ભાવનગર, તા.21
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં વૃધ્ધાના ઘરમાં ઘુસી બે શખ્સોએ લાકડી, પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત વૃધ્ધાનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ અંગેનો પ્રિ.ડી. એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે એક આરોપીને તકસીરવાન ઠરાવ્યો હતો. આ કેસમાં સજાની સુનવણી હાલ તુરંત મોકુફ રાખવામાં આવી હતી.
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરિયાદી હીરૂબેન નારણભાઇ કંટારીયા તા.26-3-18ના રોજ રાત્રીના અગિયારેક વાગે પોતાના ઘરે હતી અને દિનેશ તથા કાંતી તેઓના ઘર પાસે આવી ગાળો બોલતા હોય, જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા કાંતિભાઇનો હાથમાં પાઇપ હતો તે હીરૂબેનને મારતા તેને મૂંઢ ઇજા થયેલ અને દિનેશના હાથમાં લાકડી હતી, જે હિરૂબેનને મારતા મુંઢ ઇજા થયેલ અને આ દરમિયાન હિરૂબેને દેકારો કરતા, હિરૂબેનના દિકરા જેઠાભાઇ પણ ત્યાં આવી જતાં તેને પણ ગાળો દેવા લાગેલ, તે દરમિયાન દેકારો થતા બીજા ઘણા માણસો ભેગા થઇ ગયેલ અને આ લોકોએ જતા જતા ફરિયાદીના દિકરા જેઠાભાઇને કહેતા ગયેલ કે આજે તો તુ બચી ગયો હવે પછી અહીંયા અમે ગમે તેમ બોલીએ ગમે તેમ ગાળો બોલીએ તું વચ્ચે પડીશ તો તને જાનથી મારી નાખીશું, તેવી ધમકી આપી બંને જણા જતા રહેલ આ અંગેની ફરિયાદ તા.27-3-18ના રોજ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં હિરૂબેને જે તે સમયે નોંધાવેલ ત્યારબાદ હિરૂબેનનું સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે તકસીરવાન ઠરાવવામાં આવેલ છે. હાલ તુરંત સજા બાબતે સાંભળવાનું મુલત્વી રાખવામાં આવ્યું છે અન્ય એક આરોપીને શંકાનો લાભ આપી અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.