નવીદિલ્હી, તા.21
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસમાંથી વિદાય લઈ લીધી છે અને જો બાઈડેને નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. બાઈડેને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પના અનેક નિર્ણયોને બદલાવી નાખ્યા છે. આવામાં ટ્રમ્પના ‘એરફોર્સ વન’ વિમાનોના કલરને બદલવાનો નિર્ણય પણ ચર્ચામાં આવી ગયો છે. ટ્રમ્પે એર ફોર્સ વન વિમાનોનો રંગ બદલ્યો હતો તો શું બાઈડેન ટ્રમ્પના આ નિર્ણયને પણ પરત લઈ લેશે ? તેવા સવાલોએ જોર પકડી લીધું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળમાં એર ફોર્સ વન વિમાનો માટે જૂના રંગને બદલાવતાં લાલ, સફેદ અને વાદળી રંગનું અનાવરણ કર્યું હતું. ટ્રમ્પના નવા રંગવાળા વિમાન 2024માં મળવાના છે જ્યારે અત્યારે આ વિમાનોનો કલર વાદળી અને સફેદ છે.વિમાનની બહાર પારંપરિક હળવા આસમાની અને સફેદ રંગને નવી ડિઝાઈનથી બદલવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકેલા ટ્રમ્પે ઓવલ કાર્યાલયમાં એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન અમુક ડિઝાઈન પ્રસ્તુત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે આ તમારું નવું એરફોર્સ વન છે અને હું આ અન્ય રાષ્ટ્રપતિઓ માટેકરી રહ્યો છું, નહીં કે મારા માટે...ટ્રમ્પે એર ફોર્સ વનના બે નવા વિમાનોના નિર્માણ માટે બોઈંગ સાથે કરારકર્યો હતો અને આ વિમાન 2024 સુધીમાં બનીને તૈયાર થઈ જશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જે વિમાનમાં યાત્રા કરે છે તેને એર ફોર્સ વનના નામથી ઓળખવામાં આવે છે. જો કે આ વિમાનમાં દેશના ઉપરાષ્ટ્રપતિ યાત્રશ કરે તો તેનું નામ બદલાવીને એરફોર્સ-2 કરવામાં આવે છે. ટેકનીકની દૃષ્ટિએ જોઈએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ જે વિમાનમાં મુસાફરી કરે છે તે બોઈંગ 747-200બી હોય છે. આ વિમાન માટે વાયુસેનાનું પદનામ વીસી-25એ છે. આ વિમાનમાં સંયુક્ત રાજ્ય અમેરિકાનો ઝંડો અને રાષ્ટ્રપતિની મહોર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે જે રાષ્ટ્રપતિની તાકાતનું પ્રદર્શન કરે છે. એર ફોર્સ વન આધુનિક અને સુરક્ષિત સંચાર ઉપકરણોથી સજ્જ હોય છે.