રાજયમાં મત્સ્યોદ્યોગ વિકાસ નીતિથી ઉત્પાદન વઘ્યુ છે : મુખ્યમંત્રી

21 January 2021 10:30 AM
Gujarat
  • રાજયમાં મત્સ્યોદ્યોગ વિકાસ નીતિથી ઉત્પાદન વઘ્યુ છે : મુખ્યમંત્રી

ઉનાના નવાબંદરે 300 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું મત્સ્ય બંદર બનાવવાના કામનું ખાતમુર્હુત કરતા વિજય રૂપાણી

ઉના/વેરાવળ તા.21
ગીર સોમનાથ જીલ્લાના નવા બંદર ખાતે રૂ.300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્ય બંદરનું ખાતમુહુર્ત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે તેમણે જણાવેલ કે ગુજરાતને મળેલા 1600 કિલો મીટરના દરીયાકાંઠાની વિપુલ તકોનો ટેકનોલોજી સાથે સમન્વય સાધીને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરોનું આધુનિકરણ કરી દરિયાકાંઠાના અર્થતંત્રને વધુ મજબૂત કરાશે. મુખ્યમંત્રી એ આ સંદર્ભે સ્પષ્ટપણે જણાવેલ કે, રાજ્ય સરકારની મત્સોદ્યોગની વિકાસલક્ષી નીતિને લીધે વર્ષ 2019-20 માં રાજ્યનું મત્સ્ય ઉત્પાદન 8.58 લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. રાજ્ય દ્વારા પાંચ હજાર કરોડથી પણ વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ સાગરખેડૂના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ હોવાનું જણાવેલ હતું.


મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ગુજરાત દેશનું પ્રવેશદ્વાર બન્યું છે તેમજ મત્સોદ્યોગના વિકાસની વાત કરતા વધુમાં ઉમેરેલ કે, હાલ રાજ્યમાં 29 હજારથી પણ વધુ બોટનું રજીસ્ટ્રેશન થયું છે. માછીમારોને કેરોસીન પર એક લીટરે રૂ.15 ની સબસિડી મળતી હતી તે વધારીને રૂ.25 કરવામાં આવી છે. આ ઉપરાંત સેસમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી માછીમારોને સહાય આપવામાં આવી છે. પાકીસ્તાન દ્વારા પકડેલા 7100 માછીમારોને છોડાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વેરાવળ, માંગરોળ, સુત્રાપાડા, માઢવાળ અને પોરબંદર જેવા બંદરોના વિકાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુત્રાપાડા ખાતે જીઆઇડીસીની જમીન ફિશરીઝ ખાતાને આપવામાં આવી છે અને હવે પર્યાવરણ ખાતામાં આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે.


આમ, રાજ્ય સરકાર દ્વારા સાગરબંધુઓને તમામ સુવિધા મળી રહે અને એમને કોઇ તકલીફ ન પડે એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહયા છે. કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં પણ ગુજરાતે વિકાસને અટકવા નથી દીધો અને છેલ્લા પાંચ મહિનામાં 27 હજાર કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે અને આજે એક જ દિવસમાં રૂ.750 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો કરવામાં આવ્યા હોવાનું જણાવેલ હતું.


રાજ્ય સરકાર પારદર્શક અને ઇમાનદારીથી કામ કરે છે. ગરીબો અને ઋજુ લોકોની સરકાર છે. પ્રજાના પૈસા પ્રજા માટે વાપરીને પારદર્શક પ્રજાભિમુખ વહીવટ થી કામ કરી રહ્યા છે એમ જણાવીને બે-અઢી દાયકા પહેલા વિપક્ષોની સરકાર હતી ત્યારે ખાતમુહૂર્તના કામો થયા પછી લોકો રાહ જોતા હતા અને અમે જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમેજ કરીએ છીએ એમ જણાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કરેલા વિકાસને આગળ વધારીને ગુજરાતને દેશનું અગ્રીમ રાજ્ય બનાવવા આપણે આગળ વધી રહ્યા છીએ તેમ જણાવેલ હતું. ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કરવામાં આવેલી આયોજનબદ્ધ કામગીરીની માહિતી આપી માછીમારોના વિકાસ અને ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


આ તકે મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવેલ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ માછીમારોની ચિંતા કરીને માછીમારોના વિકાસ માટે સંવેદનાપૂર્વક અનેક કલ્યાણકારી નિર્ણયો લીધા છે. માછીમારોની માંગણીઓ પર પૂરતું ધ્યાન આપીને અનેક યોજનાની અમલવારી કરી છે. મંત્રીએ માછીમારોને આપવામાં આવી રહેલી સહાય અને રાહતો ઝડપભેર તેમને મળી જાય તે માટે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા હાલ જે કામગીરી કરવામા આવી રહી છે તેની માહિતી આપતા જણાવેલ કે, ડીઝલ સબસીડી સહિતની સહાય સીધી જ બેન્ક ખાતામાં જમા થાય અને ટોકન પણ મોબાઇલ પર ઉપલબ્ધ થાય અને કચેરીઓમાં ઓછું જવું પડે અને ઘેરબેઠા બધી સુવિધા મળે તે માટે મુખ્યમંત્રી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. ગીર સોમનાથ જીલ્લાના માછીમારોએ સરકારની માછીમારો પ્રત્યેની સંવેદના અને ઋજુતા ને હર્ષભેર વધાવી લીધી હતી.


સ્વાગત પ્રવચન અને મત્સ્યોદ્યોગ વિભાગના વિકાસની યોજનાની રૂપરેખા સચિવ નલીન ઉપાધ્યાયએ આપી હતી અને આભારવિધિ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશે કરી હતી. આ તકે સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહિતના તમામ સંગઠનના પદાધિકારીઓ તથા સાગરખેડુ અગ્રણીઓએ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવા, કાળુભાઇ રાઠોડ, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, ગોવિંદભાઇ પરમાર, જેઠાભાઇ સોલંકી, ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, મત્સોદ્યોગ વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય, ગુજરાત મેરીટાઈમ બોર્ડના સીઈઓ અવંતિકા સિંઘ, કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ એસ. કે. વર્ગીસ, ઉદ્યોગ કમિશ્નર ડી. પી. દેસાઇ સહીતના બહોળી સંખ્યામાં સાગરખેડુઓ કોવીડ-19 ની ગાઇડ લાઇન અનુસરીને ઉપસ્થિત રહ્યાં હતાં.


Related News

Loading...
Advertisement