ટ્રમ્પના અનેક નિર્ણયો રદ: અમેરિકામાં ક્રાંતિનો નવો પવન

21 January 2021 11:37 AM
World
  • ટ્રમ્પના અનેક નિર્ણયો રદ: અમેરિકામાં ક્રાંતિનો નવો પવન

રાષ્ટ્રપતિ બન્યા બાદ બાઈડેનનો પ્રથમ મેસેજ, ‘મેક અમેરિકા ‘એક’ અગેઈન’ : પદ સંભાળતાંની સાથે જ બાઈડેને 15 જેટલા આદેશો પર કર્યા હસ્તાક્ષર: પ્રવાસીઓને રાહત, અનેક મુસ્લિમ દેશો પરથી યાત્રા પ્રતિબંધ હટાવાયો, પેરિસ જળવાયુ સમજૂતિમાં અમેરિકા ફરી સામેલ થશે, 100 દિવસ સુધી માસ્ક ફરજિયાત સહિતના નિર્ણયો લાગુ

નવીદિલ્હી, તા.21
અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ જો બાઈડેને પદભાર ગ્રહણ કરતાંની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોને ઉખેડી ફેંકવાનું શરૂ કરી દીધું છે. બાઈડેને એક સાથે અનેક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ આદેશમાં મુખ્યત્વે પ્રવાસીઓને રાહત આપવામાં આવી છે તો અનેક મુસ્લિમ દેશોમાંથી અમેરિકાની યાત્રા પર લગાવાયેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખી બાઈડેને દેશભરમાં માસ્કને ફરજિયાત કરી દીધું છે. સાથે જ મેક્સિકોની સીમા પર બની રહેલી વાડના ફંડને પણ અટકાવી દેવામાં આવ્યું છે.


જો બાઈડેને પેરિસ જળવાયુ સમજૂતિમાં ફરીથી સામેલ થવાને લીલીઝંડી આપી દીધી છે અને વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી અમેરિકાના હટવાની પ્રક્રિયાને પણ રોકી દીધી છે. બાઈડેને કુલ 15 કાર્યકારી આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલાં બાઈડેનની ટીમે કહ્યું હતું કે આ આદેશો પર હસ્તાક્ષર ટ્રમ્પ દ્વારા કરાયેલા નુકસાનની ભરપાઈ છે. આ આદેશો પર હસ્તાક્ષર બાદ બાઈડેને કહ્યું કે હવે વધુ સમય બરબાદ કરી શકાય તેમ નથી.


તેમણે કહ્યું કે આજે જે અમુક કાર્યકારી આદેશો ઉપર હું હસ્તાક્ષર કરી રહ્યો છે તે કોરોના સંકટમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. અમે જળવાયુ પરિવર્તનનો એ પ્રકારે સામનો કરશું જેનો અત્યાર સુધી નથી કરાયો. સાથષ જ તમામ વંશના લોકો વચ્ચે એકતા પર કામ કરશું અને પ્રયાસ કરશું કે તમામ લોકો એકબીજાને સમજે. બાઈડેનના આ આદેશ બાદ અમેરિકામાં 100 દિવસ માટે માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. બાઈહેને ટ્રમ્પના નિર્ણયને રદ કરતાં મુસ્લિમો પર યાત્રાનો પ્રતિબંધ હટાવી દીધો છે. વર્ષ 2017માં ટ્રમ્પે સાત મુસ્લિમ બહુમતિવાળા દેશો પર પ્રતિબંધ લગાવ્યો હતો.


આ પહેલાં જો બાઈડેને ઘરેલુ આતંકવાદ અને શ્ર્વેતોને શ્રેષ્ઠ માનનારી માનસિકતાને હરાવવાની લડાઈમાં અમેરિકાના તમામ નાગરિકોને સામેલ થવાનું આહ્વાન કર્યું હતું. રાષ્ટ્રપતિ જો બાઈડેને શપથ ગ્રહણ બાદ પોતાના ભાષણમાં કહ્યું કે આજે અમે એક ઉમેદવારની જીતની નહીં પરંતુ લોકતંત્રના હેતુ અને લોકતંત્રની જીતની ઉજવણી કરી રહ્યા છીએ. દેશના 46મા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા બાદ 78 વર્ષીય બાઈડેને પોતાના વૈશ્વિક સહયોગીઓ સાથે સંબંધ સુધારવાનો વાયદો કર્યો સાથે સાથે લોકોને સત્યની રક્ષા કરવા અને ખોટાને હરાવવાનું આહ્વાન પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે પ્રથમ મેસેજ આપતાં ‘મેક અમેરિકા ‘એક’ અગેઈનનું સૂત્ર પણ આપ્યું હતું.


અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનેલા કમલા હેરિસે પણ અનેક ઈતિહાસ રચી દીધા છે. તેઓ પહેલાં અશ્વેત મહિલા છે જે અમેરિકી તંત્રમાં આટલા ઉચ્ચ પદ પર બિરાજમાન થયા છે. અશ્વેત સમુદાયના પ્રતીક હેરિસે સમારોહમાં પોતાના પરિધાન દ્વારા પણ મહત્ત્વનો સંદેશ આપ્યો છે. એવું મનાય રહ્યું છે કે તેમણે રિંગણી કલરનો ડ્રેસ પહેરીને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવનારા પ્રથમ આફ્રિકી-અમેરિકી શર્લી વિશોમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમનો ડ્રેસ ડિઝાઈન કરનારા ડિઝાઈનર પણ અશ્ર્વેત છે.

શપથગ્રહણ દરમિયાન કેપિટલ બહાર એકત્ર થનારી ભીડ પણ ઐતિહાસિક હોય છે. જો કે આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખી સન્નાટો છવાયેલો રહ્યો હતો. સામાન્ય લોકોને અહીં ઉપસ્થિત રહેવાની પરવાનગી અપાઈ નહોતી. અમેરિકા પર કોરોના વાયરસની સૌથી મોટી ફટકાર પડી છે અને અહીં દુનિયામાં સૌથી વધુ અંદાજે 2.5 કરોડ લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. બાઈડેન સામે સૌથી મોટો પડકાર તેને કાબૂમાં કરવાનો રહેશે.


આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ, બરાક ઓબામા અને બિલ ક્લિન્ટન સામેલ થયા હતા. તેમની સાથે પૂર્વ ફર્સ્ટ લેડી લોરા બુશ, મિશેલ ઓબામા અને હિલેરી ક્લિન્ટન પણ હતા. ખાસ વાત એ રહી કે ટ્રમ્પે આ કાર્યક્રમમાં સામેલ થવાનો નિર્ણય ભલે લીધો પરંતુ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ ઉપસ્થિત રહ્યા હતા.


127 વર્ષ જૂના બાઈબલ પર હાથ રાખી બાઈડેનના શપથ: મોદીએ પાઠવી શુભકામના
જો બાઈડેને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ અને કમલા હેરિસે પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. બાઈડેને 127 વર્ષ જૂના બાઈબલ પર હાથ મુકીને શપથ લીધાં હતાં. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રણ ટવીટ કરીને તેમને શુભકામના પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટવીટમાં લખ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળવા પર જો બાઈડેનને શુભકામના...ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કરવા માટે તેમની સાથે કામ કરવા માટે હું ઉશ્ર્વસુક છું. આ ઉપરાંત મોદીએ કમલા હેરિસને પણ અભિનંદન પાઠવ્યા હતા.


Related News

Loading...
Advertisement