ ટુર્નામેન્ટ, શ્રીરામ મંદિર નિર્માણ નિધિ સહિતના શ્રેણીબધ્ધ કાર્યક્રમોમાં હાજરી

રાજકોટ, તા.21
સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ માટે સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે 489 કરોડના વિકાસ કામોના લોકાર્પણ તથા ભૂમિપૂજન હાથ ધરવામાં આવ્યા હતાં. રૈયા રોડ પરના આમ્રપાલી બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યા ઉપરાંત અન્ય ચાર ઓવર બ્રિજના ખાત મુહુર્ત કરવામાં આવ્યા હતાં. તેવી જ રીતે અન્ય સંખ્યાબંધ વિકાસકામોનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.


રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બે દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે રહ્યા હતા. આજે સવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ સોમનાથથી હવાઇ માર્ગે રાજકોટ આવી પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ સહિતના સ્થળોએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સીધા તેઓ રૈયા રોડના આમ્રપાલી બ્રીજ પર પહોંચ્યા હતા. રૈયા રોડને જોડતો અને રેલવે ફાટકના કારણે ટ્રાફિક સમસ્યા ધરાવતા આ માર્ગ પર પુલ બનતા હવે ટ્રાફિક સમસ્યા ઘણી હળવી થઇ જવાની છે. નિર્ધારીત કરતાં પણ વહેલો પૂર્ણ થયેલો આ બ્રીજ વિજયભાઇના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકાર્પણ ટાણે બ્રિજને ફુલહારથી શણગારવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા બ્રીજનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.


આમ્રપાલી બ્રીજના લોકાર્પણ બાદ કોઠારીયા રોડ પર યોજાયેલા કાર્યક્રમમાં એક સાથે અનેક વિકાસકામોના ખાત મુર્હુત કરવામાં આવ્યા હતાં. સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આજે સાંજ સુધી રાજકોટમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે અને કુલ 489 કરોડના વિકાસકામોના લોકાર્પણ તથા ખાત મુહુર્ત કરવાના છે. આ સિવાય કોરોના કાળ પછી ગુજરાતની સૌથી મોટી રમત ગમતની સ્પર્ધા એવી ઓલ ગુજરાત ફુટબોલ ટુર્નામેન્ટનું ઉદઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. રામ જન્મ ભૂમિ નિર્માણ નિધિ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો.


Related News

Loading...
Advertisement