પાટીલના કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપના બે સિનિયર નેતાઓ કોરોના પોઝીટીવ

21 January 2021 11:25 AM
Gujarat
  • પાટીલના કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપના બે સિનિયર નેતાઓ કોરોના પોઝીટીવ

મુખ્યમંત્રી સંક્રમણ રોકવા આખા ગુજરાતની ચિંતા કરે છે અને ભાજપના જ કાર્યક્રમોમાં કોરોનાને ખુલ્લો આમંત્રણ અપાય છે

સૌરાષ્ટ્રમાં પ્રવાસના પ્રથમ તબકકે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના મુદે વિવાદ સર્જી ગયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના રાજકોટના બીજા કાર્યક્રમમાં પણ સોશ્યલ ડીસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ થયો હતો અને માસ્ક વગરના સેંકડો લોકો કોઇ પોલીસ મંજુરી વગર એકત્ર થયા હતા અને તેમ છતાં પોલીસ અને સરકારી તંત્ર આંખ આડે કાન ધરી દીધા હતા. સામાન્ય વ્યકિતનું માસ્ક નાકની સહેજ નીચે હોય તો પણ પોલીસ રૂા.1000નો દંડ કરી લે છે પરંતુ રાજકીય નેતાઓના કાર્યક્રમમાં પોલીસ પોતાનું માસ્ક આંખ ઉપર પહેરી લેતી હોય તેમ અહીં માસ્ક કે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ દેખાતો નથી તેવી સ્થિતિમાં સી.આર. પાટીલના સરપંચ સંમેલનમાં હાજર રહેલા જીલ્લા ભાજપના મહામંત્રી મનસુખ રામાણી અને પુર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયા કોરોના પોઝીટીવ જાહેર થયા છે. ગત દિવસોના સંમેલન બાદ પ્રથમ બે નેતાઓ કોરોના પોઝીટીવ જાહેર થતાં તેની સાથે રહેલા અને સંમેલનમાં હાજર રહેલા સેંકડો લોકોની ચિંતા વધી ગઇ છે. એક તરફ મુખ્યમંત્રી ખુદ કોરોના સંક્રમણ ન ફેલાઇ તેની ચિંતા કરે છે તે વચ્ચે પ્રદેશ પ્રમુખ અને અન્ય નેતાઓ જે રીતે સંક્રમણને વેગ આપવાના કાર્યક્રમો યોજે છે તેનાથી ભાજપમાં પણ હવે જબરો રોષ છે. આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે તે સમયે કોરોના ન વકરે તે માટે પક્ષમાં હવે સંયમ રાખવાનો સૂર ઉઠયો છે.


Related News

Loading...
Advertisement